Abtak Media Google News

ચંદુભાઇ અમરેલી જિલ્લા બેંકના એમડી તરીકે જવાબદારી નિભાવતા હતા: સદ્ગતની અંતિમયાત્રામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા: શોકમગ્ન માહોલ

ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી, સૌરાષ્ટ્રના કદાવર સહકારી નેતા અને ઇફ્કોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના લઘુબંધુ તથા અમરેલી જિલ્લા સહકારી બેંકના એમડી ચંદુભાઇ સંઘાણીનું આજે સવારે હૃદ્યની બિમારીના કારણે દુ:ખદ અવસાન થતાં સમગ્ર અમરેલી પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

આજે સવારે અમરેલી સ્થિત તેઓના નિવાસસ્થાનેથી નીકળેલી સદ્ગતની અંતિમયાત્રામાં રાજકીય, સામાજીક, સેવાકીય અને સહકારી ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જોડાયા હતા. અમરેલી જિલ્લા સહકારી બેંકના એમડી ચંદુભાઇ નનુભાઇ સંઘાણી તે ઇફ્કોના ચેરમેન અને પ્રદેશ ભાજપ અગ્રણી દિલીપભાઇ સંઘાણી, કાળુભાઇ સંઘાણી, જયંતિભાઇ સંઘાણી, મુકેશભાઇ સંઘાણી અને જયસુખભાઇ સંઘાણીના નાના ભાઇ છેલ્લાં ઘણા સમયથી હૃદ્યની બિમારીથી પીડાતા હતા અને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી હતી.

જો કે સારવાર કારગત ન નીવડતા આજે સવારે તેઓનું દુ:ખદ અવસાન થયું હતું. મિલનસાર સ્વભાવ ધરાવતા ચંદુભાઇના નિધનના સમાચારથી સમગ્ર અમરેલી પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. આજે સવારે 9.30 કલાકે તેઓના અમરેલીના લીલીયા રોડ સ્થિત સુખનાથપરા ખાતેના નિવાસસ્થાનેથી નીકળેલી સદ્ગતની અંતિમયાત્રામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ચંદુભાઇ અશ્રુભીની આંખે વિદાય આપી હતી. તેઓના અકાળે અવસાનથી અમરેલી પંથકે એક કદાવર સહકારી આગેવાન ગુમાવ્યો છે. રાજકીય, સહકારી, સેવાકીય અને સામાજીક ક્ષેત્રના અગ્રણીઓએ ચંદુભાઇને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.