Abtak Media Google News

કોરોનાથી તાલમેલ મેળવી દેશ નવસર્જન તરફ?

ડિજિટલ ટેકનોલોજી અને આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ દેશને નવું રૂપ આપશે

વિપરીત પરિસ્થિતિમાં જે વ્યકિત અથવા તો કોઈ ઉધોગ આગળ વધશે તો તે સફળતાના શિખરો સર કરી શકશે

દરેક આફતની સાથે એક નવી તક હરહંમેશ સામે આવતી જ હોય છે

કોરોના નવા ભારતનું નિર્માણ કરશે?

દરેક આફત બાદ એક નવી તક અને એક નવો અવસર ઉદભવિત થતો હોય છે. માત્ર જરૂરીયાત છે કે તે તકને કેવી રીતે ઓળખી શકાય. કોરોના બાદ જાણે દેશ આખો બદલી રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ઉધોગની વાત કરવામાં આવે તો ઉધોગ સાહસિકો અને ઉધોગપતિઓએ જે વ્યાપાર કોરોના કાળમાં કર્યો હોય અને ઉદભવિત થયેલી તકોને સાંપડી હોય તે જ લોકો આવનારા સમયમાં સફળતાના શીખરો સર કરશે. જયારે તક આવતી હોય છે તો તેની સામે ચેલેન્જ પણ એટલે કે પડકારો પણ ઉદભવિત થતા હોય છે. પડકાર અને તકો એક સાથે જ રહે છે ત્યારે લોકડાઉન પૂર્ણ થતાની સાથે જ ઘણાખરા ઉધોગપતિઓનું માનવું છે કે, કોરોનાએ બદલી દીધેલી દુનિયા બાદ હવે ભવિષ્ય અંધકારમય થઈ ગયેલું હોય તો બીજી તરફ એ વાતની સ્પષ્ટતા થાય છે કે ડિજિટલ ટેકનોલોજી અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ દેશને નવું રૂપ આપશે. હેલ્થ સેકટર, એગ્રી કલ્ચર એટલે ખેતી સાથે સંકળાયેલા ઉધોગપતિઓ જો નવી ટેકનોલોજી કે ઈનોવેશનને નહીં આવકારે તો તેમના ઉધોગોને ઘણી માઠી અસરનો સામનો પણ કરવો પડશે.

બીજી તરફ ભારત દેશ ડિજિટલ તરફ આગળ વધી રહ્યો છે. નવી ટેકનોલોજી, નવા ઈનોવેશન થકી ઉધોગોને વેગ કેવી રીતે આપી શકાય તે દિશામાં હાલ સરકાર પણ વિચાર કરી રહ્યું છે. હાલના સમયમાં જે ઉધોગ ટેકનોલોજીનો સ્વીકાર કરશે તે જ ઉધોગ આવનારા સમયમાં ખુબ સારો પ્રોગ્રેસ પણ કરશે અને વિશ્ર્વ ફલક ઉપર દેશનું નામ પણ પ્રસ્થાપિત કરશે. હાલ આંકડાકિય માહિતી અનુસાર ભારત દેશમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરતી વેળાએ ડીએફએસઆઈ કંપનીઓ ૩૬ ટકા આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે રીટેલ ક્ષેત્રમાં ૨૫ ટકા, હેલ્થ કેર ક્ષેત્રમાં ૨૦ ટકા અને ખેતી ક્ષેત્રમાં ૮ ટકા જેટલો વપરાશ જોવા મળી રહ્યો છે. આઝાદી બાદ જે રીતે ભારત દેશનું નવનિર્માણ થયું હતું તેવી જ રીતે હાલ કોરોના બાદ દેશનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે. કહેવાય છે કે ભારતનાં ઉધોગપતિઓ સાહસિકવૃતિ ધરાવે છે ત્યારે નવા બદલાવો થકી અન્ય દેશોની સરખામણીમાં ભારત પાસે વિપુલ તકો ઉદભવિત થઈ છે જેનો ઉપયોગ દેશના ઉધોગપતિઓ કેવી રીતે કરશે તે સૌથી મોટો પ્રશ્ર્ન સામે આવ્યો છે. દેશના ૬૦ ટકા જેટલા ઉધોગપતિઓનું માનવું છે કે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના ઉપયોગ થકી આગામી ૨ થી ૩ વર્ષમાં તેમના ઉધોગોને ખુબ મોટો ફટકો પડશે જેનું એકમાત્ર કારણ એ છે કે જે ઉધોગો ટેકનોલોજી અને સમય સાથે તાલમેલ નહીં મેળવે તો તેમને ઘણી નુકસાની પણ વેઠવી પડશે. બીજી તરફ આ મહામારીના સમયમાં જે ઉધોગ સાહસિકોએ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તેમના ઉધોગોમાં ઘણા ફાયદાઓ પણ મળવાપાત્ર રહ્યા છે.

પહેલાના સમયમાં ઉધોગ માત્રને માત્ર એક મોડેલ ઉપર જ ચાલતો હતો પરંતુ જે રીતે સમય આગળ વધી રહ્યો છે તે જોતા હવે ઉધોગોમાં દિન-પ્રતિદિન સુધારાઓ પણ જોવા મળે છે જે આવનારા સમય માટે ભારત દેશ માટેની એક તક પણ ઉભી થઈ છે જો આ તકને યથાયોગ્ય રીતે તેને અપનાવવામાં આવે અને તેનું અમલીકરણ કરાય તો દેશની સાથે ઉધોગોનું પણ સ્તર વિકસાશે. હાલ જયારે ભારત અને ચાઈના વચ્ચે તણાવનો માહોલ જોવા મળ્યો છે તેનાથી વિશ્ર્વ આખાના દેશોની નજર ભારત ઉપર કેન્દ્રિત થઈ છે. સાથો સાથ જે વિશ્ર્વાસનો સંચાર થવો જોઈએ તે સૌથી વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે પરંતુ ભારત દેશ આ તકને સાંપડવા કેટલા અંશે તૈયાર છે તે આવનારો સમય જણાવશે પરંતુ વાસ્તવિકતા એ છે કે જયારે કોઈ તક સામે આવતી હોય તો તેની સાથે પડકારો અચુકપણે રહેતા હોય છે. જે લોકો પડકારોને સ્વીકારી દેખાતી તકને અનુસરે તે જ વ્યકિત સફળતા પ્રાપ્ત કરે છે અને હવેનો સમય એજ છે કે કેવી રીતે તકને સાંપડી શકાય. અંતમાં ભારત દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે સરકાર જે રીતે નિકાસને વેગ આપવા માટે સુચવી રહી છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે સ્થાનિક સ્તર પર ઉત્પાદનમાં વધારો કરવા માટે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરવો જોઈએ જેથી ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઈ શકે અને નિકાસમાં પણ વેગ મળતો રહે ત્યારે હવે જે લોકો સમય સાથે તાલમેલ મેળવશે તે જ સફળતાના શિખરો સર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.