Abtak Media Google News

પત્રકારત્ત્વ ભવનને નબળું પાડનાર ‘હેડ’ સામે દેસાણીની લાલ આંખ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સત્તાધીશોની મંજુરી મેળવ્યા વિના ભવન અધ્યક્ષે ઈન્ટર્નશીપ બંધ કરી ચલાવી મનમાની

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પત્રકારત્વ ભવનને નબળું પાડનાર હેડ સામે ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ લાલ આંખ કરી છે. પત્રકારત્વ ભવનમાં ઈન્ટર્નશીપ ચાલુ વર્ષે એકાએક મરજીયાત કરી દેવામાં આવી જેના લીધે વિદ્યાર્થીઓને તો ‘ભાવતું હતું અને વૈદે કીધું’ની માફક સાનુકૂળ પડી ગયું છે પરંતુ તેને લીધે પત્રકારત્વમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળતો પ્રેકટીકલ અનુભવ ખતમ થઈ ગયો છે. નવાઈની વાત તો એ છે કે ભવનનાં વડાએ યુનિવર્સિટીનાં સતાધીશોની મંજુરી મેળવ્યા વિના જ ઈન્ટર્નશીપ બંધ કરી દેવા ઓડિન્સ બહાર પાડી દીધો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પત્રકારત્વ ભવનમાં વર્ષોથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશીપ દાખલ કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ અખબાર, ટેલીવિઝન ચેનલ, રેડીયો ચેનલમાં પ્રેકટીકલ અનુભવ મેળવવા માટે જતા હતા જોકે ચાલુ વર્ષે પત્રકારત્વ ભવનનાં અધ્યક્ષ તુષાર ચંદારાણાને શું સુઝવ્યું કે ઈન્ટર્નશીપ મરજીયાત કરવાનો ઓર્ડિન્સ બહાર પાડી દીધો જોકે ભવનનાં હેડ તો નીતાબેન ઉદાણી છે પરંતુ હાલ તેઓ સીબેટીકલ લીવ પર હોવાથી ભવનનાં અધ્યક્ષનો ચાર્જ તુષાર ચંદારાણાને આપવામાં આવ્યો છે અને ચાલુ વર્ષે જ ભવનનાં ઈન્ચાર્જ અધ્યક્ષે વિદ્યાર્થીઓની ઈન્ટર્નશીપ મરજીયાત કરી દીધી છે.

આવતા વર્ષથી ઈન્ટર્નશીપ ફરજિયાત કરવા આદેશ: ઉપકુલપતિ દેસાણી

પત્રકારત્વ ભવનમાં ઈન્ટર્નશીપ મરજીયાત કરવાના મુદ્દે યુનિવર્સિટીનાં ઉપકુલપતિ વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈપણ ભવનમાં જે-તે વિષય માટે તેનો અનુભવ મેળવવા માટે પ્રેકટીસ અને ઈન્ટર્નશીપ કરવી ફરજીયાત હોય છે જોકે જર્નાલીઝમ ભવનમાં ઈન્ટર્નશીપ મરજીયાત કરવામાં આવી છે આ બિલકુલ ચલાવી ન લેવાય. વિદ્યાર્થીઓ ઈન્ટર્નશીપ કરશે તો જ તેમને પ્રેકટીકલ જ્ઞાન મળશે. આ વર્ષે પરીક્ષા માર્ચમાં હોવાથી હવે ઈન્ટર્નશીપ આવતા વર્ષથી ફરી ફરજીયાત કરવાનો ભવનનાં હેડને આદેશ આપી દેવામાં આવ્યો છે.

અનેક પ્રશ્ર્નો થતા હોવાથી ઈન્ટર્નશીપ બંધ કરી: તુષાર ચંદારાણા

પત્રકારત્વ ભવનમાં ઈન્ટર્નશીપ મરજીયાત કરવા મુદ્દે ભવનનાં ઈન્ચાર્જ વડા તુષાર ચંદારાણાનો સંપર્ક કરવામાં આવતા તેમણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે પત્રકારત્વમાં ઈન્ટર્નશીપ મરજીયાત રાખવામાં આવી છે એટલે કે કોઈ વિદ્યાર્થીને ઈન્ટર્નશીપ કરવી હોય તો કરી શકે પરંતુ તે ફરજીયાત નથી. ઈન્ટર્નશીપનાં સમયમાં અનેક પ્રશ્ર્નો થતા હોવાથી ચાલુ વર્ષથી ઈન્ટર્નશીપ મરજીયાત કરવાનો નિર્ણય લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.