Abtak Media Google News

ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવીએ પોલીસે બિન સત્તાવાર રીતે અમદાવાદ ઓફિસમાં રેઇડ પાડી હોવાનો દાવો કર્યો: પોલીસ વિભાગે આવી કોઈ રેઇડ પાડવામાં ન આવી હોવાની સ્પષ્ટતા કરી

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદમાં છે. ત્યારે તે પૂર્વે આપની અમદાવાદ ઓફિસમાં પોલીસે રેઇડ પાડી ખાખાખોરા કર્યા હોવાનો આપના હોદેદારોએ આક્ષેપ કર્યો છે. જો કે પોલીસે આવી કોઈ રેઇડ પાડી ન હોવાનું જાહેર કર્યું છે.

ગોપાલ ઈટાલિયાએ ટ્વીટર પર લખ્યું હતું કે રવિવારે પક્ષની ઓફિસ પર પોલીસે રેડ કરીને આખી ઓફિસના તમામ કબાટ, ડ્રોઅર, કમ્પ્યુટર તેમજ ડાયરી ચેક કર્યા હતા. તેમણે દાવો કર્યો છે કે ઓફિસમાં આવેલા વ્યક્તિએ પોતે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઈટાલિયાએ દાવો કર્યો હતો કે  હિતેષ, પારસ અને એક અજાણ્યો શખસ પોલીસ હોવાનું કહી પક્ષની ઓફિસમાં ઘૂસ્યા હતા.

પક્ષના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ આ મામલે જણાવ્યું હતું કે, રવિવારે સાંજે કેટલાક પોલીસકર્મી પક્ષની ઓફિસે આવ્યા હતા. એકથી દોઢ કલાક સુધી ઓફિસમાં કમ્પ્યુટર, ડાયરી સહિતની વસ્તુઓ ફેંદવામાં આવી હતી. ઈસુદાને એવો આક્ષેપ પણ કર્યો હતો કે આ એક પ્રકારની બિનસત્તાવાર રેડ હતી, જેનો ક્યાંય પણ કોઈ રેકોર્ડમાં ઉલ્લેખ નહીં હોય. ભાજપ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વિરોધીઓને ડરાવવા માટે આવું કામ કરી રહી છે. ઈસુદાને એવો પણ દાવો કર્યો હતો કે રેડ કરવા આવનારા લોકોએ પોતાના આઈકાર્ડ પણ બતાવ્યા હતા, પરંતુ તેમની પાસે કોઈ સર્ચ વોરન્ટ નહોતું.

આમ આદમી પાર્ટીની નવરંગપુરામાં આવેલી ઓફિસ પર પોલીસે રેડ પાડી હોવાના આક્ષેપથી રાજકારણ ગરમાયું છે. પક્ષના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો છે કે, આપની ઓફિસ પર ગેરકાયદે રીતે ત્રણ લોકો ઘૂસી ગયા હતા, તેમની ઓળખાણ માગતા તેમણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ, અમદાવાદ શહેર પોલીસે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે કે આપની ઓફિસ પર આવી કોઈ પણ પ્રકારની રેડ પાડવામાં આવી નથી.

આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ ડરી જાય તે માટે આ દરોડો પાડવામાં આવ્યો હોવાનું કહેતા ઈસુદાને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર પણ આમ આદમી પાર્ટીને બદનામ કરી ગુજરાતની જનતાને ભ્રમિત કરવામાં આવી રહી છે.

આમ આદમી પાર્ટીની ઓફિસમાં કોઈ સીસીટીવી હતા કે કેમ તે સવાલનો જવાબ આપતા ઈસુદાને કહ્યું હતું કે ઓફિસની આસપાસ પણ સીસીટીવી હશે, જે કોઈપણ ચેક કરાવી શકે છે. ગોપાલ ઈટાલિયાએ પોલીસ કર્મીના નામ પણ જાહેર કર્યા છે તેવું પણ તેમણે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.