‘જય મહાકાલ’… ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જાણકાર ત્રિકાળેશ્ર્વરને વંદન

જે સર્વ દેવતાઓના દેવ મહાદેવ છે, જે નિત્ય-અનાદિ અને અજન્મ્ય છે. જે સર્વ જયોતિના મૂળ પ્રકાશક છે, એ સ્વયંભૂ પ્રભુ શંકરના કોઈ આદિ અને અંત નથી. જે સર્વ પદાર્થોને પ્રકાશિત કરે છે એ ગંગાધર, જે મનુષ્યો અને સમસ્ત પ્રાણીઓના નાથ છે એ પશુપતિનાથ, જેમના સ્મરણ માત્રથી ભકતોનાં મૃત્યુ ભય ટળે છે. એ મૃત્યુંજયી મહાદેવ, જે વિશુધ્ધ જ્ઞાન પુંજોના કારણરૂપ છે. એ નટેશ્ર્વર શિવ જ, સર્વોપરિ પરાપર તત્વરૂપ છે. એ ભગવાન ચંદ્રશેખરનો મહિમા સ્વયં દેવતાઓયે પૂર્ણ પણે ન ગાઈ શકે, તો પામર મનુષ્યનું તે શું ગજું?

સ્કંદ પુરાણના શિવ કવચના છઠ્ઠા શ્ર્લોકમાં કહેવામાં આવ્યું છે:

સમગ્ર વિશ્ર્વ જેમની મૂર્તિ છે. જે જયોતિર્મય આનંદ ધન સ્વરૂપ ચિંદાત્મા છે. તે ભગવાન શિવ મારી સર્વત્ર રક્ષા કરે ! જે સુક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. મહાન શકિતથી સંપન્ન છે. તે અદ્વિતિય ઈશ્ર્વર મહાદેવજી તમામ ભયમાંથી મારી રક્ષા કરે.

રાવણકૃત શિવતાંડવ સ્ત્રોતનાં નવમાં શ્ર્લોકમાં કહેવામાં આવ્યું છે. જેમનો કંઠ વિકમિત નીલકમળથી શ્યામ પ્રભાનું અનુકરણ કરનાર હરિણી જેવા ચિહનથી સુશોભિત છે. તથા જે કામદેવ, ત્રિપુર, ભવ (સંસાર) દક્ષ-યક્ષ, હાથી, અંધકારસુર અને યમરાજનો પણ ઉચ્છેદ કરનાર છે. એ ભગવાન શંકરને હું ભજુ છું. અગ્નિ સમાન તેજસ્વી આપના ઐશ્ર્ચર્યને માપવા બ્રહ્મા ઉપર (આકાશમાં) અને વિષ્ણુ નીચે (પાતાળમાં) ગયા, છતા તેઓ કાંઈ જ જાણી શકયા નહિ! અંતે તેઓએ ભકિત અને શ્રધ્ધા વડે તમારી સ્તુતિ કરી ત્યાર હે ગિરિશ ! તમે સ્વેચ્છાએ પ્રત્યક્ષ થયા તમારી સ્તુતિ શું નથી આપતી? હર કહેતા હર પિડા હરી લેનાર, શંકર કહેતા હર પાપનો નાશ કરનાર, મસ્ત કલંદર, જય ઘરંઘર, હર હર શંકર અભયંકર આપને વારંવાર નમસ્કાર-નમસ્કાર.

અધુરપને મધુરપમાં ફેરવનાર,હે આસુતોષ આપને નમસ્કાર. રજ જેવા જીવનને રજત બનાવી ચમકાવનાર હે ચંદ્રમૌલિ તમને નમસ્કાર. જે આપના ચરણમાં શરણ લે છે,તેનું સદા સર્વે રીતે કલ્યાણ કરનાર હે કૈલાસપતિ આપને વંદન વારંવાર સર્વના ભયને ભગાડનાર ભોળા ભંડારી નમસ્કાર, ત્રિવિધ ગુણોથી પર રહેનાર ત્રિનેત્રી તમને વંદન સત્વગુણ વડે સર્વેને સુખ આપનાર સુખના ભંડારી ભોળાનાથ તમને નમસ્કાર. હે શિવ, શંકર, શંભુ, પુરમંથન, યમ-નિયમને પાળનાર મહાયાગી મહેશ્ર્વર આપને વંદન વારંવાર હે વરદ, આપનો મહિમા વાણીથી વર્ણવ્યો મુશ્કેલ છે. વેદો પણ નેતિ-નેતિ કહી વિસ્મય પામતા પોતાની મર્યાદા દેખાડે છે. એવા હે નિલકંઠ, નંદીશ્ર્વર, નટરાજ આપને નમસ્કાર.

કામદેવનું દમન કરનાર, સ્મશાનમાં રહેનાર, ભૂતો સાથે ભ્રમણ કરનાર, ચિતાની ભસ્મ ચોડનાર, મૂડ માળા ધારણ કરનાર, આ પ્રમાણેનો આપનો પહેરવેશ અને વર્તન ભલે વિસ્મય-વિચિત્ર લાગે, પણ સર્વે ઉપર અથાગ વહાલ વરસાવનાર, સિધ્ધ, સાદા, સરળ, પરમ સુખદાયી, વિશ્ર્વેશ્ર્વર પશુપતિનાથ આપને વંદન. અત્યંત વૃધ્ધ (વૃધ્ધિ પામેલા) છતા કલ્યાણમાં સમૃધ્ધ પરમ શુધ્ધ સુખદાતા, યુવાનોનેય શરમાવે એવૂં કાર્ય કરતા કામેશ્ર્વર આપને નમસ્કાર. સમગ્ર વિશ્ર્વમાં વ્યાપ્ત એવા આપના મસ્તક ઉપર ચરણ રાખી, મશક દ્વારા, પાણી ચડાવનારને પણ શરણગતિ આપનાર હે શરણેશ્ર્વર, શિવ આપને વંદન વારંવાર. હે પરમેશ્ર્વર આપ પંચ-મહાભૂતોમાં વ્યાપ્ત છો. એવું એક પણ તત્વ નથી. જેમાં આપ વ્યાપ્ત નથી. એવા હે સર્વ વ્યાપી સર્વેશ્ર્વર આપને વંદન વારંવાર.

હે પિનાક ધનુષ્યને ધારણ કરનારા પિનાકપાણી, તત્ક્ષણ તણખલાની જેમ કામદેવને બાળીને ભસ્મ કરનાર, તરણેશ્ર્વર, ભીમાશંકર, ભોળેબાબા નમસ્કાર. હે ગિરજાપતિ, ગૌરીશંકર, ગિરિશ માતા પાર્વતીને અડધા શરીરમાં ધારણ કરનાર, ધરણીધર, અર્ધનારેશ્ર્વર આપને નમસ્કાર-નમસ્કાર. ભવ, રૂદ્ર, શવ, પશુપતિ, ઉગ્ર, મહાદેવ, ભીમ અને ઈશાન એવા અનહદ આનંદને અર્પનારા, આપના આઠ અજોડ નામ છે.એ નામના સ્મરણ માત્રથી સર્વ સંક્રદો સમી જાય છે. એવા હે શંકટમોચન, સિધ્ધેશ્ર્વર આપને નમસ્કાર.હે કપાલી રોહીણી રૂપે રહેલી પોતાની પુત્રી સાથે રમણ કરવાની કામના કરનાર બ્રહ્માજીનું મસ્તક કાપી, કરમા ધારણ કરનાર, કાળના કાળ મહાકાળ આપને નમસ્કાર.પાપીઓને રડાવનાર, દિન-દુ:ખી માટે રડનાર હે રૂદ્ર આપને વંદન વારંવાર.

સર્વ પદાર્થ અને સત્વગુણ જેમાંથી ઉત્તપન્ન થઈ, પ્રકાશિત થાય છે. તથા અંતમાં એમાંજ ભળે છે. એવા કર્પુરગોર આપને વંદન. પ્રલ્ય પછી આપનાથી અતિરિકત કોઈ રહેતું નથી, સમસ્ત બ્રહ્માંડ સ્મશાનવત થઈ જાય છે, એ સ્મશાનની ભસ્મનું લેપન કરનાર ભસ્મધારી ભોળાનાથ નમસ્કાર. ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જાણકાર ત્રિકાળેશ્ર્વર આપને વંદન વારંવાર. પશુઓને પણ પોતાના ગણી જ્ઞાન અર્પનાર પશુપતિ નાથ નમસ્કાર.

મૃત્યુથી પર એવા મૃત્યંજય આપને વંદન મહિષાસુરના પુત્ર ગજાસુરની પ્રાર્થના સાંભળી તેના શરીરનું ચામડુ ધારણ કરનાર કૃતિવાસા આપને નમસ્કાર. હે મહિમાના મધુવનથી સદા મહેકતા મહેશ્ર્વર શ્રાવણ મહિનામાં આપના સાનિધ્યમાં રહેનારને અજય સુખ, શાતા, અર્પતા, એમના અનેક મનોરથો પૂર્ણ કરતા, પરમ સુખદાતા સદા-શિવ આપના ચરણમાં શરણ લઈ વારંવાર વંદન કરૂ છું.