Abtak Media Google News

જિલ્લામાં ચેકડેમ રીપેર કરવા, તળાવ ઉંડા ઉતારવા સહિતના કામો માટે 20 કરોડની જોગવાઈ: જિલ્લા પંચાયતનું પુરાંતલક્ષી અંદાજપત્ર રજૂ કરતા પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા

જામનગર જિલ્લામાં મોટાપાયે વરસાદી પાણીના સંગ્રહ માટે અભિયાન હાથ ધરી છે. જિલ્લામાં જળસંચયના કામો માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમ રજૂ થયેલા જિલ્લા પંચાયતના અંદાજપત્રમાં દર્શાવાયું છે. તેમ જિલ્લા પંચાયત પ્રમુક ધરમશીભાઈ ચનીયારાએ જણાવ્યું હતું.

જામનગર જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં રૂપિયા 4.31 કરોડની પુરાંતવાળું સ્વભંડોળનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.ભાજપ શાસિત જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાના અધ્યક્ષસ્થાને બપોરે પંચાયતના સભાગૃહમાં મળી હતી. આ બેઠકમાં પ્રમુખ દ્વારા જામનગર જિલ્લા પંચાયતનું સ્વભંડોળનું કુલ રૂા. 13.29 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયતની નવી પેનલ અસ્તીત્વમાં આવ્યા બાદ ખુબજ ઓછા સમયમાં એક અતિ મહત્વનું કામ એવું જિલ્લા પંચાયતનું અંદાજપત્ર રજુ કરવાનું થતું હતું. આવકના જુદા જુદા સ્ત્રોત ને ઘ્યાનમાં રાખી અંદાજીત આવક તેમજ આગામી વર્ષમાં લોકોને વધુ સારી સુવિધાઓ આપી શકાય અને જન સમુદાયની સુખાકારીમાં વધારો કરી શકાય તે મુજબ વિવિધ ક્ષેત્રે જોગવાઈઓ કરી વિકાસ લક્ષી અંદાજપત્ર સામાન્ય સભામાં રજુ કરાયું હતું.

આ બજેટમાં જાહેર કરાયેલી વિગતો અનુસાર સને 2021-22 નાં અંદાજપત્રનાં મુખ્ય અંશ જોઈએ તો નલ સે જલ યોજનાના અભિયાનનો મુખ્ય આશય વરસાદના પાણીને સંચય કરવાનો છે. જેમાં ચોમાસા પહેલા પ્રિ-મોનસુન એકટીવીટી તરીકે ચેકડેમ રીપેર કરવા, તળાવ ઉડા ઉતારવા, પાણીની સ્ટોરેજ કેપેસીટી વધારવી જેવા કામો હાથ ઘરી વરસાદનાં પાણીને વહી જતું અટકાવવાનો છે. આજ આશય સાથે જિલ્લા પંચાયત સ્વભંડોળ હેઠળ ગ્રામિણ વિસ્તારમાં ચેકડેમની મરામત અને નવા ચેકડેમ બાંધવા માટે 200.00 લાખની જોગવાઈ કરાઈ છે.

ઉપરાંત જિલ્લા પંચાયતના વિસ્તારમાં વિકાસનાં કામો માટે પણ 200.00 લાખની જોગવાઈ રાખવામાં આવેલ છે. અનુસુચિત જાતી તેમજ પછાત વર્ગના વિસ્તારમાં લોકોને કોમ્યુનિટી હોલની સુવિધા પ્રાપ્ત થાય તેમાટે 60 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આાંગણવાડીમાં વિશેષ સુવિધાઓ આપી શકાય તે માટે ર20 લાખ. શિક્ષણ ક્ષેત્ર 20 લાખ, કુદરતી આફતના સમયમાં આકસ્મિક કાર્યો માટે 20 લાખ, આરોગ્ય ક્ષેત્રમાં 18 લાખ, આયુર્વેદ ક્ષેત્રે 8 લાખની જોગવાઈઓ કરવામાં આવેલ છે. આમ જિલ્લા પંચાયત સ્વભંડોળ હેઠળ તમામ ક્ષેત્ર ને લક્ષમાં રાખી કુલ અંદાજીત આવક રૂા.1329.27 લાખની સામે 898.40 લાખનાં ખર્ચની જોગવાઈ કરતાં રૂા.431.47 લાખનું પુરાંતલક્ષી બજેટ તૈયાર કરવામાં આવેલ છે. એકંદરે 2021-22નાં વર્ષનાં અંદાજપત્રમાં સરકારી અનુદાન સહીત જોઈએ તો 205.01 કરોડની અંદાજીત આવક સામે 208.97 કરોડનાં અંદાજીત ખર્ચની જોગવાઈ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.