Abtak Media Google News

પ્રજાનો પક્ષપલ્ટુ ને જાકારો!

વિધાનસભાની ૬ બેઠકો પૈકી ૩ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર આગળ: ત્રણમાં ભાજપની સામાન્ય લીડ: અપક્ષ ઉમેદવારો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની પથારી ફેરવે તેવી દહેશત

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ખાલી પડેલી ૭ બેઠકો પૈકી ૬ બેઠકો માટે ગત સોમવારે પેટાચુંટણીનું મતદાન યોજાયા બાદ આજે સવારથી મતગણતરી ચાલી રહી છે જેમાં રાજયમાં મેજર અપસેટ થાય તેવા પરિણામો આવે તેવી સંભાવના છે. ચુંટણીનાં પરિણામો સતાધારી પક્ષ ભાજપની દિવાળી બગાડે અને કોંગ્રેસનાં આંગણે આતશબાજીની રંગોળી પુરે તેવું લાગી રહ્યું છે. ૬ બેઠકો પૈકી ૩ બેઠકો પર ભાજપનાં ઉમેદવારો જયારે ૩ બેઠકો પર કોંગ્રેસનાં ઉમેદવારો આગળ ચાલી રહી છે જેનાં પર રાજયભરની મીટ મંડાયેલી છે તે રાધનપુર અને બાયડ બેઠક પરથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પોતાના નજીકનાં હરીફથી પાછળ ચાલી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડા બેઠકનાં ભાજપનાં ધારાસભ્યો ગત લોકસભાની ચુંટણી લડી સંસદ સભ્ય બનતા તેઓએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું જેના કારણે આ ૪ બેઠકો ખાલી પડી હતી. જયારે વર્ષ ૨૦૧૭ની સામાન્ય ચુંટણીમાં રાધનપુર અને બાયડ બેઠક પરથી કોંગ્રેસનાં પ્રતિક પરથી ચુંટણી લડી ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પંજાનો સાથ છોડી ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરી લીધો હતો અને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. આમ રાજયની ૬ બેઠકો ખાલી પડી છે જેના માટે ગત સોમવારનાં રોજ પેટાચુંટણી માટે મતદાન યોજાયું હતું. મતદાનમાં પણ મતદારોની ભારે ઉદાસીનતા જોવા મળી હતી. અમરાઈવાડી બેઠક પર તો માત્ર ૩૪.૬૯ ટકા જ મતદાન થયું હતું. ૬ બેઠકો માટે સરેરાશ ૪૫ ટકા મતદાન થયું હતું. આજે સવારથી મતગણતરી ચાલી રહી છે જેમાં અપસેટનાં સંકેતો મળી રહ્યા છે. તમામ ૬ બેઠકો પર જીતનું ભાજપનું સ્વપ્ન ચકનાચુર થઈ જાય તેવું લાગી રહ્યું છે. ચુંટણીનાં પરિણામો ભાજપની દિવાળી બગાડે તે નિશ્ર્ચિત મનાઈ રહ્યું છે.

બીજી તરફ કોંગ્રેસ માટે ઉત્સાહવર્ધક પરીણામો રહે તેવું લાગી રહ્યું છે. અમરાઈવાડી, બાયડ અને રાધનપુર બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે ત્યારે ખેરાલુ, થરાડ અને લુણાવાડા બેઠક પર ભાજપનાં ઉમેદવારો લીડ કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પોતાના નજીકનાં હરીફથી ખાસ્સા મતોથી પાછળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.