Abtak Media Google News

જિલ્લા પોલીસ વડા રાઠોડે નાકાબંધી કરાવી ગણતરીની કલાકમાં જ અપહૃત બાળકને હેમખેમ બચાવ્યો

અપહરણની ઘટનાના સીસીટીવી ફુટેજ વાયરલ થયા

મોરબીના રવાપર રોડ પર રહેતા ઉદ્યોગપતિના સાત વર્ષના માસુમ બાળકનું બે શખ્સો બાઇક પર અપહરણ કરતા મોરબી પોલીસે નાકાબંધી કરાવી ગણતરીની કલાકોમાં જ અપહરણની ઘટનાનો ભેદ ઉકેલી રફાળેશ્ર્વર પાસેથી બંને શખ્સોને ઝડપી બાળકને હેમખેમ બચાવી લેવામાં સફળતા મળી છે. અપહરણ પાછળ પૈસાની અથવા ખંડણી પડાવવાનો ઇરાદો હોવાની શંકા સાથે બંને શખ્સોની પૂછપરછ હાથધરવામાં આવી છે.

મોરબીના સિરામીક ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ જીજ્ઞેશભાઇ પાડલીયાના પત્ની પોતાના સાત વર્ષના પુત્ર દેવ ઉર્ફે ધ્રુવને લઇને ઘર પાસે સ્કૂલવાનની રાહ જોઇ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ કંઇ વાત કરતા જીજ્ઞેશભાઇને બોલાવવા તેમના પત્નીએ દેવ ઉર્ફે ધ્રુવને છોડીને ઘરમાં જઇ રહ્યા હતા તે દરમિયાન બે શખ્સો પૈકી મજબુત બાંધાના શખ્સ દેવ ઉર્ફે ધ્રુવને ઉઠાવી બાઇક પાછળ બેસી ભાગી જતા ગોકીરો બોલી ગયો હતો.

સમગ્ર ઘટના સીસીટીવીના ફુટેજ સાથે મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડને ફરિયાદ કરતા બંને અપહરણકારને ઝડપી લેવા અને બાળકને હેમખેમ બચાવી લેવા નાકાબંધી કરાવી હતી અને પોલીસની અલગ અલગ ટીમ બનાવી બંને અપહરણકાર રફાળેશ્ર્વર તરફ ભાગ્યા હોવાથી પોલીસને તેનો પીછો કરવા તેમજ વાંકાનેર તાલુકા પોલીસને સતર્ક કરવામાં આવી હતી.

દરમિયાન જીઆરડીના જવાનોના ધ્યાને બાઇક પર બાળક સાથે બે શખ્સો નજરે પડતા તેનો પીછો કર્યો હતો અને બંને અપહરણકારને ઝડપી બાળકને બચાવી તેના પરિવારને સોપી દેવામાં આવ્યો હતો. બંને અપહરણકારને વાંકાનેર તાલુકા પોલીસ મથકે લઇ જઇ ખંડણી પડાવવા માટે અપહરણ કર્યુ કે પૈસાની પ્રશ્ર્ને અપહરણ કર્યુ તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

બંને શખ્સોની સાથે અન્ય કોની સંડોવણી છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે.

પોલીસની ત્વરીત કામગીરી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે બિરદાવી હિમ્મતપૂર્વક બંને અપહરણકારને ઝડપી લેનાર જીઆરડીના જવાનોની પીઠ થાબડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.