Abtak Media Google News

વાતો નહી કામ કરે તેવા કાર્યકરોને પ્રાધાન્ય

શહેર ભાજપ પ્રમુખ મૂકેશ દોશીએ નવી પ્રણાલી શરૂ કરાવી: વોર્ડ વાઇઝ આગેવાનો અને કાર્યકરોને સાંભળી નવી રચના માટે નામો તારવી લેવાયા

નવનિયુકત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ સંગઠન માળખાને વધુ મજબુત બનાવવા માટે એક નવો અને ઐતિહાસિક પ્રણાલી શરુ કરી છે. શહેરના તમામ 18 વોર્ડના સંગઠન માળખાની રચના કરવા માટે કોર્પોરેશનની ચુંટણી માફક સેન્સ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જેમાં વોર્ડના વર્તમાન હોદેદારો અને આગેવાનોને સાંભળવામાં આવી રહ્યા છે. હવે પછી વોર્ડની જવાબદારી કોને સોંપવી તે માટે નામો પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આજે સવારથી શરૂ થયેલી સેન્સ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલશે. જેમાં વોર્ડ વાઇઝ આવેલા નામો તારવી મજબૂત વોર્ડ માળખુ તૈયાર કરવામાં આવશે. મોટી મોટી વાતો કરનારા નહી પરંતુ ખરેખર કામ કરનાર કાર્યકરને હોદો આપવામાં આવશે.

કોઇપણ રાજકીય પક્ષનું મજબૂત જમા પાસુ વોર્ડ અને બુથ સુધીનું મજબૂત સંગઠન માળખુ હોય છે અત્યાર સુધી શહેર ભાજપમાં એવી સિસ્ટમ ચાલતી રહી કે પ્રમુખ વોર્ડનું માળખુ પોતાની રીતે નકકી કરી લેતા હતા. જેમાં પક્ષને સમર્પીત ન હોય તેવા કાર્યકરોને પણ સમાવી લેવામાં આવતા હતા. સારા નહી પરંતુ મારા તારાને મહત્વ આપવામાં આવતું હતું. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ જુની સિસ્ટમમાં જડમુળથી ફેરફાર કરી નાખ્યા છે. તમામ 18 વોર્ડના પ્રભારી, પ્રમુખ અને મહામંત્રી સહિતના હોદેદારોની નિમણુંક કરવા માટે આજે સવારથી શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવામાં આવી રહી છે.

જેમાં વોર્ડવાઇઝ ટર્ન લેવામાં આવી રહ્યા છે. વોર્ડના વર્તમાન હોદેદારો પાસેથી નગર સેવકો પાસેથી, શહેર ભાજપના હોદેદારો પાસેથી માત્ર વાતોના વડા નહી ખરેખર કમળને ખિલવવા માટે પરસેવો પાડનાર કાર્યકરોના નામ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. વોર્ડના હયાત સંગઠનના હોદેદારોને એક લીટીમાં સુચના આપવામાં આવી રહી છે કે તમે ઘણું કામ કર્યુ હવે વોર્ડમાં કોની નિયુકિત કરવામાં આવે તો પક્ષને ફાયદો થાય તેમ છે તેવા કાર્યકરોના નામો આપવા જણાવી દેવાયું છે.

સવારથી શહેર ભાજપ કાર્યાલય ખાતે વોર્ડના સંગઠન માળખાની રચના કરવા માટે સેન્સ લેવામાં આવી રહી છે. જેમાં એક પછી એક વોર્ડના આગેવાનોને સાંભળવામાં આવી રહ્યા છે. આજે રાત્રીના આઠ વાગ્યા સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલુ રહેશે ત્યારબાદ જે નામો આવ્યા હશે તેમાં ચારણી મારી વોર્ડના પ્રભારી, વોર્ડ પ્રમુખ, વોર્ડ મહામંત્રી સહિતના હોદેદારોના નામ જાહેર કરવામાં આવશે.

સામાન્ય રીતે કોર્પોરેશનની ચુંટણી સમયે ભાજપ દ્વારા વોર્ડવાઇઝ સેન્સ લેવામાં આવતી હોય છે. કાર્યકરો અને આગેવાનોને સાંભળવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે વોર્ડના સંગઠન માળખાની નવી રચના કરવા પણ પ્રમુખ મુકેશ દોશી દ્વારા સેન્સ પ્રક્રિયાથી નવી પ્રણાલી શરુ કરવામાં આવી છે. વર્ષોથી પક્ષ માટે કાળી મજુરી કરનારને સંગઠન માળખામાં સ્થાન મળતું નથી. આવુ થવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે તેમની પાસે શહેર ભાજપના સંગઠનના હોદેદારો સાથે ગાઠ ધરોબો હોવાનું છે. પરંતુ હવે ખરેખર કામ કરનાર કાર્યકરને વોર્ડનો હવાલો સોંપવામાં આવશે.

વોર્ડના માળખા બાદ અલગ અલગ મોરચાના પ્રમુખ અને મહામંત્રી સહિતના હોદેદારોની નિમણુંક કરવા માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી એકાદ પખવાડીયામાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા તમામ 18 વોર્ડના સંગઠન માળખા અને તમામ મોરચાના હોદેદારોના નામની જાહેરાત કરી દેવામાં આવશે.

જે વ્યકિતનો એક યા બીજા કારણોસર શહેર ભાજપના સંગઠન માળખામાં સમાવેશ કરી શકાયો નથી તેઓનો વોર્ડ પ્રભારી બનાવવામાં આવશે આ ઉપરાંત વોર્ડમાં ભાજપને મજબૂત કરવા માટે ખરેખર કાળી મજુરી કરનારા કાર્યકરના શીરે વોર્ડ પ્રમુખ કે વોર્ડ મહામંત્રીનો તાજ પહેરાવવામાં આવશે.

સી.એમ. અને સી.આર. શુક્રવારે દિલ્હી જશે

કેન્દ્રીય મંત્રી મંડળ અને સંગઠન માળખામાં ફેરફાર પૂર્વ બેઠક

લોકસભાની ચૂંટણી પૂર્વ કેન્દ્રીય મંત્રી મંડળ અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન માળખામાં કેટલાક ફેરફાર થવાની સંભાવના છે.દરમિયાન આગામી 7મી જુલાઇના રોજ ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા દિલ્હી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ ઉ5સ્થિત રહેશે. આ બેઠકમાં રાજસ્થાન, મઘ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીના સંગઠનના હોદેદારો પણ હાજરી આપશે. ગુજરાતના રાષ્ટ્રીય સંગઠન પ્રભારી બી.એલ. સંતોષ પણ હાજરી આપશે. ગુજરાતની વર્તમાન સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની મુદત આગામી ર0મી જુલાઇના રોજ પૂર્ણ થઇ રહી છે. તેઓને કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવશે તો ગુજરાતનો હવાલો કોને સોપવો તે અંગે પણ નિર્ણય લેવાય શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.