Abtak Media Google News

શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ લેતા દૈનિક 11 હજાર શ્રમીકો

છેવાડાના માનવી સુધી સુખાકારી પહોંચે તેના માટે સરકાર કટિબદ્ધ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના ફાયદા નાગરિકો સુધી પહોંચી રહ્યા છે. અત્યારે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને માત્ર ₹ 5માં ભોજન આપવામાં આવે છે. કોવિડ મહામારી બાદ ઓક્ટોબર 2022માં આ યોજના અંતર્ગત કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી અને માત્ર ચાર મહિનાના ગાળામાં 3 લાખ 90 હજારથી વધુ બાંધકામ શ્રમિકો આ યોજનાનો લાભ લઇ ચૂક્યા છે. નવા વર્ષના બીજા મહિનાથી એટલે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ હવે દૈનિક ભોજન મેળવનાર લાભાર્થીઓની સંખ્યા 11 હજાર થઇ ગઇ છે.

Advertisement

શ્રમિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા હવે ભોજનની ડિલીવરી પણ શરૂ કરવામાં આવી છે. સોથી વધુ બાંધકામ શ્રમિકો જ્યાં કામ કરતા હોય તેવી બાંધકામ સાઇટ પર ભોજનની ડિલીવરી થાય છે. અત્યારે પાયલટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ અને ગાંધીનગરની 9 સાઇટ પર ડિલીવરી શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં કુલ 7 જિલ્લાઓમાં 99 કડિયાનાકા પર ભોજન પ્રદાન કરવામાં આવે છે. જેમાં અમદાવાદ  , ગાંધીનગર , વડોદરા  , સુરત , નવસારી  , રાજકોટ   અને મહેસાણા   નો સમાવેશ થાય છે.

આ યોજના અંતર્ગત શ્રમિકોને ભોજનમાં કઠોળનું શાક, બટાકા અને મિક્ષ શાક, રોટલી, ભાત, અથાણું/મરચાં, ગોળ, દર ગુરુવારે ખીચડી-કઢી તેમજ અઠવાડિયામાં એક વખત સુખડી અથવા તો શીરો આપવામાં આવે છે. પ્રતિ ભોજન અત્યારે સરકાર તરફથી ₹ 37ની સબસીડી ચૂકવીને માત્ર ₹ 5માં શ્રમિકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. આગામી સમયમાં ભાવનગરમાં 4, વલસાડમાં 6 અને પાટણમાં 1 કડિયાનાકા પર યોજના ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે અને ત્યારબાદ વધુ  બાંધકામ સાઈટો પર આ યોજનાનો વ્યાપ વધારવાનું આયોજન છે.

ઈ-નિર્માણ કાર્ડથી શ્રમિકો મેળવી શકશે ભોજન

શ્રમિક અન્નપૂર્ણાના તમામ કેન્દ્રો ઉપર ઈ-નિર્માણ કાર્ડની મદદથી ભોજન મેળવી શકાશે. કાર્ડનો ક્યુઆર  કોડ સ્કેન કરાવીને ટિફિનમાં કે સ્થળ પર જ એક સમયનું ભોજન મેળવી શકાશે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોય તેમના માટે બૂથ પર જ બાંધકામ શ્રમિકોની હંગામી ધોરણે નોંધણી થાય છે અને 15 દિવસ સુધી તેઓ ભોજન મેળવી શકે છે.

સરકારની પ્રાથમિકતા જ એ રહી છે કે સમાજના છેવાડાના માણસ સુધી યોજનાઓ પહોંચે અને જરૂરિયાત ધરાવતો દરેક વ્યક્તિ તેનો મહત્તમ લાભ લઈ શકે. અને એ ખુશીની વાત છે કે આ યોજનામાં અત્યારે 3 લાખ 90 હજારથી વધુ શ્રમિકો તેનો લાભ લઇ ચૂક્યા છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ દૈનિક લાભાર્થીઓની સંખ્યા 11 હજાર થઇ ગઇ છે. અમે પાયલટ તરીકે અમુક સાઇટ્સ પર ફૂડ  ડિલીવરી પણ શરૂ કરાવી છે. આગામી દિવસોમાં આ યોજનાનો વ્યાપ હજુ વધારવામાં આવશે અને નાગરિકોને તેનો મહત્તમ લાભ મળી રહેશે.   તેમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને  રોજગાર વિભાગના  સચિવ ડો. અંજુ શર્માએ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.