ગુજરાતના સિંહાસન પર ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યાભિષેક

 • કનુભાઇ દેસાઇ, રાઘવજીભાઇ પટેલ, ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજીભાઇ બાવળિયા, મુળુભાઇ બેરા, ડો.કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ કેબિનેટ મંત્રી તરીકે, હર્ષ સંઘવી અને જગદીશ વિશ્ર્વકર્માએ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી તરીકે જ્યારે પુરૂષોત્તમ સોલંકી, બચુભાઇ ખાવડ, મુકેશભાઇ પટેલ, પ્રફૂલ્લભાઇ પાનસેરીયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજીભાઇ હળપતીએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા
 • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ ઐતિહાસિક શપથવિધિમાં રહ્યાં હાજર

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલે આજે સતત બીજી વખત પદ અને ગોપનિયતાના શપથ લીધાં હતાં. તેઓની સાથે આઠ કેબિનેટ મંત્રી, સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના બે મંત્રીઓ અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધાં હતાં. 17 સભ્યોના મંત્રી મંડળમાં સૌથી આશ્ર્ચર્યની વાતએ છે કે એક માત્ર મહિલા ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા છે. ઐતિહાસિક શપથવિધી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી સહિતના ટોચના નેતાઓ ઉ5સ્થિત રહ્યાં હતાં.

આજે ગાંધીનગરમાં સચિવાલય સ્થિત હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2:00 કલાકે યોજાયેલા શપથવિધી સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ પટેલને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતાં. સપ્ટેમ્બર-2021 બાદ ભૂપેન્દ્રભાઇ પટેલે આજે સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં. સીએમની શપથવિધી પૂર્ણ થયા બાદ આઠ કેબિનેટ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતાં.

જેમાં કનુભાઇ દેસાઇ, ઋષિકેશભાઇ પટેલ, રાઘવજીભાઇ પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજીભાઇ બાવળિયા, મુળુભાઇ બેરા, ડો.કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધાં હતાં. ત્યારબાદ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી તરીકે હર્ષ સંઘવી અને જગદીશ વિશ્ર્વકર્મા (પંચાલ)એ ગ્રહણ કર્યા હતાં. ત્યારબાદ રાજ્યકક્ષાના મંત્રી તરીકે પુરૂષોત્તમભાઇ સોલંકી, બચુભાઇ ખાબડ, મુકેશભાઇ પટેલ, પ્રફૂલ્લભાઇ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજીભાઇ હળપતીએ શપથ ગ્રહણ કર્યા હતાં. ગુજરાત વિધાનસભાની સભ્ય સંખ્યા મુજબ 27 સભ્યોનું મંત્રી મંડળ રાખી શકાય છે પરંતુ આજે મુખ્યમંત્રી સહિત કુલ 17 સભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હજુ 10 સભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરી શકાય તેમ હોય આગામી દિવસોમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા પણ જણાય રહી છે.

શપથવિધી પૂર્ણ થયા બાદ બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે. નવા મંત્રી મંડળમાં રાજકોટ શહેર-જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રનું જોરદાર વજન જોવા મળ્યું રહ્યું છે. કારણ કે રાજકોટ શહેરને એક, જિલ્લાને એક સહિત સૌરાષ્ટ્રના કુલ ચાર ધારાસભ્યોને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે એક ધારાસભ્યને રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

 

 • રાજકોટ જિલ્લાના 2 સહિત સૌરાષ્ટ્રના 4 ધારાસભ્યોને કેબિનેટ મંત્રી પદ અપાયું
 • રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, મુળુભાઈ બેરા અને કુંવરજીભાઇ બાવળીયાને કેબિનેટમાં સ્થાન, પરસોત્તમ સોલંકી બન્યા રાજયકક્ષાના મંત્રી: સૌરાષ્ટ્રનો ઋણ ચૂકવતો ભાજપ, હજુ પાર્ટ-2માં પણ અનેક આશા

ભાજપે સૌરાષ્ટ્રનું ઋણ ચૂક્વ્યુ છે. રાજકોટ જિલ્લાના 2 સહિત સૌરાષ્ટ્રના 4 નેતાઓને કેબિનેટ મંત્રી પદ અપાયું છે.  જેમાં રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, મુળુભાઈ બેરા અને કુંવરજીભાઇ બાવળીયાનો સમાવેશ થાય છે. વિધાનસભા જંગમાં મિશન સૌરાષ્ટ્ર અંતર્ગત વડાપ્રધાનથી માંડીને કેન્દ્રીય નેતાઓ તેમજ જુદા જુદા રાજ્યના મુખ્યમંત્રીઓ પાસે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર પ્રસાર પણ કરાવવામાં આવ્યો હતો. જેના પરિણામે ગુજરાતમાં ભાજપે જંગી બહુમતીથી જીત મેળવીને ઐતિહાસિક જીત મેળવી છે. ગુજરાતમાં સ્ટાર પ્રચારકો દ્વારા ભારે પ્રચાર કરવામાં આવ્યો હતો. આ સાથે કોંગ્રેસને ભારે નુકશાનનો સમનો કરવો પડ્યો હતો. અને ગુજરાતમાં પાતાનું નસીબ અજમાવવા આવેલ આમ આદમી પાર્ટી પણ કઈ ખાસ કમાલ કરી શકી નથી. રાજકોટ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં કોંગ્રેસને એક પણ સીટ મળી નથી. સૌરાષ્ટ્રમાં તો ભાજપને 48 પૈકી 40 સીટ મળી છે. ત્યારે આજે ભાજપે સૌરાષ્ટ્રનું ઋણ ચૂકવ્યુ છે.

આજે મુખ્યમંત્રી અને મંત્રીઓની શપથવિધિ દરમિયાન ભાજપે મંત્રીઓના નામ જાહેર કર્યા હતા. જેમાં રાજકોટ ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયા અને ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પરસોત્તમ સોલંકીને રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભાજપને સૌરાષ્ટ્રમાં પ્રજાએ ખોબલે ખોબલે મત આપી ઐતિહાસિક જીત અપાવી છે. ત્યારે સામે ભાજપે સૌરાષ્ટ્રનું કદ પણ વધાર્યું છે. જો કે આ તો હજુ પાર્ટ 1 છે. પાર્ટ 2માં પણ સૌરાષ્ટ્રના ધારાસભ્યોને મંત્રીપદ મળે તેવી આશા સેવાઈ રહી છે.

 • મંત્રી મંડળ 17 સભ્યોનું “શોર્ટ” રહેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભલે ભાજપ 156 બેઠકો જીત્યું હોવા છતાં ભુપેન્દ્રભાઇ પટેલનું મંત્રી મંડળ શોર્ટ એન્ડ સ્વીટ રહેશે. મંત્રી મંડળમાં અનુભવીઓ, યુવાઓ, શિક્ષીત અને મહિલાઓને સ્થાન આપવામાં આવશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે ભાજપને 156 બેઠકો મળી હોય નવી સરકારમાં પૂર્ણ કદનું મંત્રી મંડળ હશે તેવી શક્યતા જણાતી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે વિચાર વિમર્શ કર્યા બાદ મંત્રી મંડળ 17 સભ્યોનું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવનાર છે. તે તમામને ફોન કરી જાણ કરી દેવામાં આવી છે. દરમિયાન શપથવિધી પર્વે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને તમામ પદનામિત મંત્રીઓની એક બેઠક મળી હતી.

 • સરકારમાં રાજકોટનું વજન વધ્યું: ભાનુબેન બાબરિયાને કેબિનેટ મંત્રી બનાવાયા
 • અગાઉની સરકારમાં રાજકોટને માત્ર રાજ્યકક્ષાનું મંત્રીપદ ફાળવાયું હતું: સાંજે કેબિનેટની બેઠકમાં ભાનુબેન બાબરિયાને વિભાગ ફાળવાશે

ગુજરાત સરકારમાં રાજકોટ શહેરનું વજન વધ્યું છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના બે ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બંનેને નવી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

2016 થી 2021 સુધી એમ સતત પાંચ વર્ષ રાજકોટ જ સરકાર હતી. કારણ કે તે સમયે રાજ્યના મુખ્યમંત્રીપદે વિજયભાઇ રૂપાણી સત્તારૂઢ હતાં. સપ્ટેમ્બર-2021માં ભાજપ હાઇકમાન્ડ દ્વારા નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ શહેરને કદ મુજબ વેતરી નાંખવામાં આવ્યું હોય તેમ માત્ર રાજ્યકક્ષાના મંત્રીનું પદ ફાળવવામાં આવ્યું હતું. સવા વર્ષ બાદ ફરી સરકારમાં રાજકોટનું વજન વધ્યું છે. શહેરની ચાર બેઠકો પૈકી બે બેઠકો પર મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા હોય એક વાત નિશ્ર્ચિત હતી કે રાજકોટને મંત્રીપદ ફાળવવામાં આવશે તો મહિલા ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટને વધુ એક સરપ્રાઇઝ આપી છે. ગ્રામ્ય વિધાનસભા બેઠકના મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. 17 સભ્યોના મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રના કુલ પાંચ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ચાર ધારાસભ્યોને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે એક ધારાસભ્યને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. રાઘવજીભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળિયા, મુળુભાઇ બેરા અને ભાનુબેન બાબરિયાને કેબિનેટ મંત્રી જ્યારે પુરૂષોત્તમ સોલંકીને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. માત્ર રાજકોટ શહેર જ નહિં રાજકોટ જિલ્લાનો મંત્રી મંડળમાં દબદબો જોવા મળી રહ્યો છે. કારણ કે જિલ્લામાંથી બે ધારાસભ્યોને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

કહેવાય છે કે સમયથી પહેલા અને ભાગ્યથી અધિક કયારેય કોઇ વ્યકિતને કશું પ્રાપ્ત થતું નથી. રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સાથે આ પંકિત ચરિતાર્થ થવા પામી છે. અગાઉ બે વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા બાદ પણ ભાબુબેન મંત્રી પદથી વંચિત રહ્યા હતા. આ વખતે સિનિયોરીટી કામ કરી ગઇ છે. રાજકોટના ચારેય ધારાસભ્યો પૈકી ભાનુબેન સૌથી વધુ સિનીયર હોય તેઓ પર પસંદગીનું કળશ ઠોળવામાં આવ્યું છે. તેઓને કેબનીનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

અનુસુચિત જાતિ માટેની અનામત બેઠક એવી રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી વર્ષ 2007માં ભાનુબેન બાબરીયા પ્રથમ વખત ચુઁટણી લડયા હતા એના ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવ્યા હતા. 2012 વિધાનસભાની ચુંટણીમાં પક્ષે ફરી એકવાર તેઓ પર વિશ્ર્વાસ વ્યકત કરવામાં આવ્યો હતો અને ફરી ટિકીટ આપવામાં આવી હતી. પક્ષનો વિશ્ર્વાસ તેઓ સાર્થક કરવામાં સફળ રહ્યા હતા. જો કે અગાઉ વજુભાઇ વાળા અને ગોવિંદભાઇ પટેલ જેવા સીનીયર ધારાસભ્યો હોવાના કારણે ભાનુબેનને મંત્રી પદ મળ્યું ન હતું.

2017માં ભાજપે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ભાનુબેન બાબરીયાની ટિકીટ કાપી નાંખી હતી. જો કે પાંચ વર્ષના અંતરાલ બાદ ફરી ભાજપે ભાનુબેન પર વિશ્ર્વાસ મુકતા રાજકોટ ગ્રામ્ય  વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. તેઓએ આ વખતે લીડનો પોતાનો જ રેકોર્ડ બ્રેક કરતા શાનદાર જીત મેળવી હતી. રાજકોટની ચાર બેઠકો પૈકી ભાજપે બે બેઠકો પર મહિલા ઉમેદવારોને ટિકીટ આપી હોવાના કારણે એક વાત નિશ્ર્ચીત મનાતી હતી કે આ વખતે રાજકોટમાંથી મંત્રી મંડળમાં સ્થાન કોઇ મહિલા ધારાસભ્યને મળશે.

રાજકોટના ચાર ધારાસભ્યો પૈકી ભાનુબેન બાબરીયા સૌથી સીનીયર ધારાસભ્ય છે કારણ કે ઉદયભાઇ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ અને રમેશભાઇ ટીલાળા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. આવામાં પક્ષે સીનીયોરીટીના આધારે ભાનુબેનને કેબીનેટ મંત્રી બનાવ્યા છે. આજે બપોરે તેઓ કેબીનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સોંપવામાં આવે તેવી સંભાવના છે.

ભાનુબેન બાબરીયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવતા અને કેબનીટ મંત્રી બનાવવામાં આવતા  રાજકોટ શહેર ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. હાલ તેઓ વોર્ડ નં.1 ના નગરસેવીકા તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે તેમને મંત્રી બનાવવામાં આવતા હવે તેઓ કોર્પોરેટર પદેથી રાજીનામુ આપી દે તેવી શકયતા પ્રબળ બની જવા પામી છે.

 • હાલ પાર્ટ-1ના મંત્રીઓએ જ શપથ લીધાં છે: વિજયભાઇ રૂપાણી
 • પૂર્વ મુખ્યમંત્રીના નિવેદન પરથી એક વાત સ્પષ્ટ કે ટૂંકમાં મંત્રી મંડળનું થશે વિસ્તરણ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય વિજયભાઇ રૂપાણીએ આજે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન એવું નિવેદન આપ્યું હતું કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત પાર્ટ-1ના મંત્રીઓએ જ શપથ ગ્રહણ કર્યા છે.

તેઓના આ નિવેદન પરથી એક વાત બહુ સ્પષ્ટ થઇ જવા પામી છે કે ટૂંક સમયમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રીના આજના નિવેદનને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આજે જે મંત્રીઓએ શપથ લીધા છે તે ઉપરાંત કેટલાક ધારાસભ્યોની પાર્ટ-2માં મંત્રી તરીકે તાજપોશી થાય તેવી શક્યતા હાલ જણાય રહી છે.

 • મંત્રી મંડળમાં એકમાત્ર મહિલાનો સમાવેશ

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજે સતત બીજી વખત ભૂપેન્દ્રભાઇ પટેલે આજે શપથ લીધાં હતા. તેઓની સાથે આઠ કેબિનેટ મંત્રી, બે સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓ અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. સૌથી મોટી અને આશ્ર્ચર્યની વાત એ છે કે મહિલા સશક્તિકરણની વાતો કરતા ભાજપે 17 સભ્યોના મંત્રી મંડળમાં માત્ર એક મહિલાને સ્થાન આપ્યું છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતેલાં ભાનુબેન મનોહરભાઇ બાબરિયાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં સરકાર મંત્રી મંડળનું વિસ્તરણ કરે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

 • શપથવિધિ બાદ પ્રથમ કેબિનેટમાં મંત્રીઓને વિભાગ ફાળવી દેવાશે

આજે બપોરે ગુજરાતના મુખ્યમંત્રી પદે ભુપેન્દ્રભાઇ પટેલ અને તેમના મંત્રી મંડળની શપથ વિધી યોજાવાની છે. શપથ વિધીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવનિયુકત સી.એમ. ભુપેન્દ્રભાઇ પટેલના અઘ્યક્ષ સ્થાને પ્રથમ કેબિનેટ મળશે જેમાં કેબિનેટ મંત્રી, રાજયકક્ષાનખા મંત્રીઓ અને સ્વતંત્ર હવાલો સંભાળનારા મંત્રીઓને તેઓના ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે. આવતીકાલથી નવી સરકાર ફુલફલેજમાં કાર્યકત થઇ જશે. ભુપેન્દ્રભાઇ પટેલની બીજી ઇનીંગમાં તેઓના મંત્રી મંડળમા 7 થી 8 કેબિનેટ કક્ષાના મંત્રી 6 થી 7 રાજયકક્ષાના મંત્રી જયારે 1 થી ર સ્વતંત્ર હવાલો સંભાળનારા મંત્રીઓ રહેશે.

 • વિધાનસભાના અઘ્યક્ષ તરીકે શંકર ચૌધરી હોટ ફેવરિટ
 • રમણલાલ વોરા અને ગણપત વસાવાના નામો પણ ચર્ચામાં: જેઠાભાઇ ભરવાડને ઉપાઘ્યક્ષ બનાવાશે

1પમી ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ તરીકે હાલ શંકરભાઇ ચૌધરીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી રમણલાલ વોરા અને ગણપતભાઇ વસાવાના નામની પણ ચર્ચા થઇ રહી છે. આ બન્ને અગાઉ અઘ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી ચુકયા છે.

આ ઉપરાંત વિધાનસભાના ઉપાઘ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડનું નામ ચર્ચાય રહ્યું છે. વિધાનસભાની પ્રથમ બેકઠમાં કોઇ એક ધારાસભ્યની કાર્યકારી અઘ્યક્ષ તરીકે નિયુકિત કરવામાં આવશે ત્યારે બાદ કાયમી અઘ્યક્ષની વરણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અઘ્યક્ષ પદની રેસમાં હાલ શંકરભાઇ ચૌધરી, રમણલાલ વોરા અને ગણપતભાઇ વસાવાના નામો ચર્ચા રહ્યા છે.

ગુજરાતના અત્યાર સુધીના મુખ્યમંત્રી

* જીવરાજ મહેતા

* બળવંતરાય મહેતા

* હિતેન્દ્ર દેસાઇ

* ઘનશ્યામ ઓઝા

* ચીમનભાઇ પટેલ

* બાબુભાઇ પટેલ

* માઘવસિંહ સોલંકી

* બાબુભાઇ પટેલ

* માઘવસિંહ સોલંકી

* અમરસિંહ ચૌધરી

* માઘવસિંહ સોલંકી

* ચીમનભાઇ પટેલ

* છબીલદાસ મહેતા

* કેશુભાઇ પટેલ

* સુરેશભાઇ મહેતા

* શંકરસિંહ વાઘેલા

* દિલીપ પરીખ

* કેશુભાઇ પટેલ

* નરેન્દ્રભાઇ મોદી

* આનંદીબેન પટેલ

* વિજય રૂપાણી

* ભુપેન્દ્રભાઇ પટેલ