Abtak Media Google News

ડુંગળીએ રાતાપાણીએ રોવડાવ્યા

જુના યાર્ડની પૂજન એન્ટર પ્રાઇઝના પૂર્વ માલિક તોગડીયાબંધુ સામે છેતરપિંડીનો નોંધાતો ગુનો

2019માં ડુંગળી અને બટેટાનો ભાવ ઉંચકાતા નાસિકની ડુંગળી અને ડીસાના બટેટા મંગાવી વધુ કમાણી કરવાની લાલચ દઇ બંને શખ્સો નફો ચાંઉ કરી ગયા

લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મળે તે ઉક્તિ અનુસાર ગાંધીગ્રામ વિસ્તારના ડુંગળી-બટેલાના વેપારીએ વધુ કમાણી કરવાની લોભામણી લાલચમાં ફયાસા બાદ ડુંગળીએ રાતા પાણીએ રોવડાવ્યા જેવી સ્થિતી સર્જાય છે. જુના માકેર્ટીંગ યાર્ડમાં પૂજન એન્ટર પ્રાઇઝ નામની પેઢીના પૂર્વ માલિક તોગડીયાબંધુએ 2019માં ડુંગળી અને બટેટાના ભાવ ઉચકાયા ત્યારે વધુ કમાણી કરવાની લાલચ આપી વેપારી પાસે રુા.83 લાખનું રોકાણ કરાવ્યા બાદ નફો માત્ર 9.82 લાખ આપી બાકીના રુા.72.17 લાખ છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમા એસ.કે.ચોક ખાતે રહેતા ભરતભાઇ મોહનભાઇ વાડોલીયા નામના 45 વર્ષના પ્રજાપતિ પ્રૌઢે  મોરબી રોડ પર  આવેલા સેટેલાઇટ ચોક વિસ્તારમાં રહેતા અને જૂના માકેર્ટીંગ યાર્ડમાં પૂજન એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા વિપુલ જીવણભાઇ તોગડીયા અને તેના ભાઇ વિજય જીવણભાઇ તોગડીયા સામે રુ.ા.73.17 લાખની છેતરપિંડીની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ભરતભાઇ વાડોલીયા જુના માકેર્ટીંગ યાર્ડમાં પૂજન એન્ટરપ્રાઇઝમાંથી ડુંગળી-બટેટાની ખરીદી કરી ગાંધીગ્રામ વિસ્તારમાં વેચાણ કરતા હોવાથી પૂજન એન્ટરપ્રાઇઝના તે સમયના માલિક વિપુલ તોગડીયા અને તેના ભાઇ વિજય તોગડીયા સાથે વેપારી સંબંધો ઘણા સમયથી હોવાથી 2019માં ડુંગળીના એક કિલોનો ભાવ રુા.35 હતો તેનો એકાએક ભાવ વધ્યો હતો. એક કિલો ડુંગળીનો ભાવ રુા.90 થઇ જતાં વિપુલ  તોગડીયા અને વિજય તોગડીયાએ ગાધીગ્રામના ડુંગળી-બટેટાના ધંધાર્થી ભરતભાઇ વાડોલીયાને વધુ કમાણી કરાવા માટે ડીસાના બટેટા અને નાસિકની ડુંગળી મગાવા જણાવી ધંધામા રોકાણ કરવા કહ્યું હતું.

તોગડીયાબંધુની વાતનો વિશ્ર્વાસ કરી 2019માં ભરતભાઇ વાડોલીયાએ લોન મેળવી નાસિકથી ડુંગળી મગાવવા માટે રુા.83 લાખનું રોકાણ કર્યુ હતું. તોગડીયાબંધુએ પ્રથમ નાસિકથી દસ ટ્રક ડુંગળી મગાવી વેચી નાખી હતી તેનો નફો આપ્યો ન હતો. ત્યાર બાદ ડીસાના બટેટા મગાવ્યા હતા તેનો પણ નફો આપ્યો ન હતો. ભરતભાઇ વાડોલીયાએ અવાર નવાર ઉઘરાણી કરવાનું શરુ કરતા તેઓએ જૂના માકેર્ટીંગ યાર્ડ ખાતે આવેલી પૂજન એન્ટરપ્રાઇઝ નામની પેઢી વેચી નાખી હતી.

આથી ભરતભાઇ વાડોલીયાએ એકાદ વર્ષ પહેલાં ગાંધીગ્રામ પોલીસમાં અરજી આપી હતી. પોલીસે વિપુલ પ્રજાપતિને પૂછપરછ માટે પોલીસ મથકે બોલાવ્યો ત્યારે તેને રુા. 9,82,300 ચુકવી બાકીની રકમ રુા.73.17 લાખ ટુંક સમયમાં ચુકવી દેશે તેમ જણાવ્યું હતું પરંતુ આજ સુધી બાકીની રકમ ન ચુકવતા ભરતભાઇ વાડોલીયાએ વિપુલ તોગડીયા અને વિજય તોગડીયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પી.આઇ. રાણે અને પી.એસ.આઇ. જે.જી.રાણા, ખોડુભા જાડેજા, હિરાભાઇ રબારી સહિતના સ્ટાફે ગુનો નોંધી તોગડયાબંધુની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.