Abtak Media Google News

ગુરૂવારે ૨૦ રાજયોની ૯૧ બેઠકો માટે મતદાન યોજાશે: ભાજપ અને કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ પ્રચારમાં લગાવ્યું એડીચોટીનું જોર

લોકસભાની ૫૪૩ બેઠકો માટે અલગ-અલગ સાત તબકકામાં મતદાન હાથ ધરાવવાનું છે. આગામી ૧૧મી એપ્રીલના રોજ ૨૦ રાજયોની ૯૧ બેઠકો માટે પ્રથમ તબકકામાં મતદાન યોજાવાનું છે. આજે સાંજે ૬ના ટકોરે પ્રથમ તબકકાના મતદાન માટે પ્રચાર-પડઘમ શાંત થઈ ગયા છે. પ્રચારના અંતિમ કલાકોમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. તમામ ૨૦ રાજયોની ૯૧ બેઠક ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

૧૭મી લોકસભાની સામાન્ય ચુંટણી માટે પ્રથમ તબકકાના મતદાનમાં ૧૧મી એપ્રીલના રોજ ૨૦ રાજયોની ૯૧ બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં આંધ્રપ્રદેશની ૨૫ બેઠક, અ‚ણાચલ પ્રદેશની ૨ બેઠક, આસામની ૫ બેઠક, બિહારની ૪ બેઠક, છતીસગઢની ૧ બેઠક, જમ્મુ-કાશ્મીરની ૨ બેઠક, મહારાષ્ટ્રની ૭ બેઠક, મણીપુરની ૧ બેઠક, મેઘાલયની ૨ બેઠક, મીઝોરમની ૧ બેઠક, નાગાલેન્ડની ૧ બેઠક, ઓડિસાની ૪ બેઠક, સિકિમમની ૧ બેઠક, તેલંગણાની ૧૭ બેઠક, ત્રિપુરાની ૧ બેઠક, ઉતરપ્રદેશની ૮ બેઠક, ઉતરાખંડની ૫ બેઠક, પશ્ચિમ બંગાળની ૨ બેઠક, આંદામાન નિકોબારની ૧ બેઠક અને લક્ષદ્વીપની ૧ બેઠક સહિત કુલ ૯૧ બેઠક માટે મતદાન યોજાવાનું છે. છેલ્લા ઘણા દિવસોથી આ તમામ બેઠકો પર રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચુંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ચુંટણીપંચના નિયમાનુસાર મતદાન પુરુ થવાના ૪૮ કલાક અગાઉ ચુંટણી પ્રચારના ભુંગળા શાંત કરી દેવા પડે છે. આ નિયમ અનુસાર આજે સાંજે ૬:૦૦ વાગ્યે પ્રથમ તબકકાના મતદાન માટે પ્રચાર-પડઘમ શાંત થઈ ગયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ૧૮મી એપ્રીલના રોજ બીજા તબકકાના મતદાનમાં ૧૩ રાજયોની ૯૭ બેઠક, ૨૩ એપ્રીલના રોજ ત્રીજા તબકકાના મતદાનમાં ૧૪ રાજયોની ૧૧૫ બેઠક, ૨૯ એપ્રીલના રોજ ૯ રાજયોની ૭૧ બેઠક માટે, ૬ મેના રોજ પાંચમાં તબકકામાં ૭ રાજયોની ૫૧ બેઠકો માટે, છઠ્ઠા તબકકામાં ૧૨ મેના રોજ ૭ રાજયોની ૫૯ બેઠકો માટે જયારે સાતમાં અને અંતિમ તબકકામાં ૧૯ મેના રોજ ૮ રાજયોની ૫૯ બેઠકો માટે મતદાન યોજાશે. લોકસભાની તમામ ૫૪૩ બેઠકો માટે આગામી ૨૩ મેના રોજ એકી સાથે મતગણતરી હાથ ધરવામાં આવશે.

લોકસભાની ચુંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રથમ તબકકાના મતદાનમાં આગામી ૧૧મી એપ્રીલના રોજ જે ૨૦ રાજયોની ૯૧ બેઠક માટે ચુંટણી યોજાવાની છે ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.