Abtak Media Google News

અબુધાબી ખાતે

અબુ ધાબીમાં બીએપીએસ હિંદુ મંદિર વતી, પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસે મંદિરના આગેવાનો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 14 ફેબ્રુઆરી 2024 ના  યોજાનાર ઉદ્ઘાટન સમારોહ માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો અને આ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે ઉત્સાહપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું. ઇઅઙજ ના વરિષ્ઠ સંત પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસે પરંપરાગત રીતે પ્રધાનમંત્રીને હાર પહેરાવી અને ખભે કેસરી શાલ ઓઢાડીને આપણા દેશ અને દુનિયામાં તેમના નોંધપાત્ર યોગદાનને બિરદાવીને તેમનું સન્માન કર્યું હતું.

લોક કલ્યાણ માર્ગ ખાતેના પ્રધાનમંત્રી નિવાસી કાર્યાલયમાં લગભગ એક કલાક લાંબી, ઉષ્માભરી અને અનૌપચારિક બેઠકમાં  વૈશ્વિક સંવાદિતા માટે અબુ ધાબી મંદિરના મહત્વ અને વૈશ્વિક મંચ પર ભારતના આધ્યાત્મિક નેતૃત્વ માટે પ્રધાનમંત્રી મોદીના વિઝન અને તેમની અસાધારણ વૈશ્વિક સિદ્ધિઓને, ખાસ કરીને ઞઅઊ અને અન્ય મધ્ય પૂર્વીય દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવ્યા તેને સંતોએ બિરદાવી હતી.

પ્રમુખસ્વામી મહારાજની સાથેની તેઓની અંગત અને અમર સ્મૃતિઓ અને તેઓના  ભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણીને યાદ કરીને, પ્રધાનમંત્રી ભાવવિભોર થયા હતા અને મહંત સ્વામી મહારાજના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમણે અબુ ધાબીમાં બીએપીએસ હિંદુ મંદિર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા મુખ્ય વ્યક્તિઓ, સ્વયંસેવકો અને સમર્થકોના પ્રયાસોની પણ પ્રશંસા કરી, જેમાં તેમની સમક્ષ હાજર રહેલા ચેરમેન અશોક કોટેચા, વાઇસ ચેરમેન યોગેશ મહેતા અને ડિરેક્ટર ચિરાગ પટેલનો પણ સમાવેશ થાય છે, પ્રધાનમંત્રીએ તેઓના હળવા અંદાજમાં  ચિરાગ પટેલને ટેનિસ પ્રત્યેના તેમના પ્રેમ અને તેમના પિતા રોહિતભાઈ પટેલ અને દાદા પી ડી પટેલ વિશે પૂછ્યું; અને તેઓના બાળકોને સતત મહેનત કરતા રહેવા અને રમતમાં સફળતા હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા.

પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસે પ્રધાનમંત્રી સમક્ષ અબુ ધાબીમાં બીએપીએસ હિંદુ મંદિરના નિર્માણ અંગેની નવીનતમ માહિતી રજૂ કરી હતી.જેમાં પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, આ મંદિર વસુધૈવ કુટુંબકમના આદર્શને પ્રતિબિંબિત કરશે – એક એવું આદર્શ આધ્યાત્મિક સ્થાન, જે માત્ર માન્યતાઓ અને પરંપરાઓ જ નથી દર્શાવતું,  પરંતુ વિવિધ સંસ્કૃતિઓના સંગમરૂપ પણ છે.

આ મુલાકાતની અંતિમ  ક્ષણોમાં  ભારતના આધ્યાત્મિક વિકાસ અને વૈશ્વિક આગેવાની માટે પ્રધાનમંત્રી  મોદીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.