Abtak Media Google News

ચૂંટણી પંચનું ૧૦% વધુ મતદાનનું લક્ષ્યાંક

મતદાનની ઉંચી ટકાવારી ભાજપને કાયમ ફળી છે!!!

લોકસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે. ત્યારે આશરે ૫૦ હજાર કરોડ રૂ.ના ખર્ચે યોજાનારી આ ચૂંટણીમાં મતદાનની ટકાવારી ૨૦૧૪ની ચૂંટણી કરતા ૧૦ ટકા વધારે કરાવવા ચૂંટણી પંચે લક્ષ્યાંક રાખ્યો છે. આ ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે ચૂંટણી પંચ વિવિધ માધ્યમો પર જાહેરાતોનો મારો ચલાવના‚ છે. પરંતુ, ચૂંટણી પંચના આવા અનેક પ્રયાસો છતાં ગુજરાતના અન્ય વિભાગોની સરખામણીમાં સૌરાષ્ટ્ર-કચ્છના મતદારોમાં મતદાન કરવા માટે ઉદાસીનતા જોવા મળે છે. જે માટે અનેક કારણો જવાબદાર મનાય છે. આ વખતે યોજાનારી ચૂંટણી વખતે ભારે ગરમી અને તાપ હોવાની સંભાવના હોય ચૂંટણી પંચનો આ લક્ષ્યાંક સૌરાષ્ટ્ર-કચ્છમા સફળ થશે. કે કેમ? તેના પર પ્રશ્નર્થ ઉભો થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં મતદાન ઓછુ થવા પાછળના અન્ય કારણોમાં ગુજરાતમાં બે પક્ષીય રાજકારણની બોલબાલા છે જેથી મતદારો બે મુખ્ય ઉમેદવારોમાંથી એક પણને મત આપવા માટે યોગ્ય ગણાતા નથી. જેથી, પણ મતદાન આપવા માટે જતા નથી. પરંતુ, છેલ્લા થોડા વર્ષોમાં દેશમાં યુવા મતદારોની સંખ્યામાં ભારે વધારો થયો છે. ચૂંટણી પંચે પણ યુવા મતદારોને મતદાન કરવા આકર્ષિત કરતા યુવાનો મોટી સંખ્યામાં મતદાન કરવા નીકળી પડે છે. જેના કારણે પણ મતદાનની ટકાવારી વધવા પામી છે. સામાન્ય રીતે જે પક્ષ ઉદાસીન મતદારોને મતદાન કરાવવા મતદાન કેન્દ્ર સુધી લઈ જવામાં સફળ થાય છે. તેમના વિજયની તકો વધી જાય છે. ભૂતકાળમાં જયારે પણ વધારે મતદાન થયું છે. ત્યારે ભાજપને ફાયદો થયો છે. જેથી આગામી ચૂંટણીમાં ઉંચુ મતદાન કરાવવાનો ચૂંટણી પંચનો લક્ષ્યાંક ભાજપને ફાયદો કરાવે તેવું રાજકીય પંડીતોનું માનવું છે.

ચૂંટણી પંચના લોકસભાની ચૂંટણીના મતદાનના આંકડાઓને જોઈએ તો વર્ષ ૧૯૯૮માં યોજાયેલી ચૂંટણીમાં ગુજરાતમાં ૫૯.૩૧ ટકા મતદાન થયું હતુ જે બાદ વર્ષ ૧૯૯૯માં આવેલી મધ્યસત્રીય ચૂંટણીમાં મતદારોએ નિરસતા દાખવતા ૪૫.૧૧ ટકા મતદાન થયું હતુ. જે બાદ, વર્ષ ૨૦૦૪માં યોજાયેલી ચૂંટણીમાં ૪૫.૧૬ ટકા મતદાન નોંધાયું હતુ. જયારે વર્ષ ૨૦૦૯માં યોજાયેલી ચૂંટણીમાં ૪૭.૮૯% મતદાન જયારે વર્ષ ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં મતદાનમાં ભારે ઉછાળો આવ્યો હતો અને ૧૬ ટકા જેટલા વધારા સાથે ૬૩.૬૬ ટકા મતદાન થવા પામ્યું હતુ જે પાછળ યુવા મતદારોને મતદાન કરવા ચૂંટણી પંચે યોજેલી વિવિધ ઝુંબેશોને કારણભૂત માનવામાં આવે છે.

રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિશ્નાએ આ વધારે મતદાન કરાવવાના લક્ષ્યાંકને ખાળવા માટે રાજયના તમામ જિલ્લાઓમાં વિવિધ વયજુથના મતદારોને મતદાન કરવા માટે પ્રેરણા માટે વિવિધ ઝુંબેશો ચલાવવામાં આવશે અને ટુંક સમયમાં તેનો પ્રારંભ કરવામા આવશે તેમ જણાવીને ઉમેર્યું હતુ કે અમે યુવા અને મહિલા મતદારોને વધુ પ્રમાણમાં આકર્ષવા માટે અમોએ યુવા સેલીબ્રીટીઓને રાજય અને જિલ્લાનાં એમ્બેસેડર તરીકે નિયુકત કરવાનું નકકી કર્યું છે. જે મુજબ ૮૭૫ જેટલા કેમ્પસ એમ્બેસેડરોને નિમણુંક ટુંક સમયમાં કરવામાં આવશે. અમારો લક્ષ્યાંક રાજયનાં ૧ કરોડ યુવા મતદારોને વિવિધ ઝુંબેશ દ્વારા તેમના એક મતની કિંમત સમજાવવામાં આવનારી છે. જે માટે સ્કુલ અને કોલેજોમાં ખાસ ઝુંબેશો ચલાવાશે ઉપરાંત ૬૭.૭૨ લાખ પરિવારોને મતદાન કરવા માટે પ્રેરણા આપતા સંકલ્પપત્રો ભરાવવામાં આવશે.

મતદાનની ટકાવારી ગત ચૂંટણી કરતા ૧૦ ટકા વધારે એટલે કે ૭૩ ટકા સુધી લઈ જવા માટે રેડીયો, ન્યુઝપેપર ટીવી, પર મતદાન કરવા અપીલો કરતી જાહેરાતો આપવામા આવશે ઉપરાંત કઠપુતળી, શષરી નાટકો સહિતના બીજા માધ્યમો દ્વારા મતદારોને મતદાન કરવા પ્રેરણા આપવામા આવશે. મતદાન મથકો દૂર હોય તો મતદારો મતદાન કરવામાં આળસ સેવતા હોય તે માટે મતદાન મથકોની સંખ્યા વધારવામાં આવશે. દિવ્યાંગો અને વરિષ્ટ નાગરીકો માટે દરેક મતદાન મથકો પર વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેથી તેઓ સરળતાથી મતદાન કરી શકે તેમ ક્રિશ્ર્નાએ અંતમા જણાવ્યું હતુ.

વર્ષ ૨૦૦૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ૪૭.૮૪ ટકા મતદાન થયું હતુ. જેમાં ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં ૧૫ ટકાના વધારા સાથે ૬૩.૬૬ ટકા મતદાન થવા પામ્યું હતુ પરંતુ તેમાં રાજયનાં અન્ય ભાગોમાં થયેલુ વધારે મતદાન જવાબદાર ગણી શકાય. ઉત્તર ગુજરાતમાં ૨૦૦૯માં ૪૭.૮૬ ટકા મતદાન થયું હતુ. જયારે ૨૦૧૪માં ૬૩.૧૭ ટકા મતદાન નોંધાયું હતુ.

મતદાન સામે ૨૦૧૪માં ૬૫.૦૯ ટકા મતદાન દક્ષિણ ગુજરાતમાં ૨૦૦૯માં ૫૩.૩૪ ટકા સામે ૨૦૧૪માં ૭૦.૭૯ ટકા જેટલુ ભારે મતદાન નોંધાયું હતુ. જયારે સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો ૨૦૦૯માં ૪૫.૪૨ ટકા મતદાન સામે ૨૦૧૪માં ૫૮.૬૦ ટકા જેટલું જ મતદાન થવા પામ્યું હતુ જેથી રાજયના અન્ય વિભાગોની સરખામણીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓછુ મતદાન થવા પામ્યું હતુ.

રાજયના અન્ય વિભાગોમાં ભારે મતદાનની સરખામણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગમાં થયેલા ઓછા મતદાન માટે અનેક કારણો જવાબદાર માનવામાં આવે છે. ગુજરાતમાં મતદાનને લગતી બીજી એક હકિકત પણ બહાર આવવા પામી છે. જે મુજબ જે રાજકીય પક્ષ મતદાન ન કરનારા નિરસ મતદારોનો મતદાન મથક સુધી ખેંચી જવામાં સફળ થાય છે. ભાજપ આવા નિરસ મતદારોને મતદાન મથકો સુધી લઈ જવામાં નિષ્ણાંત મનાતું હોય રાજયમાં ભાજપને જવંલત વિજય મળતો આવ્યો છે. જેથી મતદાનના આ તથ્યોને ધ્યાનમાં રાખીએ તો સૌરાષ્ટ્ર-કચ્છના મતદારોમાં મતદાનની ઉદાસીનતામાંથી બહાર નીકળે અને મતદાનની ટકાવારીમાં વધારો થાય તો તેનો ભાજપને સીધો ફાયદો થાય તેવું રાજકીય પંડીતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.