Abtak Media Google News

માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને ઝીગ-ઝેગ બેઠક વયવસ્થા કરવી ફરજિયાત: શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્મા

કોરોના મહામારીને કારણે ઉદ્યોગ ધંધાની સાથે શિક્ષણકાર્યને પણ ગ્રહણ લાગ્યુ હતું. છેલ્લા 10 મહિનાથી શિક્ષણકાર્ય ફકત વર્ચ્યુલ શિક્ષણ આપવામાં આવી રહ્યું હતુ ત્યારે રાજયના શિક્ષણ વિભાગે અગાઉ ધોરણ 10અને 12, કોલેજના અમુક કોર્ષને શરૂ કરવા નિર્ણય કર્યો હતો. ત્યારે હવે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે કોલેજ એટલે કે ‘જલસા ઘર’ શરૂ કરી દેવાનો પણ આદેશ શિક્ષણ વિભાગે કર્યો છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજ એટલે શિક્ષણનુ સ્થળ તો ખરૂ જ પરતુ જલસા માટે સ્થળ વધુ હોય છે. ત્યારે શિક્ષણ વિભાગના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશીનો મહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા.8 ફેબ્રુઆરી-ર0ર1થી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા ઠરાવમાં જણાવાયું છે કે પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે. શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માએ આ નિર્ણયની વધુ વિગતો આપી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણની તીવ્રતા દિવસે દિવસે ઘટતી જાય છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે અગાઉ તા.11 જાન્યુઆરી-ર0ર1થી પ્રથમ તબક્કે તમામ પોસ્ટગ્રેજ્યુએટ, પી.એચ.ડી, એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ, પેરામેડિકલના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના ફાયનલ ઇયર-અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો ભૌતિક રીતે શરૂ કરાવેલા છે. હવે, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સંયુકત બેઠકમાં વિશદ ચર્ચા-પરામર્શ બાદ રાજ્ય સરકારે તા.8 ફેબ્રુઆરી-ર0ર1 સોમવારથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ વર્ગખંડ-ભૌતિક શિક્ષણ આપવા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે

તેમણે વધુમાં જણાવ્યું કે ફાયનલ ઇયર અંતિમ વર્ષ અને ફર્સ્ટ ઇયર-પ્રથમ વર્ષના વર્ગ પૂન: શરૂ કર્યાની સ્થિતિ અને અન્ય જરૂરી ચર્ચા-વિચારણા સમીક્ષા પછી દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવા પણ રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય કરશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકાર સંચાલિત તમામ સમરસ હોસ્ટેલ જે અગાઉ કોવિડ-19 ડેઝીગ્નેટ સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવી હતી તેવી હોસ્ટેલને પણ કોરોના સંક્રમણ ઘટતાં હવે, વિદ્યાર્થીઓના આવાસ-નિવાસ માટે પૂન: શરૂ કરવા પણ શિક્ષણ વિભાગે જઘઙ નિર્ધારીત કરી છે. તદઅનુસાર, આવી સમરસ હોસ્ટેલ પૂન: શરૂ કરતાં પહેલાં તકેદારીના પગલાંરૂપે હાથની સ્વચ્છતા, સામાજિક અંતર અને અન્ય આવશ્યક પગલાંઓ સુનિશ્ચિત કરવાના રહેશે.

હોસ્ટેલમાં એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવા મંજૂરી નહિ અપાય એટલું જ નહિ કોવિડ-19ના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને કોઇ પણ સંજોગોમાં હોસ્ટેલમાં પ્રવેશ કે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહી. હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનિંગ સુનિશ્ચિત કરવાનું રહેશે.

જમવાના રૂમમાં-કિચનમાં પૂરેપૂરી સ્વચ્છતા જાળવવાની રહેશે. વધારે ભીડને ટાળીને. નાના સમૂહોમાં ભોજન પીરસવું જોઇશે. વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે રૂમમાં ભોજનની વ્યવસ્થા સરળ અને વિનાવિલંબે ઉપલબ્ધ થઇ શકે તે રીતે ગોઠવણ કરવાની રહેશે.

હોસ્ટેલના કેમ્પસમાં કોઇ ભીડ ન થાય તે રીતે આયોજન કરવાનું રહેશે અને તે માટે વિદ્યાર્થીઓની સંખ્યાને યોગ્ય રીતે મર્યાદિત કરવાની રહેશે. આ માટે વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવાના રહેશે. વિદ્યાર્થીઓ હોસ્ટેલ કેમ્પસમાં સ્વયં-શિસ્ત અને કોવિડ સંબંધિત કાળજીભર્યા વર્તનનું પાલન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓએ નિયમિત અને યોગ્ય રીતે હાથની સ્વચ્છતા જાળવવી, સામાજિક અંતર જાળવવું, આંખ, નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળવું, હંમેશા ફેસ માસ્ક પહેરવાનું પાલન કરવાનું રહેશે.

કર્મચારીઓએ લંચ માટે તંત્ર દ્વારા આપવામાં આવેલ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સખત પાલન કરવાનું રહેશે અને સિકયુરિટી ગાર્ડ અને મેસ સ્ટાફ દ્વારા ડાઇનિંગ હોલમાં વિદ્યાર્થીઓની સંખ્યા પર નજર રાખવાની રહેશે.થર્મલ સ્કેનરો, સેનિટાઇઝર, વગેરેની પૂરતી વ્યવસ્થા રિસેપ્શન એરિયા સહિતના તમામ એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર ઉપલબ્ધ કરાવવાની રહેશે. હોસ્ટેલ કેમ્પસની એન્ટ્રી/એકઝીટ પર લાઇનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ગેટ પર 6 ફુટના અંતર સાથે ચોક્કસ નિશાનો બનાવવા અને તેનું પાલન કરવું.

અંતમાં રાજ્ય સરકારે કોલેજોના પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડો શરૂ કરવા સાથે હોસ્ટેલ્સનો પણ આવાસ-નિવાસ હેતુથી પૂન: ઉપયોગ કરવા શિક્ષણ વિભાગે જારી કરી છે તેનું પાલન અવશ્યપણે કરવા શિક્ષણ અગ્ર સચિવે અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.