Abtak Media Google News

 

Advertisement

એક કલાકનો રોડ શો બાદ ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડમાં ભવ્ય કાર્યક્રમ, ત્યારબાદ બે સ્થળની વિઝીટ : ભરચકક કાર્યક્રમો પતાવી બપોરે 3 વાગ્યે સીએમ પરત જવા રવાના થશે

 

અબતક, રાજકોટ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાત લેવાના છે. જેમાં તેઓ પ્રથમ રોડ શો યોજ્યા બાદ ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારબાદ તેઓ પોર્ટેબલ હોસ્પિટલ અને લાઈટ હાઉસ પ્રોજેક્ટની મુલાકાત પણ લેવાના છે. ભરચકક કાર્યક્રમ બાદ બપોરે 3 વાગ્યે તેઓ પરત રવાના થવાના છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ પધારવાના છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ અંગે વીગતો આપતા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા જણાવાયું છે કે મુખ્યમંત્રીનું સવારે 10:30 કલાકે એરપોર્ટ ઉપર આગમન થશે.જ્યાં તંત્ર દ્વારા તેમનું સ્વાગત કરાશે. બાદમાં પદાધિકારીઓ દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ એરપોર્ટથી ડીએચ કોલેજના ગ્રાઉન્ડ સુધી એક કલાકનો રોડ શો યોજાશે. બાદમાં ડીએચ કોલેજમાં એક કાર્યક્રમ યોજાશે.

ઇ ગ્રામના એમઓયુ, મેરિટાઇમ બોર્ડના પ્રોજેક્ટનું લોન્ચિંગ, ફાઇબર બ્રોડબેન્ડ પ્રોજેક્ટ, ગ્રામ્યના બે બ્રિજના ઇ-લોકાર્પણ, પીડિયુંમાં સખી વન સ્ટોપ સેન્ટરનું ઇ- ભૂમિપૂજન, ઇન્ડો-અમેરિકન હોસ્પિટલનું ઇ-લોકાર્પણ, 100 ટકા વેકસીનેશન થયેલા ગામના સરપંચોનું સન્માન થશે

આ કાર્યક્રમમાં ઇ ગ્રામના એક સંસ્થા સાથે એમઓયુ થશે.મેરિટાઇમ બોર્ડના એક પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે.  ફાઇબર બ્રોડબેન્ડ પ્રોજેક્ટ અંગે પણ કાર્યક્રમ યોજાશે. ગ્રામ્ય વિસ્તારમાં મોટાવડાથી ખીરસરા વચ્ચે અને કણકોટથી રામનગર વચ્ચે બે બ્રિજનું રૂ. 4.30 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ બન્ને બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે પીડિયું હોસ્પિટલમાં નિર્માણ પામનાર સખી વન સ્ટોપ સેન્ટરનું ઇ- ભૂમિપૂજન કરાશે. વધુમાં ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં ઇન્ડો-અમેરિકન હોસ્પિટલ તૈયાર થઈ છે તેનું મુખ્યમંત્રી ઇ-લોકાર્પણ કરશે. બાદમાં 100 ટકા વેકસીનેશન થયેલા ગામના સરપંચો તેમજ સમરસ જાહેર થયેલ ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવશે.

ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનાર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સર્કિટ હાઉસ ખાતે બપોરનું ભોજન લેવાના છે. તેઓ ભોજન લઈને ચૌધરી હાઇસ્કુલમાં તેમના દ્વારા જ ઇ લોકાર્પણ કરેલી પોર્ટેબલ ઇન્ડો અમેરિકન હોસ્પિટલની વિઝીટ લેશે. ત્યારબાદ તેઓ રૈયા ખાતે રૂ. 118 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા લાઈટ હાઉસ પ્રોજેક્ટની પણ વિઝીટ લઈ તેની સમીક્ષા કરશે. આ વિઝીટ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંદાજે 3 વાગ્યા આસપાસ પરત જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી મુખ્યમંત્રીની રાજકોટની મુલાકાતને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. આ માટે અધિકારીઓમાં સતત દોડધામ જોવા મળી હતી. આવતીકાલે મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અધિકારીઓ રાહતનો શ્વાસ લેશે.

મુખ્યમંત્રી સર્કિટ હાઉસમાં ભોજન લેશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે છે. તેઓએ અહીં રોડ-શો અને ડીએચના ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પોર્ટેબલ હોસ્પિટલની મુલાકાત પણ લેવાના છે. આ પૂર્વે તેઓ સર્કિટ હાઉસ ખાતે ભોજન લેવાના છે. આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જો કે તેઓને કેવી કેવી વાનગીઓ પીરસવામાં આવનાર છે. તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

વાલસુરા નેવી બેન્ડનું શાનદાર પરફોર્મન્સ યોજાશે

ડીએચ ગ્રાઉન્ડમાં વાલસુરા નેવી બેન્ડના પર્ફોમન્સનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નેવીના જવાનોના અંદાજે 20 મિનિટનો શો કરશે. જેમાં એક 5 મિનિટનું સોન્ગ પણ હશે. આ નેવી બેન્ડ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. જેણે યુકે, યુએસ, ફાન્સ, ઈટલી સહીતના દેશોમાં પર્ફોર્મ કર્યુ છે. જ્યારે પણ નેવીના યુધ્ધ જહાજ અન્ય દેશની સફર પર જાય ત્યારે તેની સાથે નેવલ બેન્ડની ટીમ પણ રહે છે. જે વિદેશમાં સંગીતના સૂરોથી મનોરંજન પૂરૂ પાડે છે. ભારતીય નૌસૈના જવાનો દેશની સુરક્ષા તો કરે છે. પરંતુ દેશ-વિદેશમાં તેમનું બેન્ડ પ્રખ્યાત થયું છે. ભારતીય નૌસેનામાં શિસ્તને અગ્રતા આપવામાં આવે છે. આ શિસ્ત બેન્ડમાં પણ ઉડીને આખે વળગે તેવી છે.

રાજકોટમાં મુખ્યમંત્રીનું અંદાજે 4 કલાકનું રોકાણ રહેશે

રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંદાજે 4 કલાકનું રોકાણ કરવાના છે. તેઓનું કાલે સવારે 10:30 વાગ્યે એરપોર્ટ ઉપર આગમન થશે. બાદમાં તેઓના ભરચક કાર્યક્રમો યોજાવાના છે. આ કાર્યક્રમો પૂર્ણ કરી તેઓ બપોરે 3થી 3:30 વચ્ચે રાજકોટથી રવાના થઈ જશે. તેવું તેઓના સત્તાવાર કાર્યક્રમમાં જાહેર કરવામાં આવ્યું છે.

પંચાયત વિભાગના 570 કરોડના કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત, 126 કરોડની સહાય અપાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે છે. તેઓના હસ્તે ડીએચ કોલેજના ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જેમાં 570 કરોડના લોકાર્પણ- ખાતમુહૂર્ત અને 126 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કામોની વિગતો આ પ્રમાણે છે. જેમાં મુખ્યમંત્રીના હસ્તે 15માં નાણાપંચ હેઠળ 102 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે 125 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ સાથે જેટલી સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ છે તેને સરકારી યોજના હેઠળ રૂ. 62 કરોડનું અનુદાન અર્પણ કરવામાં આવનાર છે. જ્યારે ઓનલાઈન તાલીમ કાર્યક્રમ હેઠળ રૂ. 4.78 કરોડ અર્પણ કરવામાં આવનાર છે. વધૂમાં મનરેગા હેઠળ જિલ્લાના 84 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને 44 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે.

વધુમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પીએમએવાય યોજના હેઠળ રૂ. 126 કરોડના ખર્ચે તૈયાર થનાર 8271 કામોનું લોકાર્પણ કરી તેને ખુલ્લા મુકવામાં આવનાર છે. સાથે 89 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 5862 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા આવાસની રૂ. 60 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવનાર છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.