Abtak Media Google News

આધારકાર્ડ વગર અનાજનો જથ્થો અપાતો હોવાની મળેલી ફરિયાદના પગલે પુરવઠા વિભાગના સચિવે કલેકટરને પત્ર લખતા દોડધામ: જિલ્લા પુરવઠા વિભાગે હાથ ધર્યું સઘન ચેકીંગ

રાજકોટ જિલ્લામા આધારકાર્ડ વગર અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવતો હોવાની પુરવઠા વિભાગના સચિવને ફરિયાદો મળી હતી. જેના પગલે પુરવઠા વિભાગના સચિવે કલેકટરને પત્ર લખતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. હાલ જિલ્લા પુરવઠા વિભાગે સમગ્ર જિલ્લાની સસ્તા અનાજની દુકાનો ઉપર તવાઈ બોલાવીને સઘન ચેકીંગ હાથ ધર્યું છે. આ ચેકીંગમા જો કોઈ દુકાનમાં ગેરરીતિ બહાર આવશે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવનાર છે.

જિલ્લા વહીવટી તંત્રના આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લામા સસ્તા અનાજના દુકાનદારો ૧ ટકાથી લઈને ૫૧ ટકા સુધીનો અનાજનો જથ્થો આધારકાર્ડ વગર આપતા હોય તેમજ જિલ્લામા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની અનેક ફરિયાદોના આધારે પુરવઠા સચિવે જિલ્લા કલેકટરને આ બાબતે કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો હતો. જેના આધારે જિલ્લા કલેકટરની સૂચના અને જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ બે દિવસની ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ ચેકીંગ ઝુંબેશ માટે ૧૬ ટિમો બનાવવામાં આવી છે. એક ટીમમાં ત્રણ કર્મચારીઓને નીમવામાં આવ્યા છે. આ ટિમો દ્વારા જિલ્લા ભરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ટીમોએ આજથી જેતપુર, ધોરાજી, ઉપલેટા, પડધરી, વીંછીયા , જસદણ, કોઠારીયા અને કોટડાસાંગાણી ઉપરાંત રાજકોટના ઝોન ૧,૨,૩ અને ૪ સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

પુરવઠા વિભાગની ટીમો હાલ સમગ્ર જિલ્લાને ચેકીંગ અર્થે ધમરોળી રહી છે. આ દરમિયાન સસ્તા અનાજના દુકાનદારોનું નિવેદન તેમજ રેશનકાર્ડ ધારકોનું નિવેદન લેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ ચેકીંગ ઝુંબેશ બે દિવસ સુધી ચલાવવામાં આવનાર છે. આજે ૪૪ સસ્તા અનાજની દુકાનોમાં દરોડા પાડીને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જે દરમિયાન જો માલની વધઘટ કે અન્ય કોઈ ગેરરીતિ ખુલશે તો માલને સિઝ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે પુરવઠા સચિવના પત્રથી જિલ્લા કલેકટરે  જિલ્લા પુરવઠાની ટીમને દોડાવી છે. હાલ દરોડા ચાલુ છે. બે દિવસ સુધી આ કાર્યવાહી ચાલવાની છે. દરોડાની કાર્યવાહીમા હાલ સસ્તા અનાજના દુકાનોમાં સઘન ચેકીંગ ચાલી રહ્યું છે. જો આમા કોઈ ગેરરીતિ સામે આવશે તો તેને જાહેર કરીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.