Abtak Media Google News

‘યોગ’- એ શરીરનો વ્યાયામ છે, મનનો આયામ (નિયમન) છે, અધ્યાત્મનું આયાન(આગમન) છે. યોગ એક પણ ફાયદા અનેક. જે યોગ કરે છે એના સંજોગ સુધરી જાય છે. યોગ કર્યા પછી આરામ જ આરામ છે. સિંહને જોઈ જેમ શિયાળ ભાગે એમ યોગ થતાં જ રોગો ભાગવા માંડે છે. યોગ ભગાડે રોગ.

સંસ્કૃત ધાતુ યુજૂ-પરથી યોગ શબ્દ બન્યો છે. યુજૂનો અર્થ છે જોડવું. આત્માને પરમાત્મા સાથે જોડવાની શાસ્ત્રોક્ત પદ્ધતિમાં યોગનો પણ સમાવેશ થાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ- એ મૂળ યોગનાં આઠ અંગો છે, જેથી તેને અષ્ટાંગ યોગ પણ કહે છે.

ગુદા પાસે મૂળાધાર, લિંગ પાસે સ્વાધિષ્ઠાન, નાભિ પાસે મણિપુર, હૃદય પાસે અનાહત, કંઠ પાસે વિશુદ્ધિ, લલાટે આજ્ઞાા અને તાળવે બ્રહ્મરંધ્ર (સહસ્ત્રાધાર) ચક્રોને ગતિશીલ કરી કુંડલિની જાગ્રત કરી ઇચ્છિત ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સિદ્ધો ભારતમાં થઈ ગયા અને અત્યારે પણ છે.

સામાન્ય માણસ માટે આસન-માં પદ્માસન, સુખાસન, શીર્ષાસન જેવાં યોગનાં આસન કરી, પ્રાણાયામ દ્વારા પૂરક, કુંભક અને રેચકથી ઇડા, પિંગલા, સુષુમ્ણા નાડીથી શ્વાસોચ્છવાસનું નિયમન કરી શરીર સૌષ્ઠવ ઉપાર્જન કરી શકાય છે અને મનનું માજન કરી શકાય છે. મન હોય તો માળવે જવાય. મન જીત્યું તેણે જગત જીત્યું. મન એવું મનુષ્યાણાનામ્ બંધન મોક્ષયો કારણ : અર્થાત્ માનવીનું મન જ મોક્ષ કે બંધન માટે જવાબદાર છે. યોગથી માનવીનું મન માણસનું કહ્યું માને છે. મન, માની જાય પછી જલસા જ જલસા. કરો કંકુના.

સમગ્ર ગીતામાં યોગસૂત્રો છે. દા.ત. સમત્ત્વં યોગ ઉચ્ચતે- સમતા એ યોગ છે. યોગ :કર્મસુ કૌશલમ્- કર્મોમાં કુશળતા એ યોગ જ છે. યોગીઓની બે અવસ્થા છે. કર્મયોગી અને જ્ઞાાનયોગી. ગીતા સ્વયં અવિનાશી યોગ છે જે સૌ પ્રથમ ભગવાને સૂર્યને અને પછી મનુએ ઇક્ષ્વાકુને કહ્યો હતો- એ જોતાં તો યોગ સૂર્ય છે ત્યારથી છે. યોગને સમજવા તો આપણે બહુ મોડા પડયા છીએ પણ હવે જાગ્યા ત્યારથી જ સવાર. ધર્મના કામમાં ઢીલ શી ? આજથી જ યોગ શરૃ.

આહાર-વિહારમાં કાળજી, જાગવા- ઊંઘવામાં નિયમિતતા, વાણીનો સંયમ, હકારાત્મક વિચારો, બ્રહ્મચર્ય, અહિંસા જેવા યમ-નિયમના પાલન માટે યોગમાં ખાસ આગ્રહ છે. યોગ કરે તે યોગી. યોગી બને ઉપયોગી. જે યોગયુક્ત છે તે રોગમુક્ત, ભોગમુક્ત છે. યોગા- શબ્દ  બોલી યોગનું અપમાન ન કરો. યોગ- એ જ સાચો શબ્દ છે. શબ્દ એ પણ શબ્દબ્રહ્મ છે. સૌના જીવનમાં યોગના યોગ બનો એ જ અભ્યર્થના.
સત્સંગહાથમાંથી છૂટે તે ત્યાગ પણ જે હૈયામાંથી છૂટે તે વૈરાગ્ય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.