Abtak Media Google News

પોલીસ કમ્પલેન ઓથોરીટી ગુજરાત સ્ટેટમાં રૂ.૬ લાખના તોડની ફરિયાદ નોંધાતા સીઆઈડી ક્રાઈમના એડિશનલ ડીજી તોમરે તપાસ શરૂ કરતા પોલીસ બેડામાં ખળભળાટ

ઉપલેટામાં છ મહિના પૂર્વે કરવામાં આવેલા જુગારના દરોડામાં એક યુવક પાસેથી આરઆરસેલના પીએસઆઈ પટેલે રૂ.૫ લાખનો તોડ કર્યાનો તેમજ રેન્જ આઈજી પટેલની પણ તેમાં ભૂમિકા હોવાની થયેલી ફરિયાદને પગલે સીઆઈડીના એડિશનલ ડીજી તોમર બુધવારે રાજકોટ દોડી આવ્યા હતા અને ફરિયાદી પિતા-પુત્રની વિસ્તૃત પુછપરછ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે કડાકા-ભડાકાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

Advertisement

ઉપલેટાના એક ફાર્મ હાઉસમાં ગત તા.૩ જુલાઈના રાજકોટ રેન્જ આઈજીના આરઆરસેલે દરોડો પાડી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પીએસઆઈ કુણાલ પટેલ સહિતના સ્ટાફે પીયુષ જેઠાભાઈને ડેરને ઉઠાવી લઈ પરેશાન કર્યાની તત્કાલીન સમયે ચર્ચાઓ ઉઠી હતી. ત્યારબાદ પીયુષના પિતા જેઠાભાઈ ડેરે પોલીસ કમ્પ્લેન ઓથોરીટી ગુજરા સ્ટેટમાં ફરિયાદ કરી હતી.

જેઠાભાઈ ડેરે આક્ષેપ કર્યો હતો કે, જુગારની રેડ દરમિયાન તેનો પુત્ર પીયુષ હાજર નહીં હોવા છતાં પીએસઆઈ કૃણાલ પટેલે તેને ઉઠાવી લઈ રૂ.૧૦ લાખની માંગ કરી હતી અને રૂ.૬ લાખમાં સોદો નકકી કર્યો હતો.

પીયુષને ઉપલેટા વિશ્રામ ગૃહમાં લઈ જઈ તેની પાસેથી ફોજદારે રૂ.૫ લાખ વસુલી લીધા હતા અને બાકીના રૂ.૧ લાખ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પીયુષને રાજકોટ રેન્જ આઈજીની કચેરીમાં બે દિવસ ગોંધી રાખવામાં આવ્યો હતો. રેન્જ આઈજી પટેલે પણ તોડમાં ભુંડી ભુમિકા ભજવ્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

આ મામલે સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપાતા બુધવારે સીઆઈડી ક્રાઈમના એડિશનલ ડી.જી.અજય તોમર રાજકોટ દોડી આવ્યા હતા અને રાજકોટ સીઆઈડી કચેરી ખાતે પીયુષ અને તેના પિતા જેઠાભાઈ ડેર પાસેથી આક્ષેપો અંગેની વિસ્તૃત વિગતો મેળવી હતી. તોડ પ્રકરણમાં સીઆઈડીના એડિશનલ ડીજી તાકીદે રાજકોટ દોડી આવતા અને ફરિયાદીનું વિશેષ નિવેદન નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. જેમની સામે આક્ષેપો થયા છે તે બંને પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાવા લાગ્યા હતા અને આ મામલે આગામી દિવસોમાં મોટા કડાકા-ભડાકાના એંધાણો વર્તાઈ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.