Abtak Media Google News
  • સૌરાષ્ટ્રના આંબાના બગીચાઓમાં ફાળમાં અડધો અડધો ઘટથી બાગાયત દાર પરેશાન

ઉનાળો જામ્યો છે અને અને બજારમાં કેરીની આવકો શરૂ થઈ છે. ગુજરાતની સ્પેશિયલ વેરાયટી કેસર કેરી માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ વર્ષે હવામાન વેરી બનતા ગુજરાતમાં કેસર કેરીનું ઉત્પાદન 50% ઓછું થવાનું અનુમાન મૂકવામાં આવી રહ્યું છે. ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોના કહેવા મુજબ, કેસરના આંબમાં મોર બેસવાના સમયે જરૂર મુજબનું ગરમ વાતાવરણ ન મળવાથી ફ્લાવરિંગની પહેલી સિઝનમાં બહુ ઓછા ફ્ળ બન્યા હતા. પ્રતિકૂળ વાતાવરણના કારણે બીજી સાઇકલ 50-60 દિવસ મોંઘી થઈ છે. ગુજરાતમાં છેલ્લા અમુક વર્ષોથી કેરી માટે અનુકૂળ વાતાવરણ ન રહેવાથી રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેસર કેરીનું ઉત્પાદન ઘટયું છે.

ગુજરાતના બાગાયત વિભાગના આંકડા જોઈએ તો 2020માં રાજ્યમાં કેરીનું 12 લાખ ટનથી વધારે ઉત્પાદન હતું જે 2023માં ઘટીને 9.60 લાખ ટન થયું હતું. દક્ષિણ ગુજરાતમાં 7.48 લાખ ટનનું ઉત્પાદન હતું જે ઘટીને 4.81 લાખ ટન ઉપર પહોંચ્યું છે. તેવી જ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર કે જે કેસર કેરીનું મુખ્ય ઉત્પાદન કેન્દ્ર ગણાય છે ત્યાં કેરીનું ઉત્પાદન 3.50 લાખ ટન આસપાસ રહેતું હતું. વિતેલા પાંચ વર્ષો દરમિયાન બિપારજોય સહિતના વાવાઝોડા અને વાતાવરણમાં થયેલા ફેરફારથી ઉત્પાદન ઘટીને 2.68 લાખ ટન થયું છે.

પ્રતિકૂળ વાતાવરણથી ફ્ળ ઓછા આવ્યા

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના વડા ડી. કે. વરુએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ગુજરાતમાં ઓગસ્ટમાં ચોમાસું પૂરું થઇ જતું હોય છે, તેના બદલે આ વખતે નવેમ્બર સુધી વરસાદ આવ્યો જેના કારણે આંબા પર મોર મોડા આવ્યા હતા. આ સાથે જ ફ્ળ બેસવાના શરુ થયા ત્યારે પણ દિવસ અને રાતના તાપમાનમાં અસામાન્ય વધઘટ રહી હતી. શિયાળામાં ઠંડી ઓછી મળવાથી અને ભેજના પ્રમાણના કારણે ચુસીયો અને મધીયો જેવી જીવત પણ આવી છે. આ બધા પરિબળોના પરિણામ સ્વરૂપ આંબા પર 40-50% ફ્રુટ્સ જ આવ્યા છે. તેની ક્વોલિટીને પણ અસર થઇ છે. વર્તમાન સ્થિતિને જોતા આ વર્ષે કેરીનું ઉત્પાદન 50% ઓછુ થવાની સંભાવના છે.

કેસર કેરીની આવક મોડી શરૂ થશે

ગીર  પંથકના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે એપ્રિલના બીજા સપ્તાહથી કેસર કેરીની આવકો શરુ થઇ જાય છે. જોકે, આ વર્ષે પાકની સ્થિતિ છે તે જોતા મે મહિનાના પહેલા કે બીજા અઠવાડિયે કેસર કેરી બજારમાં આવવાની શરૂઆત થશે. તાલાલા અને તેની આસપાસના વિસ્તારોમાંથી કેસર કેરીની સૌથી વધુ આવકો થાય છે. ગત વર્ષે તાલાલા અઙખઈમાં 18 એપ્રિલે કેસર કેરીની હરાજી શરુ થઇ હતી પરંતુ કેરી તૈયાર ન હોવાથી આ વર્ષે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ વર્ષે સંભવત: મેના પહેલા સપ્તાહે હરાજી શરૂ થશે.

આંબાની ખેતીમાં હવામાનનો બદલાવ વિલન બને છે :જેન્તીભાઈ હિરપરા વડાલ

જુનાગઢ ગામે કેરીનો બગીચો ધરાવતા જેન્તીભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી સરેરાશ દર ત્રણ વર્ષે એક વર્ષ કેરી નો પાક આવતો જ નથી, વાતાવરણના બદલાવથી આંબાના ઉત્પાદનમાં ઘટ આવતી જાય છે કેસર કેરી ની અનેક જાતના આંબાઓ ઉછેર થાય છે વરસાદની અનિમિતતા અને ખાસ કરીને શિયાળા ઉનાળામાં તાપમાન ની વધઘટ કેરી ના ફાલમાં મોટો અવરોધ ઊભો કરે છે દર વર્ષે કેરીના ઉત્પાદનમાં ઘટ આવતી જાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.