Abtak Media Google News

ચૂંટણી સભા રેલીમાં ધારી મેદની એકત્રીત થતી નથી: લોક સંપર્કમાં તમામ ઉમેદવારોને એક સરખુ માન-પાન, માહોલ કોના તરફી છે તે કહેવુ અને કળવુ મૂશ્કેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે બરાબર એક સપ્તાહનો સમય બચ્યો છે. તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા જોર-શોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. હજી ક્યાંય ચૂંટણીનો માહોલ બરાબર જામતો ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. મતદારો મન કળવા દેતા નથી જેના કારણે રાજકીય પક્ષોની ચિંતા સતત વધી રહી છે. ચૂંટણી સભા અને રેલીમાં ધારી મેદની એકત્રીત થતી નથી. પેઇડ લોકો જ આવે છે. પરંપરાગત વોટ બેન્ક જળવાશે કે તે અંગે પણ નવી ઉપાધી આવી છે.

Advertisement

સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીના એક પખવાડીયા પૂર્વ ગામે-ગામ અને શહેરોમાં ચૂંટણીનો માહોલ બરાબર બંધાય જતો હોય છે. કાર્યાલયો ધમધમવા લાગતા હોય છે. શેરી-ગલ્લીઓમાં પ્રચારના ભુંગળા સતત વાગતા હોય છે. પરંતુ આ વખતે માહોલ થોડો અલગ જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે આગામી 1 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. હવે એક સપ્તાહ બાકી હોવા છતા ક્યાંય ઇલેક્શનનો ટેમ્પો બરાબર જામતો નથી. આ વખતે મોટાભાગની બેઠકો પર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષો કે સ્ટાર પ્રચારકોની જાહેર સભા, રેલી કે રોડ-શોમાં ધારી મેદની એકત્રીત થતી નથી. મેનેજ કરેલી કે પેઇડ લોકો જ સભા અને રેલીમાં આવી રહ્યા છે. સામાન્ય રીતે ચૂંટણી પહેલા માહોલ પકડાય જાય છે કે આ વખતે કોના તરફી મોજૂ છે.

ઉમેદવારો જ્યારે લોક સંપર્ક કે ડોર ટુ ડોર પ્રચારમાં નિકળે છે ત્યારે તેઓને મતદારો દ્વારા એક સરખુ માન-પાન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે ખૂદ ઉમેદવારો કે રાજકીય પક્ષોના માંધાતાઓ નક્કી કરી શકતા નથી કે ખરેખર આ વખતે મતદારો કોના પર રિઝશે. મતદારોના મન અકળ છે. મન કળવા દેતા નથી અનેક બેઠકો પર ઉમેદવારોએ રોષનો સામનો પણ કરવો પડે છે. હાલ ચૂંટણી પ્રચારમાં આવતા ઉમેદવારો કે નેતા સામે રોષ વ્યક્ત કરવાના બદલે મતદારો ઇવીએમમાં જ પોતાનો રોલ ઠાલવવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. સતત વધતી મોંઘવારી, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થાની કથળતી વ્યવસ્થા, ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્ાથી જનતામાં વધતા ઓછા પ્રમાણમાં નારાજગી ચોક્કસ જોવા મળી રહી છે. પરંતુ આ નારાજગી મતદાન વેળાએ અસર કરશે કે કેમ? તે વાતથી પણ રાજકીય પક્ષોની ચિંતા વધારી રહી છે.

એક તરફ ઠંડીનું જોર વધી રહ્યું છે. બીજી તરફ ચૂંટણી પ્રચારમાં ગરમાવો ચોક્કસ આવ્યો છે પરંતુ મતદારો હજી ટાઢાબોળ છે. જે રિતનો માહોલ હાલ પ્રવર્તી રહ્યો છે તે જોતા એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આ વખતે મતદાનની ટકાવારી ઓછા રહેશે.

નેતાઓ ઉડા-ઉડ કરી રહ્યા છે. સભાઓ ગજવી રહ્યા છે. રેલીઓ કરી રહ્યા છે પરંતુ તેવી મતદારો પર કોઇ અસર પડતી ન હોય તેવુ લાગી રહ્યું છે. પ્રચારમાં ગરમાવો ચોક્કસ આવ્યો છે પરંતુ મતદારોના મગજ હજી ઠંડા છે. હવે મતદાનના આડે એક જ સપ્તાહનો સમયગાળો બાકી રહ્યો હોય આગામી એકાદ-બે દિવસમાં પ્રચાર વધુ વેગવાન બનશે અને ચૂંટણીનો ટેમ્પો બરાબર બંધાય જાય તેવું માનવામાં આવી રહ્યું છે.

29મીએ સાંજના પાંચ કલાકે ચૂંટણી પ્રચાર-પ્રસારના ભૂંગળા બંધ 

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં તા. 1 ડિસેમ્બર 2022 ના રોજ યોજાનાર મતદાન મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય અને લોકો કોઈપણ પ્રકારના ભય કે શેહશરમ વગર મતદાન કરી શકે તે અર્થે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાન વિભાગમાં તા. 29/11/2022 ના રોજ સાંજના 5.00 કલાક થી ચૂંટણી પ્રચાર બંધ કરવાના આદેશો જારી કર્યા છે.

ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થતાં રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો, વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને જેઓ મતદાર વિભાગના મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે તા. 29 નવેમ્બર 2022 ના સાંજના 5.00 કલાક પછી તાત્કાલિક ધોરણે રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગ છોડી દેવાનો રહેશે. આ ઉપરાંત રાજકીય પક્ષના રાજ્ય કક્ષાના ઇન્ચાર્જ પદાધિકારીઓએ રાજ્યના હેડ ક્વાર્ટરમાં રોકવાના હોય તો તે સ્થળ જાહેર કરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.