Abtak Media Google News

સ્વામીજીના હસ્તે કોવાયા ગામે પાણીની યોજનાનું ઉદ્‌ઘાટન

જુનાગઢ તા. ૩૦ જુનાગઢ વિસ્તારના જાફરાબાદ પાસેના કોવાયા ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP)ના અધ્યક્ષ પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે પાણીની યોજનાનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આહીર સમાજના પ્રમુખ બાઘાભાઇ નાકરાભાઇ લાખણોતરા, મીઠાભાઇ લાખણોતરા, ગામના સરપંચ બાબુભાઇ લાખણોતરા, ઉપસરપંચ ઝીણાભાઇ, ગ્રામપંચાયતના સભ્યો તથા દુલાભાઇ, ભીખાભાઇ, કાળુભાઇ, જામકાના શાર્દુલ ભગત તથા રાણીંગઆતા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

બાઘાભાઇના કૂવામાં ભગવાને ખૂબ સારું મીઠું પાણી આપ્યું છે. એમણે ઉદાર દિલે પોતાના ખર્ચે એક વરસ સુધી આખા ગામને પાણી પૂરું પાડવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.

કોવાયામાં મોટા ભાગે આહીરોની વસ્તી છે. આ ગામમાં વર્ષોથી ચૂંટણી થઇ નથી. આખુંગામ વર્ષોથી સમરસ છે. આસરે સવાબસો વર્ષ પહેલા આ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠવર્ણી વેશે પધાર્યા હતા. ગામના પાદરમાં કૂવે સ્નાન કર્યું હતું. આજે પણ ગમે તેવા કાળ-દુશ્કાળમાં પણ આ કૂવાનું પાણી ખૂટતું નથી. આ કૂવામાં ક્યારેય કોઇ દુર્ઘટના બની નથી. ગામના લોકો આને ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ માને છે.

આ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં પાણીનું દાન કરી બાઘાઆતાએ મહત્વની સેવા કરી છે. પાણી ભગવાનું વરદાન છે. એ વેડફાય નહીં એ જોવાની આપણી ફરજ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.