Abtak Media Google News

પ્લાસ્ટર ઓફ પેરીસની મુર્તિનું વેંચાણ અટકાવવામાં નિષ્ફળ પોલીસની જેમ નદીમાં વિસર્જન અટકાવવામાં કોર્પોરેશન નિષ્ફળ રહેશે તો રાજકોટવાસીઓના સ્વાસ્થ્ય જોખમાશે

શહેરમાં વિઘ્નહર્તા દેવની શ્રધ્ધાળુઓએ રંગેચંગે પધરામણી કરી ભક્તિભાવ સાથે આરાધના થઈ રહી છે. પરંતુ વિઘ્નહર્તાના વિસર્જનને લઈ કેટલાક પ્રશ્નો પેચીદા બન્યા છે. તેના સીધુ જવાબદાર તંત્ર બની ગયું છે. શહેરમાં ૪૦૦૦થી વધુ સ્થળોએ ગણેશજીનું સ્થાપન થયું છે. જેની આસ્થા સાથે આરાધના કરી તે રીતે જ વિસર્જન કરવામાં તંત્ર અને શ્રધ્ધાળુઓ દુર્લક્ષ બન્યું છે. નદીમાં વિસર્જનની મનાઈ હોવાથી ગંદા વોકળા અને ખાબોચીયામાં વિસર્જન કરવામાં આવશે. પ્લાસ્ટર ઓફ પેરીસની મુર્તિઓના વેંચાણ પર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો છે. જયારે નદીમાં વિસર્જન માટે કોર્પોરેશનની મનાઈ છે. આમ છતાં પ્લાસ્ટર ઓફ પેરીસનું મુર્તિઓનું ઠેર-ઠેર વેંચાણ થયું છે અને ઠેર-ઠેર સ્થાપન થયું છે તે રીતે વિસર્જન પણ નદીમાં થશે તો લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની જવાની દહેશત વ્યકત થઈ રહી છે.

પ્લાસ્ટર ઓફ પેરીસ પાણીમાં ઓગળતું નથી તેમજ મુર્તિને કેમીકલ કલરથી સુભોભીત કરી હોવાથી કેમીકલ પીવા લાયક પાણીમાં ભળવાથી આરોગ્ય માટે જોખમી બની રહેશે તેમાં કોઈ શંકા નથી. રાજકોટમાં આમેય ડેન્ગ્યુ, મેલેરીયા અને સ્વાઈન ફલુ જેવો રોગચાળો ફેલાયો છે ત્યારે પીવાલાયક પાણીમાં કેમીકલ યુક્ત ગણેશજીની મુર્તિનું વિસર્જન થશે તો વિઘ્નહર્તા દેવ, વિઘ્નકર્તા દેવ બની જશે તે માટે જવાબદારી કોની ?

પોલીસ તંત્રએ શહેરમાં પ્લાસ્ટર ઓફ પેરીસની મુર્તિનું વેંચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરી પોતાની જવાબદારી પૂરી કરી નાખી હોય તેમ જાહેરનામાને લગતા એક પણ કેસ કર્યા નથી. શહેરમાં ઠેર-ઠેર પ્લાસ્ટર ઓફ પેરીસની કેમીકલ યુક્ત મુર્તિઓનું ઠેર-ઠેર વેંચાણ થતું હોવા છતાં જાહેરનામા ભંગ અંગેનો એક પણ કેસ કર્યો ન હોવાથી રાજકોટમાં મોટી સંખ્યામાં પ્લાસ્ટર ઓફ પેરીસની ગણેશની મુર્તિનું સ્થાપન થયું છે.

મોટી સંખ્યામાં પ્લાસ્ટર ઓફ પેરીસની મુર્તિનું સ્થાપન થયા બાદ વિસર્જન માટે આજીડેમના ઓવરફલોના વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં, હનુમાન ધારા પાસે પાણી ભરેલા ખાડામાં, પાળ ગામ પાસે જખરાપીરની દરગાહ પાસે પાણી ભરેલો ખાડો અને વાજડી નજીક પાણીનો ખાડામાં નકકી કરાયું છે. આ પાંચેય સ્થળો આટલી મોટી સંખ્યામાં વિસર્જન થઈ શકે તેમ ન હોવાનું તંત્ર અને ગણેશજીની મુર્તિનું સ્થાપન કરનારાઓ જાણે છે.

ગણેશ વિસર્જન ડેમ અથવા નદીમાં કરતા અટકાવવાની જવાબદારી કોર્પોરેશનની બની રહે છે. ડેમ અને નદીમાં ગણેશનું વિસર્જન કરવામાં આવશે તો ડેન્ગ્યુ, મેલેરીયા અને સ્વાઈન ફલુ જેવા રોગચાળાની સાથે પીવાલાયક પાણી પ્રદૂષિત બનવાથી રાજકોટવાસીઓનું આરોગ્ય જોખમમાં મુકાય તેમ બન્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે જવાબદાર તંત્રએ સજાગ બનવાનો સમય પાકી ગયો છે.ગણેશનું સ્થાપન કરનાર શ્રધ્ધાળુઓએ પણ જાગૃતિ દાખવી બને ત્યાં સુધી ઈકો ફ્રેન્ડલી મૂર્તિનું જ સ્થાપન કરી તંત્રને સહયોગ આપી લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેની પુરતી કાળજી રાખવી જ‚રી બની છે. આશા રાખીએ કે તંત્ર આ અંગે જ‚રી જાહેરનામુ બહાર પાડી વિઘ્નહર્તા દેવ વિઘ્નકર્તા ન બને તે અંગેની તકેદારી રાખવી જરૂરી બની છે.

ગણેશ મહોત્સવના આયોજકો સાથે પોલીસની બેઠક: વિસર્જન અંગે કોઈ ચર્ચા નહીં

Dsc 2388

ગણેશ વિસર્જન અને તાજીયાનું ઝુલુસ કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે નીકળે તેવી સુફિયાણી સલાહ સાથે મીટીંગ પુરી 

શહેરમાં ગણેશ મહોત્સવ અને તાજીયાનું ઝુલુસનો તહેવાર એક સાથે જ હોવાથી પોલીસ કમિશનરે પોલીસ હેડ કવાર્ટર ખાતે કોમી એકતા અંગે મીટીંગનું આયોજન કર્યું હતું. મીટીંગમાં કોમી એકતાની અપીલ કરી હતી પણ ગણેશ વિસર્જન અંગે કંઈ ચર્ચા કરી ન હતી.

પોલીસ હેડ કવાર્ટર ખાતે કોમી એકતાની યોજાયેલી મીટીંગમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જોઈન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા. મીટીંગમાં તાજીયા કમીટીના આગેવાનો અને ગણેશજીનું સ્થાપન કરનાર આયોજકોને બોલાવવામાં આવ્યા હતા.

મીટીંગમાં તાજીયાના ઝુલુસ દરમિયાન રખડતા ઢોર અને ઉંચા તાજીયા વીજ વાયરને ન અડે તે અંગેની તકેદારી અંગે ચર્ચા થઈ હતી પણ ગણેશ વિસર્જન અંગે કોઈ ચર્ચા થઈ ન હતી. ગણેશ સ્થાપન અંગેની જ‚રી મંજૂરી લેવા સલાહ આપવામાં આવી હતી. કોમી એકતાની મીટીંગમાં દર વર્ષે કોર્પોરેશનના અધિકારીઓ અને પીજીવીસીએલના અધિકારીઓ જોડાય છે.

ગમે તે કારણોસર પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયેલી કોમી એકતાની મીટીંગમાં કોર્પોરેશનના અધિકારીઓ અને પીજીવીસીએલના અધિકારીઓને બાકાત રાખવામાં આવ્યા હોવાથી તાજીયાના ઝુલુસ દરમિયાન ટ્રાફિક અને વીજ વાયર અંગેની સર્જાતી મુશ્કેલી અંગે પોલીસે હાથ ઉંચા કરી દીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.