Abtak Media Google News

રાજ્યમાં ગંદા પાણીને શુદ્ધિકરણ વગર જ દરિયામાં છોડાતાં જીવસૃષ્ટિ ઉપર મોટું  જોખમ : કેગનો ધગધગતો રિપોર્ટ

દરિયા કાંઠાના વિસ્તારોમાં ગંદા પાણીનું શુદ્ધિકરણ અને કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા કેગની સલાહ

રાજ્યમાં ગંદા પાણીને શુદ્ધિકરણ વગર જ દરિયામાં છોડાતાં જીવસૃષ્ટિ ઉપર મોટું જોખમ ઉભુ થઈ રહ્યું હોવાનો કેગનો ધગધગતો રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ બાદ હવે સમુદ્રને “સમૃદ્ધ” રાખવા દરિયામાં છોડાતાં ઝેરી રસાયણો ઉપર રોક લાગશે કે નહીં તેના ઉપર પણ પ્રશ્નનાર્થ સર્જાયો છે.

Advertisement

કેગએ રિપોર્ટમાં જણાવ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ગંદાપાણીની સારવારની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે તે ગંદુ પાણી દરિયામાં જાય છે અને દરિયાઈ પાણીમાં ઓક્સિજનનો ઘટાડો થતાં જળચર પ્રાણીઓ માટે મોટો ખતરો છે.  આ ઉપરાંત સી ફૂડમાં ઝેરી તત્ત્વો વધવાને કારણે માનવ જીવન પણ જોખમમાં મુકાયું છે.

કેગએ અવલોકન કર્યું છે કે સીઆરઝેડ નોટિફિકેશન 2011 એ દરિયાકાંઠાના પાણીમાં કચરો અને ગંદકીના નિકાલ પર પ્રતિબંધ મૂક્યો હતો અને પ્રોસેસ ન કરાયેલ કચરો અને ગંદકીના નિકાલની કોઈપણ પ્રવર્તમાન પ્રથાને જાન્યુઆરી 2013 સુધીમાં તબક્કાવાર દૂર કરવાની જરૂર હતી.

સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની રાષ્ટ્રીય યાદીમાં ગુજરાત માટે ગટરનું ઉત્પાદન દરરોજ 5,013 મિલિયન લિટર હોવાનો અંદાજ હતો અને કુલ શુદ્ધિકરણ ક્ષમતા  3,378 એમએલડી એટલે કે 70 એસટીપી અંદાજવામાં આવી હતી.

કેગ એ 33 કોસ્ટલ અર્બન લોકલ બોડીઝ ને ઓળખી કાઢ્યા અને સ્થાપિત એસટીપીનો ડેટા એકત્રિત કર્યો અને પાણી પુરવઠાનો ડેટા પણ મેળવ્યો.  જેમાં  માર્ચ 2021 સુધીમાં, 33 કોસ્ટલ અર્બન લોકલ બોડીઝમાંથી, માત્ર આઠ 8માં એસટીપી  સ્થાપિત હતા.  આ આઠમાંથી ચારમાં તો ગંદાપાણીના શુદ્ધિકરણની ક્ષમતામાં 164.02 એમએલડીની અછત હતી.

સી ફૂડમાં પણ ઝેરી તત્વો, લોકોના આરોગ્ય ઉપર પણ જોખમ!

કેગએ જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે દરિયામાં રસાયણ યુક્ત પાણીનો નિકાલ કરવાથી સી ફૂડમાં ઝેરી તત્ત્વો વધ્યા છે. આ સી ફૂડ આરોગવાથી લોકોના આરોગ્ય ઉપર પણ જોખમ ઉભું થઈ રહ્યું છે એટલે કે ગંદા પાણી દરિયામાં ઠાલવવાથી ન માત્ર દરિયાઇ જીવસૃષ્ટિને જોખમ ઉભું થઈ રહ્યું છે પણ માનવ જીવન પણ જોખમમાં મુકાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.