વર્લ્ડ થેલેસીમિયા દિવસ:શું તમે જાણો છો આજના યુવાનો માટે કેટલો જરૂરી છે ‘પાંડુરંગ’ બીમારીનો ટેસ્ટ

સગાઈ પૂર્વે યુવક-યુવતીના લોહીનું પરિક્ષણ થવું જરૂરી

લાઈફ બ્લડ સેન્ટર દ્વારા ચાલી રહેલ અવિરત ઝુંબેશ, ગર્ભવતી મહિલાઓએ એન્ટીનેટલ ટેસ્ટ કરાવવો હિતાવહ

વિશ્વમાં દર વર્ષે 8મી મે નો દિવસ આંતરરાષ્ટ્રીય થેલેસીમિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે અને આ રોગને આગળ વધતો અટકાવવા માટે વિવિધ સ્તરે જાગૃતિ લાવવાના પ્રયાસો થાય છે. રાજકોટમાં થેલેસીમિયા નાબુદી માટે વર્ષોથી કાર્ય કરતા પ્રોજેક્ટ લાઈફ સંચાલિત લાઈફ બ્લડ સેન્ટર દ્વારા રાજકોટને થેલેસીમિયામુકત કરવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. પ્રોજેક્ટ લાઈફના જોઈન્ટ એક્ઝીક્યુટીવ ટ્રસ્ટી શ્રીમતી મીતલ કોટિચા શાહે જણાવ્યું છે કે, જો આપણે થેલેસીમિયા પ્રત્યે કાળજી રાખીશું તો આખા ગુજરાતમાં થેલેસીમિયા નાબૂદ થઇ શકે તેમ છે.

તેમણે કહ્યું છે કે, પ્રોજેક્ટ લાઈફ સંસ્થાએ થેલેસીમિયા નાબુદી માટે ઝુંબેશ શરુ કરી છે અને રાજ્ય સરકાર સમક્ષ આ માટે વિધાનસભામાં ખાસ ખરડો લાવવા માટે પણ રજુઆત કરી છે. જો વિવિધ સ્તરે બ્લડ ટેસ્ટ ફરજીયાત બનાવવામાં આવે તો થેલેસેમિક દર્દીને ઓળખી શકાય અને જરૂરી કાર્યવાહી થઇ શકે.


થેલેસેમિયાએ આ રક્તકણોના કાર્યને લગતી ખામી છે. મેડિકલ સાયન્સ તેને જિનેટિક બ્લડ ડિસઓર્ડર તરીકે ઓળખે છે. રક્તકણમાં આવેલા આલ્ફાસેલ અને બીટા સેલ પૈકીનો કોઈપણ સેલ શરીરમાં પ્રોટીન બનાવવાનું બંધ કરી દે ત્યારે આ રક્તકણો કામ કરતા બંધ થઈ જાય છે. પરિણામે શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી જેને આપણે એનિમિયા, પાંડુરોગ કે લોહીની ઉણપ તરીકે ઓળખીએ છીએ. જ્યારે શરીરમાં લોહી બનવાની ક્રિયા અવરોધાય કે અટકી જાય ત્યારે શરીરની દૈનંદિન ક્રિયાઓ જેવી કે ચાલવું, દોડવું, કામ કરવું, વિચારવું વગેરે પર તેની ગંભીર અસર પડે છે. જ્યારે આ રોગ ગંભીર બને ત્યારે દર્દીને 4-6 અઠવાડિયે લોહી ચડાવવું પડે છે.

થેલેસેમિયા બે પ્રકારના જોવા મળે છે. માઈનોર થેલેસેમિયા અને મેજર થેલેસેમિયા. માઈનોર થેલેસેમિયા એ થેલેસેમિયા ટ્રેટ તરીકે પણ ઓળખાય છે. માઈનોર થેલેસેમિયા ધરાવતા લોકો આમ તો બધી રીતે તંદુરસ્ત હોય છે, પરંતુ તેમના શરીરમાં લોહી બનવાની ક્રિયાની ગતિ મંદ હોય છે. વળી, તેમના રક્તકણો તંદુરસ્ત વ્યક્તિના રક્તકણો કરતા કદમાં થોડા નાના હોય છે. થેલેસેમિયા માઈનોર ધરાવતા લોકોના લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે હોય છે જે તેમના માતા-પિતા તરફથી વારસામાં મળ્યું હોય છે.થેલેસેમિયા માઈનોર વ્યક્તિને સામાન્ય રીતે પોતાની આ ઉણપનો ખ્યાલ જલ્દીથી નથી આવતો. પરંતુ એક ખાસ પ્રકારનો બ્લડ ટેસ્ટ કરાવવાથી લાઈફ બ્લડ સેન્ટરના તબીબો આપણાં લોહીમાંના રક્તકણોનું કદ માપીને આપણાં લોહીમાં હિમોગ્લોબીનની માત્રા તપાસી આપણને થેલેસેમિયા માઈનોર છે કે નહીં તે નક્કી કરી આપે છે. થેલેસેમિયા માઈનોર ધરાવતી વ્યક્તિ શરીર કે મનથી કમજોર હોતી નથી કે તેના રોજીંદા કામકાજમાં પણ તેને આ રોગની અસર જણાતી નથી. તેને લોહી પણ ચડાવવું પડતું નથી. પરંતુ ક્યારેક હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટી જતાં કેટલાકને થોડી એનિમિયાની અસર અનુભવાય છે.


થેલેસેમિયા મેજર એ થેલેસેમિયા માઈનોર ધરાવતા માતા-પિતા તરફથી બાળકને વારસામાં મળેલો ગંભીર પ્રકારનો એનિમિયા છે. થેલેસેમિયા મેજર ધરાવતા બાળકના શરીરમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનતું નથી જેને કારણે તેના બોનમેરો દ્વારા લાલ રક્તકણો પેદા થતાં નથી. વળી થોડા ઘણાં અંશે જે લાલ રક્તકણો બને છે તે પણ લગભગ ખાલી હોય છે. આવા બાળકો જન્મ સમયે તો નોર્મલ દેખાય છે પરંતુ જન્મ પછીના ત્રણથી અઢાર મહિના દરમિયાન કોઈપણ સમયે તેમને એનિમિયા દેખાવા લાગે છે. ધીમે ધીમે તેમની ચામડીનો રંગ પીળો પડતો જાય છે.

તેઓ સરખી ઊંઘ કરતા નથી તથા ખાવાપીવામાં પણ રૂચિ ધરાવતા નથી તથા ખાધા પછી તરત ઊલ્ટી કરી નાખે છે. આવા બાળકને દર 4-6 અઠવાડિયે લોહી ચડાવવું પડે છે. નિયમિત રીતે લોહી ચડાવતા રહેવાથી આવા બાળકો 20 થી 25 વર્ષ સુધી જીવી શકે છે. પરંતુ તે પછી તેમને અન્ય ઉપચારો આપવા પડે છે. કેમકે દરેક વખતે લોહી ચડાવ્યા બાદ નવા લોહીમાંના લાલ રક્તકણો પછીના ચાર મહિના દરમિયાન ધીરે ધીરે તૂટવા લાગે છે. તે વખતે લાલ રક્તકણોમાંથી નીકળેલું લોહતત્ત્વ તેના શરીરમાં જમા થતું રહે છે. જો તેને સમયાંતરે શરીરમાંથી દૂર કરવામાં ન આવે તો તે એકત્રિત થઈને હૃદય, યકૃત કે શરીરના અન્ય ભાગોને ગંભીર નુકશાન પહોંચાડે છે.


થેલેસેમિયા માઈનોર અને થેલેસેમિયા મેજર એ બંને આનુવંશિક ખામીથી ઉદ્ભવે છે. જ્યારે માતા-પિતા બંનેમાંથી કોઈપણ એક થેલેસેમિયા માઈનોર ધરાવતા હોય ત્યારે તેમના 50% સંતાનો સામાન્ય અને 50% સંતાનો થેલેસેમિયા માઈનોર ધરાવતા હોવાની શક્યતા છે. જ્યારે માતા-પિતા બંને થેલેસેમિયા માઈનોર હોય ત્યારે તેમના 25% સંતાનો થેલેસેમિયા મેજર અને 50% સંતાનો થેલેસેમિયા માઈનોર જન્મવાની શક્યતા છે. જો માતા-પિતા બેમાંથી કોઈ થેલેસેમિયા માઈનોર નથી, તો તેમના બાળકોને થેલેસેમિયા ટ્રેટ (માઈનોર) કે મેજર થવાની સંભાવના નથી કારણકે આ લોહીની આનુવંશિક લાક્ષણિકતા છે તેથી જો આપણે થેલેસેમિયા માઈનોર સાથે જન્મ્યા હોઈએ તો તે સદાય આપણી સાથે રહે છે.

એશિયામાં ભારત-પાકિસ્તાન, હોંગકોંગ તથા વિયેટનામ, આફ્રિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં થેલેસેમિયા માઈનોર ધરાવતા લોકો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. થેલેસેમિયા માઈનોરના વાહક હોવું કોઈ ખરાબ બાબત નથી કે તેમાં ગભરાવાની કે શરમ રાખવાની પણ જરૂર નથી. હકીકતમાં દરેક લગ્નોત્સુક યુવક કે યુવતીએ સગાઈ કરતા પહેલાં થેલેસેમિયા ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે જેથી બંને થેલેસેમિયા માઈનોરના લગ્ન ન થઈ જાય અને થેલેસેમિયા મેજરને જન્મતો રોકી શકાય.આ ઉપરાંત ગર્ભવતી મહિલાનો થેલેસીમિયા ટેસ્ટ અને એન્ટી નેટલ ટેસ્ટ કરાવવો જોઈએ અને જો તે પોઝિટિવ આવે તો તેના પતિનો ટેસ્ટ પણ કરાવવો હિતાવહ છે.