Abtak Media Google News

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયાને મુખ્ય જવાબદારી સોંપાઇ: જીતુભાઇ વાઘાણી, ગણપત વસાવા, પૂર્ણેશ મોદી, પ્રદિપસિંહ વાઘેલા અને પ્રવિણ માળી ચૂંટણી પ્રચારના અંતિમ દિવસ સુધી કર્ણાટકમાં ડેરા તંબૂ તાણશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ સભા ગજાવશે

દેશના સૌથી મોટા રાજ્ય પૈકીના એક એવા કર્ણાટકમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. અહિં ફરીથી પૂર્ણ બહુમત સાથે ભાજપની સરકાર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી રહ્યાં છે. દેશના કોઇપણ રાજ્યમાં ચૂંટણી હોય હમેંશા કમળ ખીલવવા માટે ગુજરાતના કાર્યકરો ચૂંટણી પ્રચાર કરતા હોય છે. દરમિયાન કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પણ ગુજરાત ભાજપના 125 કાર્યકરો પ્રચાર માટે આગામી 15મી એપ્રિલ બાદ જશે. મુખ્ય જવાબદારી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયાને સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ કર્ણાટકમાં અલગ-અલગ સ્થળોએ ચૂંટણી સભાઓ સંબોધશે.

આવતા વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચાલુ વર્ષે યોજાનારી અલગ-અલગ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને સત્તાના સેમિફાઇનલ જંગ સમી ગણવામાં આવે છે. કર્ણાટકમાં હાલ ભાજપની સરકાર છે. નવી સરકાર પણ ભાજપની બને તે માટે હાઇકમાન્ડ ખૂબ જ ગંભીરતાથી કામગીરી કરી રહ્યું છે. કર્ણાટકની ચૂંટણીમાં ગુજરાતના ચુનિંદા એવા 125 કાર્યકરોની પ્રચાર માટે પસંદગી કરવામાં આવી છે. મુખ્ય જવાબદારી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયા સંભાળશે.

આ ઉપરાંત જીતુભાઇ વાઘાણી, ગણપતભાઇ વસાવા, પૂર્ણેશભાઇ મોદી, પ્રદિપસિંહ વાઘેલા અને પ્રવિણ માળી ચૂંટણી પ્રચારના અંતિમ દિવસ સુધી કર્ણાટકમાં જ ડેરા તંબૂ તાણશે. આ ઉપરાંત 125 કાર્યકરો કર્ણાટકની અલગ-અલગ વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ કર્ણાટકમાં જ્યાં ગુજરાતી સમાજની વસતી વધુ છે તેવા વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભા કરશે. આગામી 15મી એપ્રિલ બાદ ગુજરાતમાંથી ભાજપના 125 કાર્યકરો કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે જશે. જેમાં રાજકોટના પણ કેટલાક કાર્યકરોની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોઇપણ રાજ્યની ચૂંટણીમાં ગુજરાતના કાર્યકરને પ્રચાર માટે મોકલવામાં આવે છે. કારણ કે ભાજપ માટે ગુજરાત એક રાજકીય પ્રયોગશાળા છે. અહિંનું સંગઠન માળખું ખૂબ જ મજબૂત હોવાના કારણે અન્ય રાજ્યોના કાર્યકરોને પણ તેના અનુભવનો લાભ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.