Abtak Media Google News

જનરલ બોર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે બોર્ડ સ્વ.રમેશભાઈ છાયા સભાગૃહનાં બદલે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં બોલાવતા મેયર: પ્રથમવાર બે નહીં પરંતુ ચાર મહિને મળશે બોર્ડ

રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાપનાકાળથી લઈ આજ સુધીનાં ૪૭ વર્ષનાં ઈતિહાસમાં પ્રથમવાર જનરલ બોર્ડની બેઠક સભાગૃહનાં બદલે રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ વૈશ્વિક મહામારી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાનું સંક્રમણ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતનાં તમામ નિયમોનું પાલન થાય તે માટે બોર્ડ ઓડિટોરીયમમાં બોલાવવામાં આવ્યું છે જેમાં પ્રેક્ષકોને પણ બોર્ડની કાર્યવાહી નિહાળવા મંજુરી આપવામાં આવશે. સામાન્ય રીતે દર બે મહિને બોર્ડ બેઠક મળતી હોય છે પરંતુ કોરોનાને કારણે આ વખતે ઈતિહાસમાં પ્રથમવાર ચાર માસે બોર્ડની બેઠક મળશે જેમાં વિકાસકાર્યો અંગે નિર્ણય લેવામાં આવશે અને પ્રજાના પ્રતિનિધિ એવા કોર્પોરેટરો પોતાના વોર્ડને કે શહેરને લગતા પ્રશ્નો ઉઠાવી શકશે.

મહાપાલિકામાં છેલ્લે ૧૯ ફેબ્રુઆરીનાં રોજ જનરલ બોર્ડની બેઠક મળી હતી જે બોર્ડ બજેટ બોર્ડ હોવાનાં કારણે બોર્ડમાં પ્રશ્નોની ચર્ચા થઈ શકી ન હતી. દરમિયાન ૨૫મી એપ્રિલથી લોકડાઉન જાહેર કરવામાં આવતા એપ્રિલ માસનું બોર્ડ મળી શકયું ન હતું. રાજય સરકાર દ્વારા મહાપાલિકાને જનરલ બોર્ડની બેઠક બોલાવવા માટે ૩૦મી જુન સુધી મંજુરી આપવામાં આવી છે. દરમિયાન ગઈકાલે સાંજે મેયર બીનાબેન આચાર્યનાં આદેશ બાદ સેક્રેટરી શાખા દ્વારા જનરલ બોર્ડનો એજન્ડા પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યો છે. મહાપાલિકાની સ્થાપના તા.૧૯/૧૧/૧૯૭૩નાં રોજ થઈ ત્યારથી લઈ આજસુધી એટલે કે ૪૭ વર્ષનાં કાર્યકાળમાં એક પણ વખત એવું બન્યું નથી કે, જનરલ બોર્ડની બેઠક સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલા સભાગૃહમાં મળી ન હોય. જયારે કચેરીનું રીનોવેશન કામ ચાલતું હતું ત્યારે પણ સેન્ટ્રલ ઝોનમાં કમિશનર વિભાગનાં કોન્ફરન્સ રૂમમાં બોર્ડ બોલાવવામાં આવતું હતું. હાલ કોરોના વાયરસનાં કારણે સાવચેતીનાં પગલારૂપે જનરલ બોર્ડની બેઠક સભાગૃહનાં બદલે વોર્ડ નં.૯માં રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અલગ-અલગ ૧૫ દરખાસ્તો મંજુરી અર્થે રજુ કરવામાં આવી છે.

બોર્ડનાં પ્રશ્નોતરીકાળમાં ભાજપનાં ૧૯ કોર્પોરેટરોએ ૨૯ પ્રશ્નો જયારે કોંગ્રેસનાં ૭ કોર્પોરેટરોએ ૧૯ પ્રશ્ર્નો રજુ કર્યા છે. પ્રથમ ક્રમે ભાજપનાં કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા અને બીજા ક્રમે ભાજપનાં કોર્પોરેટર વર્ષાબેન રાણપરાનાં પ્રશ્નો સમાવેશ થયો હોય કોંગ્રેસનાં નગરસેવકોનાં પ્રશ્નોની ચર્ચા આ વખતે પણ બોર્ડમાં થશે નહીં.

જનરલ બોર્ડની બેઠકમાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે જે પાયાનાં નિયમો છે તેનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. નગરસેવકોને ઓછામાં ઓછું ત્રણ ફુટનું અંતર રાખી અલગ-અલગ ખુરશીઓ પર બેસાડવામાં આવશે. પ્રેક્ષકો માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે.

તમામે ફરજીયાત માસ્ક પહેરીનું આવવાનું રહેશે. ઓડિટોરીયમમાં પ્રવેશ પહેલા તમામનાં હાથ સેનીટાઈઝ કરી ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવશે.

આગામી બે-ત્રણ દિવસમાં મેયર સહિતનાં પદાધિકારીઓ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમની મુલાકાત લઈ ત્યાં બોર્ડ યોજવા બાબતે અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી દેશે.

બોર્ડમાં વોર્ડ નં.૧૦માં ચંદ્રશેખર આઝાદ ઉધાનની બાજુનાં સર્કલનું વીર શહિદ હમીરસિંહજી ગોહિલ સર્કલ નામકરણ કરવા, ઝૂ ખાતે ઈન્ટરપ્રિટેશન સેન્ટરનાં નીતિ-નિયમો નકકી કરવા, જુનિયર કલાર્ક કમ ઓપરેટરની લાયકાતમાં સુધારો કરવા, અલગ-અલગ આવાસ યોજનાઓમાં શોપીંગ સેન્ટરની દુકાનો જે જાહેર હરાજીથી વેચવામાં આવી છે તેનાં દસ્તાવેજ કરી આપવા ઉપરાંત અલગ-અલગ બે ટીપી સ્કીમમાં અનામત પ્લોટને હેતુફેર કરવા અને નવી બે ટીપી સ્કીમ બનાવવા માટે ઈરાદો જાહેર કરવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.