Abtak Media Google News

હું શિયાળામાં મારી ફેમિલી સાથે કોઈ પણ પ્રકારનો પ્લાનિંગ કર્યા વગર અચાનક જ ફરવા માટે રોડ ટ્રિપ પર નીકળી પડ્યો. અલગ-અલગ જરૂરી ચીજવસ્તુઓ પેક કરીને ક્યાં જવું છે એ નક્કી કર્યા વગર જ ફરવા નીકળી પડ્યા. રસ્તો જ્યાં લઇ જાય ત્યાં જ ફરી લેશું.

પહેલા દિવસે અમે એક શાંત અને ખાલી જગ્યા પર બપોરે તંબુ બાંધીને જમ્યા અને થોડીવાર આરામ કર્યો પછી ત્યાંથી નીકળ્યા. સાંજે એક સારા ઢાબા પર ચા પીવા ગાડી રોકી. ચાની ચૂસકી અને ઢળતો સુરજ આ બંને એકસાથે હોય એટલે જીવનનો અનેરો આનંદ મળી જાય. એ મસાલાવાળી ચા પીને મોજ પડી ગઈ. ત્યાંથી આગળ મુસાફરી માટે નિકળ્યા. 10:00 વાગ્યા એક સારો એવો ઢાબો દેખાયો જે ખૂબ જ સુંદર હતો ત્યાં અમે પંજાબી જમ્યા. ત્યાં એક ગાયક કલાકાર આવ્યો હતો જેણે સુંદર સુંદર ગીતો ગાયા અને સૌનું મન જીત્યું. તેનો અવાજ ખુબ મધુર હતો. સાથોસાથ ગરમ-ગરમ કાવો પીવા મળ્યો અને ઠંડી દુર થઈ ગઈ. તાપણું પણ ચાલુ હતું એની ગરમાહટ વાતાવરણને આનંદીત બનાવી રહી હતી. આખો માહોલ જીવવાની, માણવાની અને મહેસૂસ કરવાની ખૂબ મજા આવી.

ઢાબાના માલિક મેહુલભાઈ સાથે અમારે સારું એવું ભળી ગયું. એમણે પૂછ્યું કે તમે લોકો ક્યાં રોકાવાના છો?
અમે કહ્યું કે કંઈ નક્કી નથી.  તેમણે કહ્યું કે અહીં જ રોકાઇ જાઓ મોડું થઈ ગયું છે. આપણે બધા સાથે બેસીને તાપણું કરીએ અને હું તમને ગરમ-ગરમ ચા પીવડાવીશ. આપણે આ રાતનો આનંદ માણીશું. તમારે ક્યાંય રોકાવાનો પ્લાનિંગ છે નહીં એટલે તમને કહું છું. તમે રોકાઇ જાવ અને મને તમારી સેવા કરવાનો મોકો આપો કેમકે અમે રોજ એકલા હોઈએ. ક્યારેક કોઈક સારા વ્યક્તિ આવે ત્યારે તેમની સાથે બેસવાનો મોકો મળે. આ સાંભળીને અમે ત્યાં જ રોકાઈ ગયા ત્રણ વાગ્યા સુધી અમે બધા સાથે બેઠા અને વાતો કરી. તાપણાની નજીક બેઠા. ચા પીધી અને એ માહોલનો આનંદ ઉઠાવ્યો. મેહુલભાઈએ અમને પૂરેપૂરી રીતે મહેમાનગતિનો આનંદ કરાવ્યો.

સવારે 7 વાગ્યે અમે ત્યાંથી નીકળ્યા. આગળ રસ્તો જ્યાં લઈ ગયો ત્યાં ગયા. રસ્તામાં એક પાણીનો ધોધ આવ્યો ત્યાં અમેં ન્હાયા અને ફોટા પાડ્યા ખૂબ મજા આવી. થોડે દૂર એક ભવ્ય મંદિર હતું ત્યાં થોડી વાર રોકાયા. સાંજ પડવા આવી અને મને ચાની ચૂસ્કી મારવાનું મન થયું કેમ કે મને ઢળતો સૂરજ જોતા જોતા ચા પીવાની ખૂબ મજા પડે. રાત્રે એક હોટેલમાં રોકાયા. બીજે દિવસે સવારે નીકળ્યા. ગાડીમાં પંચર પડ્યું અને અમારી પાસે એક્સ્ટ્રા ટાયર પણ ન હતું અને નજીક ક્યાંય પણ પંચર શાંધી શકે તેવી દુકાન પણ ન હતી. નજીકમાં એક પાર્કિંગ હતું ત્યાં કાર પાર્ક કરીને જરૂરી સામાન લઈને અમે લિફ્ટ લીધી. એક ટ્રેક્ટરવાળા ભાઈએ અમને લિફ્ટ આપી. એ ભાઈ ખેડૂત હતા. એમણે કહ્યું કે અમારું ગામ સમૃદ્ધ છે અને અમારા ગામની હરિયાળી પણ જોવાલાયક છે અને ગામ ના મકાનો પણ જોવાલાયક છે. તમે જોવા આવી શકો.

190423135710 Girls In Car Coupons Travel Widget

અમે પ્લાન કર્યા વગર જ નીકળી પડ્યા હતા અને રસ્તો જ્યાં લઈ જાય ત્યાં જવાનું હતું. આ એક સુંદર સફર બની રહી હતી અમે એમના ગામ ગયા. ખેડૂત વશરામભાઈ અમને તેના ઘરે લઇ ગયા પછી ખબર પડી કે વશરામભાઈ તે ગામના સરપંચ હતા. વશરામભાઈએ અમારી ખાસ મહેમાનગતિ કરી. બપોરે એમના પત્નીએ ખૂબ સારું ભોજન બનાવ્યું પછી તેઓ અમને તેની વાડીએ લઈ ગયા. તેમની વાડીમાં એક મોટું વડલાનું ઝાડ હતું અને નીચે ખાટલા હતા. વડલા નીચે ખાટલા પર બેઠા બેઠા અમે લોકો ગામડાનું શુદ્ધ ભોજન જમ્યા અને અમારું દિલ ખુશ થઇ ગયું. વશરામભાઈના બે નાના છોકરા હતા તે ખૂબ જ મસ્તીખોર હતા. તેમની સાથે મસ્તી કરવાની ખૂબ મજા આવી.

ગામમાં પંચરની દુકાન હતી ત્યાંથી પંચરવાળા ભાઈએ પંચર સાંધવાનો સમાન લીધો. એને અમારી સાથે અમારી કાર પાસે લઈ ગયા. પંચર સાંધી અમે તેને ફરી ગામે છોડીને આગળ મુસાફરી તરફ નીકળ્યા. રસ્તામાં ઘણા સારા મંદિર અને તળાવ અને નદીઓ આવી અને અમે પ્રકૃતિનો આનંદ માણતાં ત્યાં ખૂબ જ ફોટા પાડ્યા. ખૂબ મજા કરી. સાંજે ફરી ચાની ચૂસકી મારી એક ઢાબા પર જમવા રોકાયા. ત્યાં ગુજરાતી જમવાનું મળ્યું જે જમીને ખૂબ આનંદ થયો. તેના માલિક ખોડુભાઈએ ખૂબ પ્રેમથી જમાડ્યા. થોડીવાર એમની સાથે બેઠા. ઢાબાની નજીક જ ખોડુભાઈ નું ઘર હતું ત્યાં રાત્રે સૂવાની વ્યવસ્થા કરી આપી.

હવે છેલ્લે દિવસે અમે પાછા ફર્યા અને રસ્તામાં આવતી એવી દરેક જગ્યા જે અમે મુલાકાત લેતા ચૂકી ગયા હોય તે દરેક જગ્યાએ મુલાકાત લીધી. રસ્તામાં એક નાનકડું ગામ આવ્યું. જ્યાનું હનુમાન મંદિર ભવ્ય અને ખૂબ જ પ્રખ્યાત છે. ત્યાં પણ મુલાકાત લીધી અને ત્યાંના લોકોની સાથે ભજન કીર્તન કર્યા. પહેલીવાર એવું લાગ્યું જાણે આ બધું જીવનમાં હતું જ પણ ક્યારેય દેખાયું નહીં. ત્યાં નાના બાળકો રમી રહ્યા હતા હું પણ એ નાના બાળકો સાથે રમ્યો. એમની સાથે રમવાની ખૂબ મજા આવી. મને મારા બાળપણના દિવસો યાદ આવી ગયા. ત્યાંથી રવાના થયા ફરી પાછા પેલા ધોધમાં ન્હાયા અને મજા માણી. આખી ટ્રિપ અમારા માટે યાદગાર બની ગઈ કેમકે અમે કંઈ નક્કી જ કર્યું ના હતું બસ જે મળ્યું એને માણી લીધું.

જીવનમાં ઘણીવાર ફરવા જવા માટે આપણે પ્લાનિંગ કરીએ તો કોઈને કોઈ અડચણ આવી જાય પરંતુ અચાનક ફરવા જવાનો કરેલ નિર્ણય હંમેશા સફળ રહે છે.
બસ નીકળી પડવાનું. જ્યાં મજા આવે ત્યાં ફરી લેવાનું. જે ગમે તે કરી લેવાનું અને નવા નવા લોકો સાથે આનંદ માણી લેવાનો કેમકે આ જ પળ છે જે ભવિષ્યમાં એક સારી યાદગીરી રૂપે આપણા જીવનમાં હંમેશા માટે સચવાઈ જશે.

– આર. કે. ચોટલીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.