Abtak Media Google News

પ્રદેશ ભાજપ અધ્યક્ષની આગેવાનીમાં કૃષિ મંત્રી રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં કૃષિ સુધારા સંદર્ભે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ

આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના કરોડો ખેડૂતોના હિતમાં અમલમાં મુકાયેલા કૃષિ સુધારાઓના સંદર્ભમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, કે.સી.પટેલ, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ ભાજપાના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રદેશ પ્રમુખો, સાંસદો, જિલ્લા/મહાનગરના ભાજપા પ્રભારીઓ/ પ્રમુખો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ખેડૂતોની સમસ્યાઓનો તલદર્શી અભ્યાસ કરીને ખેડૂતોના ઉદ્ધાર અને ઉત્થાન માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ઐતિહાસિક નિર્ણય લઈને કેન્દ્રની ભાજપા સરકારે  ખેડૂતોના હિતમાં નોંધપાત્ર કૃષિ સુધારા કર્યા છે. ભાજપાની સરકાર અને સંગઠન બંન્નેને દેશની સરહદોની રક્ષા કરતા જવાન અને અને અન્નદાતા એવા ખેડૂતો માટે અપાર સન્માનની લાગણી છે.વધુ જણાવ્યું હતું કે, આજે દેશના કરોડો ખેડૂતોના કલ્યાણ માટે કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા અમલી બનાવાયેલા કૃષિ સુધારાઓ અંગે કોંગ્રેસ સહિતના વિરોધપક્ષોના દોરીસંચાર હેઠળ ખેડૂતોને ગેરમાર્ગે દોરી, અધુરી માહિતી સાથે મન ફાવે તેવું અર્થઘટન કરીને તેમને ભ્રમિત કરવાના કુપ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોના હિતની બાબતમાં પણ અમુક રાજકીય પક્ષો રાજકીય રોટલા શેકી રહ્યા છે તે અત્યંત શરમજનક બાબત છે, રાજકીય હિત માટે આજે દેશના ખેડૂતોને હાથો બનાવવાનું દુષ્કાર્ય કરવામાં આવી રહ્યું છે. મોદી સરકાર દ્વારા અમલમાં મુકાયેલા કૃષિ કાયદાઓમાં સમાવિષ્ટ મુદ્દાઓને અમલી બનાવવાની માંગ એક સમયે ખુદ કોંગ્રેસે કરી હતી અને જણાવ્યું હતું કે, ખેડૂતોના ઉત્થાન માટે આ નવા કાયદા અમલી બનાવવા જરૂરી છે, તે જ કોંગ્રેસ આજે ખેડૂતોના નામે નિમ્નસ્તરની રાજનીતિ કરી રહી છે.ભાજપા સરકારે વારંવાર સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે એ.પી.એમ.સી.ની વ્યવસ્થા અને એમ.એસ.પી થી ખેતપેદાશોની ખરીદી ચાલુ જ છે અને આગળ પણ ચાલુ જ રહેશે. ખેડૂતોને નવા કાયદા મુજબ તેની ખેત પેદાશનું પસંદગીના ખરીદદારને વેચાણ કરવા અંગે આઝાદી આપવામાં આવી છે. તેમ છતાંય તેનો અયોગ્ય વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બેઠકને સંબોધતાં કેન્દ્રીય કૃષિમંત્રી પરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલ આ આંદોલન અંગે  કેન્દ્રની ભાજપા સરકાર સંપૂર્ણ હકારાત્મકતા અને ખુલ્લા મનથી સંવાદ કરી રહી છે. ખેડુતોની કૃષિ કાયદા અંગેની શંકાઓ દૂર થાય, તેમને સંતોષ થાય અને તે માટે કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે. તેઓએ જણાવ્યું હતું કે, નવા કૃષિ સુધારા અંગે સમાજમાં અનેક ભ્રમણાઓ અને અફવાઓ ફેલાવાઇ રહ્યા છે, આપણા સૌની ફરજ છે કે આપણે ખેડૂતો સુધી તેમના હિતમાં લેવાયેલા આ મહત્વ પગલાંઓ અંગે સાચી જાણકારી આપીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.