Abtak Media Google News

સૌરાષ્ટ્રભરમાંથી કોરોનાના દર્દીઓનો ધસારો વધતા

દર્દીઓને સતત ઓક્સિજન પુરો પાડવા 20 કર્મચારીઓ 24 કલાક ખડેપગે

સૌરાષ્ટ્રની મોટામાં મોટી જી જી હોસ્પિટલમાં કોરોના દર્દીઓના ધસારાને પગલે હોસ્પિટલમાં ઓક્સિજનનો વપરાશ વધીને 16 હજાર લીટરે પહોંચી ગયો છે. દર્દીઓને ઓક્સિજનનો પ્રવાહ સતત જાળવી રાખવા 20 કર્મચારીઓ સતત 24 કલાક ફરજ બજાવે છે.

કોરોના મહામારીએ ગુજરાત આખાને ભરડામાં લીધુ છે અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જી.જી.માં સૌરાષ્ટ્રભરના દર્દીઓ કોરોનાની સારવાર માટે ઉમટી રહ્યા છે ત્યારે હોસ્પિટલ તંત્ર માટે ધસારાને પહોંચી વળવું એક પડકાર બન્યો છે. પાછળના દરવાજે કોરોનાના દર્દીઓ માટે અત્યંત જરૂરી ગણાતું ઓક્સિજન 24 કલાક પૂરું પાડવા માટે જી.જી. હોસ્પિટલના 20 જણાનો સ્ટાફ ડો. વંદનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સતત ફરજ બજાવી રહ્યો છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કર્યા બાદ તમામ ખાટલાઓ પર ઓક્સિજનની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. અહીં માત્ર જામનગર જિલ્લાના જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રભરના દર્દીઓ આવી રહ્યા છે ત્યારે એક સમયે સાવ ઓછું થઈ ગયેલું ઓક્સિજનની જરૂરિયાત બુધવારે 16 હજાર લીટર સુધી પહોંચી ગઈ છે.

એનેસ્થેસિયા વિભાગના વડા ડો. વંદનાબેન ત્રિવેદીને ઓક્સિજન દર્દીઓને અવિરત મળી રહે તે માટેની કામગીરી સોંપવામાં આવી છે જે તે 20 લોકો સાથે સતત 24 કલાક પૂરી પાડી રહ્યા છે. ઓક્સિજનના ટ્રકો સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે છે જે ગમે તે સમયે રાત્રિના આવે ત્યારે તેને ટેન્કમાં ભરી અને ઓક્સિજન એક સેક્ધડ માટે પણ બંધ ન રહે તે કરવાની કામગીરી સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.

5 ગણો વધુ ઓક્સિજન વપરાય છે

શહેરની જી.જી. હોસ્પિટલમાં કોરોનાનો એક કપરો કાળ પાર પાડ્યો છે જેમાં ઓક્સિજન 14થી 15 હજાર લીટર સુધી પહોંચ્યું હતું પરંતુ બીજા કોરોનાની લહેરમાં તો ઓક્સિજનની જરૂરિયાત હવે 16 હજાર લીટર સુધી પહોંચી ગઈ છે. એક સમયે કોરોના સાવ મંદ પડી ગયો હતો ત્યારે ફક્ત 3 હજાર લીટરની જરૂરિયાત પડતી હતી એમ કોવિડ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.

37 હજાર લીટર ઓક્સિજનની ક્ષમતા

જી.જી. હોસ્પિટલમાં હાલ દૈનિક 16 હજાર લીટર ઓક્સિજન પૂરું પાડવામાં આવે છે. જી.જી. હોસ્પિટલ પાસે 37 હજાર લીટરની ક્ષમતાનું ઓક્સિજન પૂરું પાડવાની કેપેસીટી છે. સતત 20 કર્મચારીઓ આ કામગીરીની દેખરેખ કરીને ઓક્સિજન એક સેક્ધડ માટે પણ બંધ ન રહે તે માટે ખડેપગે રહે છે.

દર્દીઓનો ધસારો વધતા ખાટલા ખૂટી પડ્યા

જામનગરની જી.જી. હોસ્પિટલમાં દર્દીઓ ભારે માત્રામાં આવી રહ્યાં છે. એટલા બધા દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે કે સરકારી હોસ્પિટલમાં ખાટલા ખૂટી રહ્યાં છે. આથી શહેરની અન્ય હોસ્પિટલમાંથી બેડ મંગાવાઈ રહ્યાં છે. જે અન્વયે એક ટ્રક ભરીને બેડનો જથ્થો જી.જી. હોસ્પિટલમાં આવ્યો હતો. આ કામગીરી આસિ. કમિશ્નર ડો. ડાંગરની રાહબરી હેઠળ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.