Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી: લો-પ્રેશર સર્જાયા બાદ સાનુકુળ સ્થિતિનું નિર્માણ થશે તો સૌરાષ્ટ્ર સહિત રાજયમા વરસાદનો વધુ એક સારા રાઉન્ડની સંભાવના

સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી વરસેલી મેઘ મહેરથી પાક અને પાણીનું ચિત્ર સંપૂર્ણ પણે બદલાય ગયું છે. વરસાદ ખેંચાતા જે જગતાતના ચહેરાઓ પર ચિંતાના વાદળો ઘેરાય ગયા હતા તેઓનાં મુખે હાલ સ્મિત રેલાઈ રહ્યું છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. બીજી તરફ બંગાળની ખાડીમાં આવતીકાલે એક નવું જ લો-પ્રેશર સર્જાશે જો સાનુકુળ સ્થિતિ સર્જાશે તો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં વરસાદના વધુ એક સારા રાઉન્ડની સંભાવના રહેલી છે.

બંગાળની ખાડીમાં ગત સપ્તાહે સર્જાયેલા લો-પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં માંગ્યા મેહ વરસ્યા હતા હવે આ સિસ્ટમ થોડી નબળી રહી છે.છતા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગનાં સુત્રોના જણાવ્યાનુસાર આવતીકાલે બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર સર્જાશે જેના કારણે મોનસુન રૂફમાં ફેરફાર આવશે. ત્યારબાદ જો સાનુકુળ પરિસ્થિતિ સર્જાશે તો સમગ્ર ગુજરાતમા વરસાદનો વધુ એક સારો રાઉન્ડ આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક રાજયના 30 જિલ્લાના 196 તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લા પેટલાદમાં 132 મીમી વરસાદ પડયો છે. રાજયમાં અત્યાર સુધીમાં 34.14 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં મેઘ મહેર 4 દિવસ યથાવત રહેશે. આગામી 24 કલાક સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આજે અને આવતીકાલે ડાંગ તાપી નર્મદા નવસારી દીવ દમણ દાદરાનગર હવેલી ,ગીર સોમનાથ જામનગર પોરબંદર ગીર સોમનાથ ભાવનગર સહીત હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 29 જુલાઈએ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી છે. જેને કારણે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બુધવારથી રાજ્યમાં વરસાદ નું જોર ઘટશે.

રાજ્યમાં ગયા વર્ષે 26 જુલાઈ સુધીમાં 13 ઈંચ સાથે સિઝનો સરેરાશ 36.66 ટકા વરસાદ નોંધાયો હતો. આમ ગયા વર્ષની તુલનાએ આ વર્ષે હજુ સુધી વરસાદનું પ્રમાણ સામાન્ય રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી દક્ષિમ ગુજરાતમાં 20.23 ઈંચ સાથે મોસમનો સૌથી વધુ 35.19 ટકા, કચ્છમાં 5.27 ઈંચ સાથે 30.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઈંચ સાથે મોસમનો 28.16 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 30.56 ઈંચ સાથે સિઝનનો 30.08 ટકા, સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 31.89 ટકા વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વઘુ વરસાદ આંણદના પેટલાદમાં સાડા પાંચ ઈંચ વરસાદ, બોરસદમાં 4 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં સાડા ત્રણ ઇંચ, નવસારીમાં સાડા ત્રણ ઇંચ, જૂનાગઢના માળીયામા 2 ઈંચ, મોરબી, અમરેલીમાં જાફરાબાદ, ભાવનગરના મહુવા, ગીર-સોમનાથના કોડીનાર, ગીર-સોમનાથના ઉના અને અમરેલીમાં દોઢ ઈંચ જ્યારે ગીર-ગઢડા, તાલાલા, વેરાવળ, રાજુલા અને મોરબીના માળીયા મિયાણામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.