Abtak Media Google News

કર્તવી ભટ્ટ,વિદ્યાર્થીની,મનોવિજ્ઞાન ભવન,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
ડો.ધારા આર.દોશી, અધ્યાપક, મનોવિજ્ઞાન ભવન,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

દરેક વ્યક્તિ વિવિધ પ્રકારના આવેગો,લાગણી, ભાવ અનુભવે છે. જ્યાં સુધી એ એક મર્યાદામાં હોય છે, તેને વ્યક્ત કરવાની રીત સમાજ યોગ્ય અને સમાજ માન્ય હોય છે ત્યાં સુધી એ નોર્મલ છે એટલે કે સામાન્ય છે પરંતુ જ્યારે તે એક હદ વટાવી કોઈને નુકશાન કરે છે ત્યારે તે વિકૃતિમાં પરિણમે છે. આપણે સૌ સુરતમાં ગ્રીષ્માના મર્ડરની ઘટનાથી વાકીફ જ છીએ જેમાં સાયકો પ્રેમીએ ક્રૂરતાની હદ વટાવીને પોતાની પ્રેમીકાને મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનાને પણ આપણે વિકૃતિનો એક પ્રકાર કહી શકીએ છીએ.

ઓબ્સેસીવ લવ ડિસઓર્ડર એક એવી જ વિકૃતિ છે. આ વિકૃતિ વિશે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર. દોશી અને વિદ્યાર્થીની કર્તવી ભટ્ટ જણાવતા કહે છે કે આ પ્રકારનું વર્તન શુ છે તે સમજવું જરૂરી છે અને તેના વિશે જાગૃત થવું જરૂરી છે.

શુ છે ઓબ્સેસીવ લવ ડિસઓર્ડર ?

સામાન્ય રીતે એક સ્વસ્થ સંબંધમાં વ્યક્તિ એકબીજા પ્રત્યે સમાન ભાવ ધરાવતી હોય છે. તેઓ એકબીજાનું સન્માન કરે છે, એકબીજાને સમજે છે, એકબીજાની જરૂરિયાતો ને સમજે છે, ઉપરાંત એકબીજાની દરેક ઈચ્છાને સ્વીકારવાની ભાવના રાખે છે. પરંતુ ઓબ્સેસિવ લવ ડિસઓર્ડર (OLD) તે એક એવી વિકૃતિ છે જેમાં વ્યક્તિ સામેની વ્યક્તિ ની ઇચ્છાઓનું સન્માન કરતા નથી ઉપરાંત સામેની વ્યક્તિના અસ્વીકાર ને સહન કરી શકતા નથી અથવા સ્વીકાર કરી શકતા નથી. આ સાથે જ આ વિકૃતિ ધરાવતી વ્યક્તિ સામેની વ્યક્તિને પોતાની ઈચ્છા તેમજ વિચારો મુજબ નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. આ વિકૃતિ ધરાવતી વ્યક્તિ પોતાના એકતરફી પ્રેમને કારણે ક્રોધ, અસુરક્ષા તેમજ ઈર્ષાનો ભોગ બને છે. તે અન્યની ના સહન કરી શકતા નથી અને જો કોઈ તેના પ્રેમનો અસ્વીકાર કરે તો તેને નુકસાન પણ પહોંચાડે છે.

ઓબ્સેસિવ લવ ડિસઓર્ડર (OLD) એક એવી વિકૃતિ છે જેમાં વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ પર મુગ્ધ બની જાય છે, ઉપરાંત તેવા ભ્રમમાં બંધાય છે કે પોતે તે વ્યક્તિના પ્રેમમાં છે અને તે વ્યક્તિ ને પોતાની સમજી તેના પર હક જમાવી બેસવાનું વર્તન કરે છે. આ વિકૃતિ ધરાવતી વ્યક્તિ સામેની વ્યક્તિ ને બાધારૂપ થાય છે અને તેના પર હક્ક અને નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે સામે થી તેમને એટલા પ્રમાણમાં પ્રેમ કે પ્રતિક્રિયા નથી મળતી ત્યારે આવી વ્યક્તિ તે સહન કરી શકતી નથી, પરિણામે તેનું વર્તન વિચિત્ર બને છે અને તે અતિ આવેગશીલ બને છે.

OLD એ મનની એક સ્થિતિ છે જેમાં વ્યક્તિ કોઈ એક વ્યક્તિ સાથે વધારે પડતી આકર્ષાઈને જોડાઈ જાય છે. તે અસુરક્ષાની લાગણીથી ઘેરાઈ જાય છે ઉપરાંત સતત ચિંતિત રહે છે. જેના પરિણામે તે સામેની વ્યક્તિને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. આ વિકૃતિ અન્ય માનસિક વિકૃતિઓ સાથે જોડાયેલ હોઈ શકે છે જેમ કે અનિવાર્ય ક્રિયા દબાણ અથવા અનિવાર્ય વિચાર દબાણ, વ્યક્તિત્વ વિકૃતિ વગેરે. આ વિકૃતિને સરળ ભાષામાં પ્રેમ પ્રત્યે નું જનુન અથવા પાગલપણું કહેવાય છે.

આ વિકૃતિ ના ઘણા ઉદાહરણો આપણને આસપાસ તેમજ સમાચાર દ્વારા જાણવા તેમજ જોવા મળે છે. આ એક એવી વિકૃતિ છે કે જે કોઈ અન્ય માનસિક બીમારી સાથે આવી શકે છે. કોઈ અન્ય માનસિક બીમારીના લક્ષણો સાથે આ વિકૃતિ સ્પષ્ટ થતી હોય છે. અથવા તેમ પણ કહી શકાય કે આ વિકૃતિ અન્ય માનસિક બીમારીના લક્ષણો પણ દર્શાવતી હોય છે. જેના લક્ષણો દ્વારા આ બીમારીનું નિદાન કરી ઉપચાર કરવામાં આવે છે.

આ વિકૃતિમાં વ્યક્તિ જે વ્યક્તિ પ્રત્યે આકર્ષાઈ હોય તેની સાથે નિયમિત તેમજ વારંવાર વાતચીત તેમજ મળવાની ઈચ્છા ધરાવે છે અને જો આમ ન બને તો તે બેચેન તેમજ ચિંતિત બની જાય છે. આ ઉપરાંત સતત એ જ વ્યક્તિના વિચારોમાં ખોવાયેલ રહે છે.

લક્ષણો
1. કોઈ વ્યક્તિ પ્રત્યે અતિશય અને સતત આકર્ષણ અનુભવવું.
2.દરેક સમયે તે એક જ વ્યક્તિ વિશેના સતત વિચારો આવવા.
3. તે વ્યક્તિની અન્ય સાથેની ક્રિયા પ્રતિક્રિયા પર ખૂબ જ વધારે ઈર્ષ્યા નો અનુભવ થવો.
4. જે – તે વ્યક્તિ વિશે બાધારૂપ વિચારને પરિણામે તેની દરેક પ્રવૃત્તિ પર નજર રાખવી. જેમકે, સોશિયલ મીડિયા ચેક કરવું, પીછો કરવો, વારંવાર ફોન અથવા મેસેજ કરવો.
5. તેમના માં આત્મસન્માન ની ખામી હોય છે.
6. અન્યો સાથે પણ એ જ વ્યક્તિ વિશે સતત વાત કરવાનું વલણ.
7. જે – તે વ્યક્તિ અને તેમની ભાવનાઓ પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરે છે.
8. તે એક વ્યક્તિના કારણે પરિવાર અને મિત્રો સાથે સંપર્ક ઓછો કરી નાખે છે.
9. આત્મહત્યાની ધમકી આપવી.
10. વ્યક્તિગત સીમા ઓળંગવી.
11. તે સામેની વ્યક્તિને એકલી મુકવાનો વિચાર પણ નથી કરી શકતી
12. સતત તેના વિચારો માં ખોવાયેલ રહેવું

કારણો

OLD થવા પાછળ કારણો જવાબદાર હોઈ શકે છે. કોઈ એક જ બાબતને ચોક્કસ રીતે જવાબદાર ગણાવી શકાય નહીં કારણ કે ઘણી માનસિક સમસ્યાઓના પરિણામે આ વિકૃતિ આવી શકે છે.

1. અટેચમેન્ટ વિકૃતિ:
આ પ્રકારમાં વ્યક્તિ પોતાના આવેગો કે લાગણીઓ પર કાબૂ રાખી શકતા નથી. તેઓ કોઇ અન્ય વ્યક્તિનું આકર્ષણ અનુભવે છે અને તેમના પ્રત્યે અનુભવાતી લાગણીઓ પર કાબુ મેળવી શકતા નથી.આ વિકૃતિઓ બાળપણમાં માતા-પિતા અથવા અન્ય સંભાળ રાખનાર વ્યક્તિ સાથે નકારત્મક અનુભવોના કારણે પરિણમે છે.

2. બોર્ડરલાઇન વ્યક્તિત્વ વિકૃતિ:
આ વિકૃતિ ગંભીર મનોદશા વિકૃતિ સાથે જોડાયેલ છે. જેમાં વ્યક્તિ થોડી જ મિનિટોમાં ખુશ તો ક્યારેક ખૂબ જ ગુસ્સામાં જોવા મળે છે. ઉપરાંત વ્યક્તિ ક્યારેક ખૂબ જ બેચેન અને ખિન્ન બની જાય છે. આ સિવાય વ્યક્તિ પોતાના સંબંધોને લઈને સતત અસુરક્ષા નો અનુભવ કરે છે. Obsessive Love Disorder (OLD) માં વ્યક્તિ ક્યારેક આત્યંતિક પ્રેમનો અનુભવ કરે છે તો ક્યારેક ખૂબ જ અણગમો વ્યક્ત કરે છે. બોર્ડર લાઇન વ્યક્તિત્વ વિકૃતિ ધરાવતાં લોકોને OLD થવાની સંભાવના વધી જાય છે.

3. ભ્રામક ઈર્ષ્યા:
આ વિકૃતિમાં વ્યક્તિને તેવી ભ્રમણા થાય છે કે સામેની વ્યક્તિ તેમની લાગણીઓની પ્રતિક્રિયા આપી રહી છે. જોકે તે સત્ય હોતું નથી. OLD માં વ્યક્તિ તેઓ સમજી બેસે છે કે પોતે જ લાગણીનો અનુભવ કરી રહ્યા છે, સામેની વ્યક્તિ તેની પ્રતિક્રિયા આપી રહી છે. પરંતુ હકીકતમાં એવુ હોતુ, એ માત્ર તેમની ભ્રમણા હોય છે.

4. ઇરોટોમેનિયા:
ઇરોટોમેનીયા માં વ્યક્તિને તેવો ભ્રમ થતો હોય છે કે પોતે જે વ્યક્તિને પ્રેમ કરે છે તે વ્યક્તિ પણ તેને પ્રેમ કરે છે. વાસ્તવિકતામાં તેવું હોતું નથી. આ વિકૃતિ ના પરિણામે OLD ની શક્યતા ખૂબ વધી જાય છે.

5. અનિવાર્ય વિચાર દબાણ:
આમાં વ્યક્તિને સતત એક જ પ્રકારના વિચારો આવ્યા કરે છે.OLD માં આની અસરરૂપે વ્યક્તિ કોઈ પણ કાર્ય કરતી હોય છતાં તેને તે એક જ વ્યક્તિના વિચારો સતત આવ્યા કરે છે, જેને કારણે તે પોતે પણ બેચેન બની જાય છે.

6. કામોન્નમાદ:
આમાં વ્યક્તિ જે વ્યક્તિને પ્રેમ કરે છે અથવા જે વ્યક્તિ પ્રત્યે આકર્ષાય છે તેના પ્રત્યે જનુની વર્તન દર્શાવે છે અને તેની સાથે અયોગ્ય વર્તન પણ ઘણી વખત કરી બેસે છે.

ઉપચાર

આ વિકૃતિ દૂર કરવા અથવા તેની અસરમાં ઘટાડો કરવા જીવનનું કોઈ એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ અને તેને મેળવવા શું કરવું જોઈએ તે વિશે વિચારવું જોઈએ. અને સાથે જ તે લક્ષ્ય મેળવવા માટે પ્રયત્નો કરવા જોઈએ.

આવી પરિસ્થિતિમાં વ્યક્તિએ પોતાના મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ અને તેમની સાથે વાતચીત કરવી જોઈએ. પરંતુ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતાની બાબતો અન્ય સાથે શેર કરતા પહેલા એ ચોકસાઈ કરવી જોઈએ કે તે વ્યક્તિ ભરોસો કરવા યોગ્ય છે કે નહીં, તે વ્યક્તિ તમને અને તમારી વાત નહીં યોગ્ય રીતે સમજે છે કે નહીં.

જ્યાં સુધી આ વિકૃતિ દૂર ન થાય ત્યાં સુધી તમે જે વ્યક્તિ પ્રત્યે આકર્ષણ અનુભવે છે તેની સાથેના સંબંધ થી દૂર રહેવું જોઈએ. જેથી તમે તમારી લાગણી ઉપર તેમજ વિચારો પર કાબૂ મેળવી શકો. આ ઉપરાંત તેવી દરેક બાબતો થી બને ત્યાં સુધી દૂર રહેવું જે એ વ્યક્તિ વિશે યાદ અપાવતી હોય.

આ ઉપાયો પછી પણ જો સમસ્યા હોય તો મનોચિકિત્સક નો સંપર્ક કરવો જોઈએ. કાઉન્સેલિંગ અને થેરાપી દ્વારા OLD ને ઘણા ખરા અંશે ઓછું કરી શકાય છે. મનોચિકિત્સક અથવા મનોવૈજ્ઞાનિક ની યોગ્ય સલાહ અને નિદાન દ્વારા આ વિકૃતિને સંપૂર્ણ રીતે દૂર અથવા અસરને ઓછી કરી શકાય છે. ઉપરાંત કોઈ અન્ય શોખની પ્રવૃત્તિમાં દર્દીને જોડીને તેના વિચારો અને ધ્યાનને અન્ય તરફ બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ. દર્દીને જે કોઈ પણ ભય કે ચિંતા હોય તેને સ્પષ્ટ કરી તેના વિશેની સંપૂર્ણ માહિતી મનોચિકિત્સક દ્વારા લઈ તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

એક અભ્યાસ મુજબ આ વિકૃતિ સ્ત્રીઓ કરતાં પુરૂષોમાં વધારે જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.