Abtak Media Google News

કેશ ક્રેડીટ કેમ્પ અને લોન વિતરણ કાર્યક્રમમાં મહિલાઓને કુલ રૂ. 4.45 કરોડની સહાય અર્પણ

કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશનલ કંપની લીમીટેડ દ્વારા  કેશ ક્રેડીટ કેમ્પ અને લોન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મંત્રી રાઘવજીભાઈ પટેલે  જણાવ્યુંં કે  (જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે) શ્લોકને યાદ કરી જણાવ્યું હતું કે કસ્તુરબા ગાંધી, રાણી લક્ષ્મીબાઈ, સરોજિની નાયડુ, લત્તા મંગેશકર, સુનિતા વિલિયમ્સ જેવી નારીઓએ ઇતિહાસમાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે. આ રીતે વર્તમાનમાં પણ સરકાર તરફથી લોનની સહાય મળતા સ્વ સહાય જૂથો, સખી મંડળોના માધ્યમથી બહેનો પોતાનામાં રહેલી આવડત બહાર લાવી સીવણ, ઈમિટેશન જ્વેલરી, ભરતગૂંથણ જેવી પ્રવૃત્તિઓથી રોજગારી મેળવી પરિવારને મદદરૂપ બની રહી છે.

આમ, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મહિલાઓના જીવન ઉત્કર્ષ માટે કાર્યરત રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓએ ગ્રામીણ મહિલાઓને પગભર બનાવી તેમના જીવનમાં અજવાળાં પાથર્યા છે.

આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજનાના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 297 સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે રૂ. 4 કરોડ 45 લાખ 50 હજારની રકમના ચેક લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. જેનો સ્વ સહાય જૂથોની 2500થી વધુ મહિલાઓને સહાયનો લાભ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, ક્લસ્ટર કો-ઓર્ડીનેટર, ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર, બી.સી. સખી, બેંક સખી મળી કુલ 17 મહિલા કર્મચારીઓને નિમણુંક હુકમો અએનાયત કરવામાં આવ્યા હતાં. મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે  ડીઆરડીએ ના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરશ્રી સરોજબેન મારડીયા વયનિવૃત્ત થતાં તેમને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનો આરંભ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો અને મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે શાબ્દિક અભિવાદન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  આર.એસ. ઠુમ્મર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ પ્રાસંગિક ઉદબોધનમાં ધારાસભ્ય  ડો. દર્શિતાબેન શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, જિલ્લા વિકાસ અધિકારી  દેવ ચૌધરી, વગેરેએ મહિલાઓને આર્થિક પગભર થવા પ્રોત્સાહન આપ્યું હતું.

આ પ્રસંગે સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરીયા, ધારાસભ્યા  રમેશભાઈ ટીલાળા અને ઉદયભાઇ કાનગડ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી  એસ.જે.ખાચર, જિલ્લા આજીવિકા અધિકારી  વી.બી.બસીયા, પૂર્વ મંત્રી  અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ, બેંકોના અધિકારીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.