Abtak Media Google News

આ એ જ છે ભાજપના સી.એમ. આનંદીબેનને ખુરશી છોડવા મજબૂર કરનાર જેવી પોસ્ટ સોશ્યિલ મીડિયા પર વાયરલ

પાટીદાર અનામત આંદોલન થકી ગુજરાતના રાજકારણમાં જેનો સૂર્યાદય થયો હતો. તેવા ઉભરતા નેતા હાર્દિક પટેલને કોંગ્રેસે મતની લાલચમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ જેવું મોભાદાર સ્થાન આપવા છતાં મહત્વાકાંક્ષા ન સંતોષાતા હાર્દિકે તાજેતરમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો છે. એક સમયે બે મોઢે ભાજપને ભાંડનાર હાર્દિક હવે બે મોઢે ભાજપના વખાણ કરી રહ્યો છે.

તે ટુંક સમયમાં કેસરિયા કરે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે જો કે હાર્દિકના સંભવિત ભાજપ પ્રવેશ સામે કાર્યકરોમાં પુણ્ય પ્રકોપ ફાટી નીકળ્યો છે. કેટલાક નેતાઓ સોશ્યિલ મીડિયા પર હાર્દિકનો ભાજપ પ્રવેશ અટકાવવા સક્રિય થઇ ગયા છે. કેટલાક યુવા નેતાઓ હાર્દિકને કદ મુજબ વેતરી નાંખવાના મુડમાં છે.કોંગ્રેસનો સાથ છોડનાર હાર્દિક પટેલ જો હવે પોતાની રાજકીય કારર્કીદીને લાંબી ખેંચવી હશે તો ભાજપનો ખેસ પહેરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી. આપનું હજી ગુજરાતમાં જોઇએ તેટલું વર્ચસ્વ જામ્યું નથી.

એક સમયે ભાજપને ન કહેવાના શબ્દોથી નવાજનાર હાર્દિક હવે ભાજપના વખાણ કરી રહ્યો છે. તે જોતા એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે, હાર્દિકનો ઝુકાવ કમળ તરફ વધી રહ્યો છે. જેના કારણે ર015ની સ્થાનીક સ્વરાજયની ચુંટણી અને 2017માં વિધાનસભાની ચુંટણીમાં ભાજપને કળ ન વળે તેવી નુકશાની વેઠવી પડી તે હાર્દિક માટે હવે ભાજપના અમુક નેતાઓ લાલ જાજમ બીછાવી રહ્યા છે.

જેની સામે કાર્યકરોમાં ભારોભાર નારાજગી વ્યાપી જવા પામી છે. જો હાર્દિક પટેલ  ભાજપમાં જોડાશે તો અમે પેજ કમિટીના પ્રમુખના કાર્ડ ફાડી નાંખીશુ અને વિસ્તારકોના થેલા અમારા ખભેથી ઉતારી દેશું તેવી ચિમકી પણ ઉચ્ચારી છે.હાર્દિકના સંભવિત ભાજપ પ્રવેશ પહેલા જ ભાજપના કાર્યકર્તાઓમાં કચવાટની લાગણી ફેલાઈ છે. કેટલાક કાર્યકર્તાઓએ તો સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યકત કરવાની પણ શરૂઆત કરી દીધી છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રીએ પર સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી નારાજગી વ્યકત કરી છે.

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી ભરત વેકરિયાએ એક ફેસબુક પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, “આ એજ છે ભાજપના સી.એમ.આનંદીબેન ને ખુરશી છોડવા મજબૂર કરનાર’, ’આ એજ છે જ્યારે પાસનો પ્રચાર કરવા આવતો ત્યારે કાર્યકરોને તેની સામે દેખાવો કરવા ભાજપ આગેવાનો કહેતા’, ’આ એજ છે જેને ભાજપના આગેવાનો અને કાર્યકરોને બેફામ ગાળો આપી છે.’આ પ્રકારની પોસ્ટ અમરેલી જિલ્લામાં ભાજપ આગેવાનો કાર્યકરો શેર કરી રહ્યા છે અને રોષ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે.

ત્યારે આવતા દિવસોમાં હાર્દિક ભાજપમાં પ્રવેશ કરશે તો ચોકસ ભાજપના કાર્યકરો આગેવાનોમાં નારાજગી ફેલાશે સંગઠનને મજબૂત કરવા વર્ષોથી ભાજપમાં કાળી મજુરી કરનારાઓને મહેનત મુજબ ફળ મળતું નથી. બીજા તરફ બીજી પક્ષોમાંથી આવેલા નેતાઓ, આગેવાનો અને કાર્યકરો માટે ડાયરેકટ ખુરશી તૈયાર રાખવામાં આવશે  પક્ષની આ નીતી રીતીથી કાર્યકરોમાં અંદર ખાતે નારાજગી જોવા મળી રહી છે. પરંતુ કોઇ ખુલ્લીને તેનો વિરોધ કરતા નથી. જો હાર્દિક માટે લાલ જાજમ બિછાવવામાં આવશે તો ભાજપમાં પુણ્ય પ્રકોપ ફાટી નીકળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.