Abtak Media Google News

પ ઓકટોબરથી 19 નવેમ્બર સુધી યોજાનારા આઇસીસી

સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકો માટે વધુ એકવાર સારા સમાચાર મળી રહ્યા છે. આઇસીસીના વન-ડે ક્રિકેટ વર્લ્ડકપની યજમાની આ વખતે બીસીસીઆઇ દ્વારા કરવામાં આવનાર છે. વર્લ્ડ કપ માટે ભારતના 12  શહેરોને શોર્ટ લીસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રિકેટ વર્લ્ડકપના એક થી બે મેચ રાજકોટને ફાળવવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

આગામી પ ઓકટોબરથી 19 નવેમ્બર સુધી આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ યોજાવાનો છે જેમાં બે સેમી ફાઇનલ સહિત કુલ 48 મેચ રમાશે વર્લ્ડશપનો ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. વર્લ્ડકપના મેચ માટે બીસીસીઆઇ દ્વારા ભારતના 12 શહેરોને શોર્ટ લીસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, બેંગલુરૂ, ચેન્નાઇ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકતા, લખનઉ, ઇન્દ્રોર અને રાજકોટનો સમાવેશ  કરવામાં આવ્યો છે. આ 12 શહેરોમાં  વર્લ્ડકપના મેચ ફાળવવામાં આવશે. વર્લ્ડકપના આરંભ પૂર્વ અલગ અલગ ટીમો વચ્ચે રમાનારી વોર્મ અપ મેચ પણ રાજકોટને ફાળવવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

આઇસીસી દ્વારા હજી સુધી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. ભારતના કયાં શહેરોમાં વર્લ્ડકપ રમાશે તે શહેરોના નામો જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટનું નામ શોર્ટ લીસ્ટ કરાયેલા શહેરોમાં હોય રાજકોટને એક થી બે મેચ મળે તેવી શકયતા  રહેલી છે.

અત્રે ઉલ્લેખનીય  છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટેસ્ટ મેચ, વન-ડે મેચ, ટી-ર0 મેચ અને આઇપીએલના મેચ રમાઇ ચુકયા છે. પ્રથમવાર રાજકોટને વર્લ્ડકપનો મેચ મળે તેવા સુખદ સંજોગો રચાયા છે.આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની અલગ-અલગ 48 મેચ માટે જે 12 શહેરોની યાદી બનાવવામાં આવી છે. તેમા રાજકોટ શહેરનો સમાવેશ કરાયો હોવાની સત્તાવાર માહિતી હજી સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને બીસીસીઆઇ દ્વારા આપવામાં આવી ન હોવાનું એસસીએના સેક્રેટરી હિમાંશુભાઇ શાહે “અબતક” સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે તેઓએ એવી પણ માહિતી આપી હતી કે, અત્યાર સુધી રાજકોટને એકપણ વખત વર્લ્ડકપની મેચની ફાળવણી કરવામાં આવી નથી. જો આ વખતે મેચ અપાશે તો રાજકોટ પ્રથમવાર વિશ્ર્વકપના મેચની યજમાની કરશે.

ભારતનો મેચ મળે તેવી શકયતા નહિવત

રાજકોટને પ્રથમવાર આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપનો મેચ ફાળવવામાં આવે તેવા ઉજળા સંજોગો ઉભા થયા છે. જો કે સૌરાષ્ટ્ર ક્રિકેટ રસિકો માટે એક નિરાશા રહેશે કે રાજકોટમાં વર્લ્ડકપનો જે મેચ ફાળવવામાં આવશે તે 100 ટકા ભારતનો નહી જ હોય કારણ કે જયારે બીસીસીઆઇ આઇસીસી વર્લ્ડકપની યજમાની કરી રહ્યું હોય અને ભારતની ટીમ વર્લ્ડકપનો મેચ રમતી હોય ત્યારે હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા ઉમટી પડતા હોય છે. સોરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમની ક્ષમતા માત્ર ર8 હજાર પ્રેક્ષકોની છે. સ્ટેડિયમની ક્ષમતાને ઘ્યાનમાં રાખી રાજકોટને ભારતનો મેચ નહી ફાળવાય વર્લ્ડકપમાં ભાગ લેનારી પ્રમાણમાં નબળી ટીમનો મેચ રાજકોટને ફાળવવામાં આવશે તેવું હાલ લાગી રહ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.