Abtak Media Google News

 

મુખ્યમંત્રીના હસ્તે કોર્પોરેશનના રૂા.82.49 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહુર્ત

 

અબતક, રાજકોટ

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના વક્તવ્યમાં એમ જણાવ્યું હતું કે, “કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ ભગવાન ….” કહેવત રાજકોટ શહેર અને શહેરીજનોએ સાવ સાચી પાડી છે. રાજકોટની જનતા એ વટ પાડી દીધો એ વાત પણ એટલી જ સાચી છે. રાજકોટનું ઋણ સ્વીકાર કરતા મુખ્યમંત્રીએ સને 2022 નાં વર્ષ માટે સ્વચ્છતા, ફાયર સેફ્ટી, ડ્રેનેજ સહિતના વિવિધ વિભાગોના કામો માટે રૂ. 187 કરોડ અને શહેરી સડકોનાં કામો માટે રૂ. 30 કરોડ એમ કુલ મળીને રૂ. 217 કરોડની મંજુરી આપ્યાની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારી પણ ફરજ છે કે, તમારા કામો પરિપૂર્ણ કરીએ. અમો ત્યાં બેઠા છીએ અને લોકસેવાના તમામ કામો કરતા રહીશું.

મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યું હતું કે, ગ્રામ્ય પંથકોને પણ ટેકનોલોજીના ઉપયોગ સાથે વધુ ઝડપથી અને સારી સેવાઓ મળે તે માટે ઈ-ગ્રામ સેવાઓ વધારવામાં આવી રહી છે. રાજ્યના નાના માણસો આત્મનિર્ભર બને તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને વધુ ને વધુ અસરકારક બનાવવાના તમામ પ્રયાસો ચાલુ જ છે. આજે રાજકોટ મહાનગરપાલિકાનાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા તેનો મને આનંદ છે. નાગરિકોના ચહેરા પર યોજનાઓ લાભો અને સેવાઓ મળી રહ્યાનો આનંદ પણ દેખાય છે. કોરોના કાળમાં રાજ્ય સરકાર અને સંબંધિત તમામ વિભાગોએ ખુબ સારી કામગીરી કરી છે અને જરૂરિયાત મુજબ જાહેર સ્વાસ્થ્યની કામગીરી કરતા રહીશું. શહેરોની માફક ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજનાઓની કામગીરી સરકાર કરી રહી છે. આ તકે મુખ્યમંત્રીએ બગોદરાનાં અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને શ્રધ્ધાંજલિ પણ અર્પી હતી.

સ્વચ્છતા, ફાયર સેફ્ટી, ડ્રેનેજ સહિતના વિવિધ વિભાગોના કામો માટે રૂ.187 કરોડ અને શહેરી સડકોનાં કામો માટે રૂ.30 કરોડ ફાળવાયા

રૂ. 1.35 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટ, વોર્ડ નં. 18 માં રૂ.3.01 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવેલ પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ, વોર્ડ નં. 13 માં રૂ. 2.31 કરોડના ખર્ચે શ્યામાપ્રસાદ મુખર્જી શાળા નં. 69 નુ નવું બિલ્ડીંગ, રૂ. 7 કરોડના ખર્ચે પી.પી.પી. યોજના હેઠળ નિર્માણ પામેલ આવાસોનું તથા રૂ. 20.12 કરોડના ખર્ચે 81 મિ. હાઈડ્રોલિક પ્લેટફોર્મનુ લોકાર્પણ તેમજ વોર્ડ નં.11 માં  રૂ. 0.33 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર બગીચાનું, રૂ. 43.03 કરોડના ખર્ચે ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન સુધી 1200 વ્યાસ ની એમ.એસ. પાઈપલાઈન તથા વોર્ડ નં. 3 માં રૂ. 5.07 કરોડના ખર્ચે એઈમ્સ રસ્તા પર માઈનોર બ્રિજનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આમ, આ કાર્યક્રમમાં રૂ. 33.79 કરોડના વિકાસ કામોના લોકાર્પણ તથા રૂ. 48.70 કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત થયેલ છે.

આ પૂર્વે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે પંચાયત વિભાગના વડા વિપુલ મિત્રાએ પંચાયત વિભાગના કામો અને ઈ-ગ્રામ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આ અવસરે કલેકટર અરૂણ મહેશ બાબુ ઉપરાંત મ્યુનિ. કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીડીઓ દેવ ચૌધરીએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. જ્યારે મેયર ડો. પ્રદિપ ડવ, ડેપ્યુટી ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળાએ તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી અને નરેન્દ્રસિંહ ઠાકુરે તેમજ જિલ્લા પંચાયતનાં પદાધિકારીઓ અને હોદેદારોએ તથા રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન દ્વારા મુખ્યમંત્રીનું પુષ્પ હાર અને સ્મૃતિ ચિહ્નથી સ્વાગત કર્યું હતું.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.