Abtak Media Google News

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોના મુદ્દે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે આગામી અઠવાડિયે પૂર્ણ થતાં કરફ્યુના જાહેરનામા તેમજ શાળાઓ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે દર બુધવારે યોજાતી કેબિનેટ બેઠકમાં આ મુદ્દો ફરી મુખ્ય બન્યો છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં નેતાઓ અને અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. બેઠકમાં વધતા જતા કોરોના કેસનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. કોરોનાના કેસો અટકાવવા માટે આ બેઠકમાં ગહન ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત છેલ્લા થોડા દિવસોથી ધારાસભ્યો પણ કોરોનાના ભરડામાં આવી રહ્યા છે. કોરોના વિધાનસભા ગૃહ સુધી પહોંચી ગયો છે. જેને પગલે વિધાનસભા ગૃહમાં મુલાકાતીઓ ઉપર પાબંધી પણ મુકવામાં આવી હતી. આ મુદ્દો પણ ચર્ચામાં મુખ્ય બન્યો હતો. તદઉપરાંત સંક્રમણને અટકાવવા રાજ્યમાં રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં છે. જેની સમય મર્યાદા આવતા અઠવાડિયે આગામી તા.31ના રોજ પૂર્ણ થઈ રહી હોય હવે રાત્રી કરફ્યુનો સમય શુ રાખવો તે મુદે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બાળકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. 10 એપ્રિલ બાદ શુ નિર્ણયો લેવા અને હાલ શાળાઓની સ્થિતિ શુ છે તે અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.