Abtak Media Google News

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી) અને ભારતીય રેલવે દ્વારા રાષ્ટ્રીય ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રખ્યાત લિજેન્ડ્સ લીગ ટ્રોફીની દેશભરમાં એક અનોખી સફર શરૂ કરવામાં આવશે. આજથી 15 દિવસીય આ ટ્રોફી સમગ્ર દેશમાં 17 વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે. આ ક્ષણ દેશભરના ક્રિકેટરસિકો માટે જીવનભર માટે જ શ્રેષ્ઠ ક્ષણ બની રહેશે. આ પહેલ રમત-ગમતના ચાહકો અને દિગ્ગજોને લિજેન્ડ્સ લીગ ક્રિકેટનો ભાગ બનવાની તક પૂરી પાડશે. ક્રિકેટના દિગ્ગજો સાથે ક્રિકેટપ્રેમીઓ દેશના સૌથી ઝડપી ટ્રેન નેટવર્ક, વંદે ભારત એક્સપ્રેસ દ્વારા લિજેન્ડ્સ લીગ ક્રિકેટનો ભાગ બનશે.

આજે દિલ્હીથી શરૂ થઇ વિવિધ 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પૂર્વ ક્રિકેટરો સહિત કેન્દ્રીય મંત્રીઓ અભિયાનમાં જોડાશે

લિજેન્ડ્સ લીગ ક્રિકેટના કમિશનર રવિ શાસ્ત્રીએ રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રતિબધ્ધતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે અમને ભારતીય રેલવે સાથે ભાગીદારી કરવામાં અને રમત-ગમતને પ્રોત્સાહન આપવામાં યોગદાન આપવ બદલ ગર્વની લાગણી અનુભવી છીએ. લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં વધુને વધુ ખેલાડીઓ જોડાઇને આ અભિયાનને વધુ આગળ લઇ જઇ રહ્યાં છે.

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ પાંચ શહેરોમાં રમાશે: 6 ટીમો ટકરાશે

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 18 નવેમ્બરથી 9 ડિસેમ્બર દરમિયાન રમવામાં આવશે. જે પાંચ શહેરો રાંચી, દેહરાદૂન, જમ્મુ, વિઝાગ અને સુરતમાં રમાશે. આ ટુર્નામેન્ટની શરૂઆત ઇરફાન પઠાણની આગેવાની હેઠળની ભીલવાડા કિંગ્સ અને ગૌતમ ગંભીરની આગેવાની હેઠળની ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ડિયા કેપિટલ્સ વચ્ચેની મેચથી રહેશે. ઇન્ડિયા કેપિટલ્સ, મણિપાલ ટાઉગર્સ, ગુજરાત જાયન્ટ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, સધર્ન સુપર સ્ટાર્સ અને ભીલવાડા કિંગ્સ સહિતની 6 ટીમો પ્રતિષ્ઠિત ટ્રોફી માટે સ્પર્ધા કરશે.

રમત-ગમતને પ્રોત્સાહન આપવા રેલવે કટીબધ્ધ: અશ્ર્વિની વૈષ્ણવ

રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે વંદે ભારત એક્સપ્રેસમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ અને દિગ્ગજ ખેલાડીઓનું સ્વાગત કરીએ છીએ અને સમગ્ર દેશમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવાની આ અતુલ્ય યાત્રામાં સૌને જોડાવા આહવાન કરીએ છીએ. આજથી દિલ્હીથી આ ઝુંબેશની શરૂઆત થયેલ. જે 16 રૂટની યાત્રાની પ્રથમ ચરણ હશે. ભારતીય રેલવે રમત-ગમતને પ્રોત્સાહીત કરવા સતત સમર્થન આપે છે. આ પ્રવાસમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભારતીય રેલવે ટીમના સભ્યો જોડાશે તથા આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં દેશભરની ખ્યાતનામ ખેલ હસ્તીઓ પણ ભાગ લેશે. જે આ 15 દિવસના પ્રથમ ચરણના પ્રવાસને વધુ અનોખી બનાવશે.

ગૌતમ ગંભીર, ક્રિસ ગેલ, શેન વોટ્સન સહિતના દિગ્ગજ ક્રિકેટરો વંદે ભારતમાં મુસાફરી કરશે

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ અને ભારતીય રેલવેના રાષ્ટ્રીય અભિયાનમાં જાણીતા પૂર્વ ક્રિકેટરો ગૌતમ ગંભીર, સુરેશ રૈના, ઇરફાન પઠાણ, ક્રિસ ગેલ, કેવિન પીટરસન, એસ.શ્રીસંત, પાર્થિવ પટેલ, શેન વોટ્સન, પ્રવિણ કુમાર, ઝુલન ગોસ્વામી સહિતના ક્રિકેટ દિગ્ગજો જોડાશે. આ તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ લોકોને પ્રેરણા આપતા રહે છે. તેઓ ઉત્તર, દક્ષિણ, મધ્ય, પૂર્વ અને પશ્ર્ચિમ સહિત પાંચ રેલવે ઝોનને આવરી લેતી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરશે.  શેન વોટ્સને ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે આવી વિશિષ્ટ રીતે રમત-ગમતની ભાવનાને પ્રોત્સાહન આપવાનો વિચાર અદ્ભૂત છે. હું આવી અનોખી પહેલનો ભાગ બનવા માટે ઉત્સાહી છું.  ત્યારે ક્રિસ ગેલએ જણાવ્યું હતું કે હું લિજેન્ડ્સ લીગ ક્રિકેટનો એક ભાગ હોવાના કારણે વંદે ભારત સાથે લીગના અશ્ર્વિનસનીય સહયોગનો સાક્ષી બનવા માટે આતુર છું. આ સફર આગામી સિઝન માટે ઉત્સાહ વધારશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.