Abtak Media Google News

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પીએમ 10નું સ્તર ઊંચું : સતત બાંધકામો, ઉદ્યોગો અને બીજી અનેક પ્રવૃત્તિ અર્થતંત્રને તો વેગ આપી રહી છે પણ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી છે

ગુજરાત કી હવા મેં વ્યાપાર કે સાથ પ્રદુષણ ભી હૈ… રાજ્યના ચાર મહાનગરો જેના ઉપર રાજ્યના વિકાસનો પાયો ઉભો છે. તે ચાર મહાનગરો પ્રદૂષણમાં ટોચ ઉપર છે. એટલે હવે રાજ્ય સરકારે વિકાસની સાથોસાથ પર્યાવરણ જતનના મુદ્દાને પણ ધ્યાને રાખીને આગળ ચાલવું પડશે.

Advertisement

છેલ્લાં પાંચ વર્ષમાં પાર્ટિક્યુલેટ મેટર 10ના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હોવા છતાં, અમદાવાદ દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક બની રહ્યું છે  તે 2017-18 થી સૌથી વધુ પીએમ10 સાથે ટોચના છ શહેરોમાં દર્શાવે છે.ગુજરાતના અન્ય મુખ્ય શહેરો – રાજકોટ, સુરત અને વડોદરા – પણ વાયુ પ્રદૂષણમાં ટોચમાં રહ્યા છે.  ત્રણ શહેરો 2017-18 થી સૌથી વધુ પીએમ 10નું પ્રમાણ ધરાવતા ટોચના 10 શહેરોમાં સ્થાન પામી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ટોચના 131 શહેરોમા વાયુ પ્રદૂષણનું પ્રમાણ મુદ્દે સંસદના સત્રમાં આપવામાં આવેલ ડેટા દર્શાવે છે કે 2017-18માં અમદાવાદ ત્રીજા સ્થાને સૌથી વધુ પ્રદૂષિત હતું. તે 2018-19માં સૌથી વધુ પ્રદૂષિત શહેર હતું, જેમાં સૌથી વધુ સરેરાશ પીએમ 10 સ્તર નોંધાયું હતું.  પછીના વર્ષોમાં 2019-20 અને 2020-21માં શહેર યાદીમાં ચોથા ક્રમે હતું, જ્યારે 2021-22માં, અમદાવાદ પીએમ 10 સ્તર પ્રતિ ઘન મીટર 113 માઇક્રોગ્રામ સાથે છઠ્ઠું સૌથી પ્રદૂષિત શહેર હતું.

દિલ્હી 196 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરના પીએમ 10 સ્તર સાથે સૌથી આગળ છે, ત્યારબાદ મુઝફ્ફરપુર 153 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર પર છે;  પટનામાં 145 માઈક્રોગ્રામ પીએમ સ્તર છે. ત્યારબાદ ચોથા સ્થાને વડોદરા 121 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર સાથે છે.  રાજકોટ 116 માઇક્રોગ્રામ પીએમ 10 સ્તર સાથે પાંચમા ક્રમે છે.

સમગ્ર શહેરમાં સતત બાંધકામ અને ખોદવાની પ્રવૃત્તિ, ગ્રીન કવરના ઘટાડાની સાથે, અમદાવાદ શહેરમાં પીએમ10 ના સ્તર ચિંતાજનક રીતે ઊંચા રહેવા માટે મુખ્યત્વે જવાબદાર છે.  વાહનવ્યવહારના ધુમાડા સાથે ભળેલી ધૂળ નાગરિકોના સ્વાસ્થ્યને ન ભરવાપાત્ર નુકસાન પહોંચાડી રહી છે,” તેમ પર્યાવરણવિદ મહેશ પંડ્યાએ જણાવ્યું હતું.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયએ 131 શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવાના ઉદ્દેશ્ય સાથે જાન્યુઆરી 2019માં નેશનલ ક્લીન એર પ્રોગ્રામ  શરૂ કર્યો હતો.  આ કાર્યક્રમ 2025-26 સુધીમાં બેઝલાઇન 2017-18ની સરખામણીમાં 40% સુધીનો ઘટાડો અથવા પાર્ટિક્યુલેટ મેટર10 સ્તર માટે નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સની સિદ્ધિની પરિકલ્પના કરે છે.

દેશભરના શહેરોના પ્રદર્શન પર માહિતી આપતા કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે 131 શહેરોમાંથી 95એ નાણાકીય વર્ષ 2021-22માં 2017ના બેઝ લેવલની સરખામણીમાં હવાની ગુણવત્તામાં સુધારો દર્શાવ્યો છે.

વાયુ પ્રદૂષણથી લોકોનું આયુષ્ય ઘટી રહ્યું છે ?

કેન્દ્ર સરકારને પૂછવામાં આવ્યું હતું કે શું વર્તમાન વાયુ પ્રદૂષણનું સ્તર યથાવત રહે તો લોકો તેમના જીવનના 7.6 વર્ષ ગુમાવે તેવી શક્યતા છે અને શું 2013 થી વિશ્વમાં પ્રદૂષણમાં 44% વધારો ભારતનો છે.  , કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ જવાબ આપ્યો કે સ્વાસ્થ્ય પર વાયુ પ્રદૂષણની અસર અંગે સમયાંતરે ઘણા અભ્યાસો પ્રકાશિત કરવામાં આવ્યા છે.  આ અભ્યાસો ગૌણ ડેટા, મોડલ અને નાના નમૂનાના કદથી મોટી વસ્તી સુધીના તારણોના એક્સ્ટ્રાપોલેશન પર આધારિત છે.  જો કે, પ્રદૂષણને કારણે આયુષ્ય, મૃત્યુ અને રોગનો સીધો સંબંધ સ્થાપિત કરવા માટે દેશમાં કોઈ નિર્ણાયક ડેટા ઉપલબ્ધ નથી,” સરકારે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.