શું તમને ખબર છે ગુણોનો ભંડાર છે દૂધી, આટલી બીમારી તો થશે જ નહીં !!!

અબતક, રાજકોટ

શાકભાજી અને ફળાહાર બંનેમાં ઉ5યોગી દૂધી ગુણોનો ભંડાર છે. ભારતીય વ્યંજનોમાં ઘણાં લાંબા સમયથી તેનો ઉપયોગ થાય છે તેને સૌથી પૌષ્ટીક શાકભાજી પૈકીનું એક માનવામાં આવે છે. ઘણા લોકોને એ સબ્જી તો અમુકને મુઠીયા, થેપલા, સંભારો વગેરે રીતે પસંદ આવે છે. પણ લગભગ દરેક લોકોને તેનો હલવો સૌથી પ્રિય લાગે છે. દૂધી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુણકારી છે.

ગરમીના દિવસોમાં દૂધીનું સેવન કરવાથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. દૂધીમાં આશરે 12 ટકા પાણી રહેલું છે અને પુષ્કળમાત્રામાં એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. જેથી શરીર સુચારુ રીતે કામ કરી શકે છે અને બીમારીઓથી બચી શકે છે. દૂધીના જ્યુસનું સેવન પણ ફાયદેમંદ મનાય છે. એ સિવાય દૂધીના જ્યુસના સેવનથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. દરરોજ સવારે નરણાકાંઠે એક ગ્લાસ દૂધીનું જ્યુસ પીવાથી શરીરને ઘણાં લાભ મળે છે. જેમ કે તો ચાલો જાણીએ આ લાભ ક્યાં ક્યાં છે તેના વિશે.

હ્રદ્ય માટે ફાયદેમંદ

જે ખાદ્ય પદાર્થમાં કોલેસ્ટ્રોલ ન હોય તેને હ્રદ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. દૂધી પણ આ ખાદ્ય પદાર્થમાંની એક છે. આ સાથે તેમાં ફાઇબર, એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામિન-સી મળી આવે છે. જે હ્રદ્ય માટે ખૂબ જ લાભદાયી છે. જે રક્તચાપ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં સહાયક છે.

– વજન ઘટાડવામાં મદદરૂપ : 

દૂધી ઝડપી વજન ઘટાડવા માટે પ્રચલિત શાકભાજી ગણાય છે. નિયમિત દૂધીનું જ્યુસ અથવા તેને ઉકાળીને નમક ભભરાવીને ખાવાથી વજનને નિયંત્રિત કરી શકાય છે.

– પાચન :

પાચન સંબંધિત સમસ્યાઓમાં દૂધીનું જ્યુસ અક્સીર છે તેમાં મોજૂદ ફાઇબર પાચનતંત્ર સુધારે છે.

– ડેન્ડ્રફનો ઇલાજ :

વાળ આપણા શરીરની જ નહીં સૌર્દ્યની સંપતિ છે. વાળમાં ખોડો થવાથી વાળના મૂળ, મૃત ત્વચાથી ઢંકાઇ જાય છે. જેના કારણે વાળની અન્ય સમસ્યાઓ પણ વધારે છે. તેનાથી બચવા દૂધીના જ્યુસને આમળા જ્યુસ સાથે મિલાવીને માલિશ કરવાથી વાળમાંથી ખોડાની સમસ્યા દૂર થાય છે.

– એજીંગ :

દૂધીમાં વિટામિન-સી અને ઝીંક રહેલા છે. એ પણ વધતી ઉંમરના નિશાનોને રોકે છે. દૂધીનું જ્યુસ સેલ એજીંગ પ્રોસેસને ધીમી કરે છે જેથી ચહેરા પર કરચલી જલ્દીથી નથી આવતી. જ્યુસને ચહેરામાં પણ લગાવી શકાય છે.

 

દૂધીનું જ્યુસ બનાવવાની વિધિ

દૂધીનું જ્યુસ બનાવવા તેને છીલીને ધોઇ લેવી. ત્યારબાદ તેના નાના ટુકડા કરી લો. એક બ્લેન્ડરમાં દૂધીના ટુકડા નાંખીને તેમાં પુદીનાના પાંદડા ભેળવો અને તેને બ્લેન્ડ કરી લો. જ્યુસ તૈયાર થયા બાદ તેમાં જીરુ, મીઠુ અને કાળામરી પાઉડર ભેળવીને બરફ મિક્સ કરીને પીવાથી અનેક ફાયદો થાય છે.