Abtak Media Google News

શિતલ આઇસ્ક્રીમ, લૂઝ હળદર, જીરૂં, ધાણી, શ્રીખંડ અને મરચું પાવડરના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા: પાંચ પેઢીઓને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ

ફરિયાદ મળ્યા બાદ જ આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય સામગ્રીનું વેંચાણ કરતા વેપારીઓ અને પેઢીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવતું હોવાના પ્રશ્ર્ને ગઇકાલે જનરલ બોર્ડમાં શાસક ભાજપના કોર્પોરેટરોએ તડાપીટ બોલાવ્યા બાદ આજે ફૂડ શાખા દોડી હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી 9 સ્થળેથી ખાદ્ય સામગ્રીના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. દરમિયાન પાંચ વેપારીઓને ફુડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી.

Advertisement

આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના વોર્ડ નં.18માં કોઠારીયા રોડ અને ઢેબર રોડ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઢેબર રોડ પર વિરાણી અઘાટમાં ઘનશ્યામ ઇન્ડસ્ટ્રીઝ એરિયા શેરી નં.4માં રિયા એન્ટરપ્રાઇઝમાંથી શિતલ આઇસ્ક્રીમનો અમેરિકન નટ્સ બ્રાન્ડ આઇસ્ક્રીમનો નમૂનો લેવાયો હતો. આ ઉપરાંત ભાવનગર રોડ પર પાંજરાપોળ પાસે દ્વારકાધીશ એજન્સીમાંથી લૂઝ હળદર પાવડર, જલારામ સુપર માર્કેટમાંથી લૂઝ જીરૂં અને લૂઝ ધાણી, અંબિકા ટાઉનશીપમાં સુવર્ણ ભૂમિ બિલ્ડીંગમાં પટેલ સ્વીટ્સ એન્ડ ડેરી ફાર્મમાંથી લૂઝ શ્રીખંડ, લૂઝ સાદો શ્રીખંડ, લૂઝ બટરસ્કોચ શ્રીખંડ અને લૂઝ કેશર શ્રીખંડનો જ્યારે ભાવનગર રોડ પર દ્વારકાધીશ એજન્સીમાંથી લૂઝ મરચા પાવડરનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.

આજે હાથ ધરવામાં આવેલા ચેકીંગ અંતર્ગત ઢેબર રોડ પર કૈલાશપતિ સોસાયટીથી રિધ્ધી-સિધ્ધીના નાલા સુધીના વિસ્તારમાં ખાદ્ય સામગ્રીનું વેંચાણ કરતા 16 ધંધાર્થીઓને ત્યાંથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ર્માં ચામુંડા ટી સ્ટોલ, બહુચર પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, પ્યાસા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, આશાપુરા ટી સ્ટોલ, બાલાજી પાન એન્ડ કોલ્ડ્રીંક્સને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ફૂડ શાખા દ્વારા કરવામાં આવતી કામગીરી સામે ગઇકાલે જનરલ બોર્ડમાં ભાજપના જ નગર સેવકોએ સવાલો ઉઠ્યા હતા. કોઇપણ પ્રકારની સેહ-શરમ રાખ્યા વિના ભેળસેળીયા તત્વો પર તૂટી પડવા કડક ભાષામાં આદેશ આપવામાં આવ્યો હતો. દરમિયાન આજે આરોગ્ય શાખાનો હવાલો સંભાળતા ડી.એમ.સી. આશિષ કુમારે તમામ ફૂડ ઇન્સ્પેક્ટરો સાથે બેઠક યોજી હતી અને તમામને ભેળસેળીયા તત્વો પર તૂટી પડવા માટે એક લીટીમાં આદેશ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.