Abtak Media Google News

ધ્વજા ચડાવવાથી માંડીને ઉતારાનું બુકીંગ બધું જ એક ક્લિકથી થઈ શકશે : પ્રાંત અધિકારી રાજેશ આલની સૂઝબૂઝથી મંદિરની કામગીરીના ડિજિટલાઇઝેશનથી લાખો ભાવિકોને રહેશે સરળતા

રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના સોમપીપળીયા ખાતે આવેલ આસ્થાના કેન્દ્ર સમાં ઘેલા સોમનાથ મંદિરની થોડા દિવસોમાં વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે. જેથી ભાવિકો ઘરે બેઠા અનેક સુવિધાઓ મેળવી શકશે. થોડા જ દિવસોમાં આ નવા સુધારાઓ અમલી બનવાના હોવાના સંકેત મળી રહ્યા છે.ઘેલા સોમનાથ મહાદેવ એ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું મહાદેવનું પુરાતન મંદિર છે જે રાજકોટ શહેરથી 77 કિ.મી.ના અંતરે છે. ઘેલા (ઉન્મત ગંગા) નદીના કાંઠે આવેલા આ મંદિરનું નિર્માણ આશરે 15મી સદીમાં મીનળદેવીએ કરાવ્યું હતું. આ મંદિરના ટ્રસ્ટનો તમામ વહીવટ સરકાર હસ્તક છે.

ઐતિહાસિક મહત્વ ધરાવતા આ મંદિર માટે રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોવાથી તેના વિકાસના કામોની હાલ પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. ઘેલા સોમનાથ મંદિરના વિકાસ અને ભાવિકોની સુવિધા માટે અહીં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અંદાજે રૂપિયા 6 કરોડથી વધુ રકમના વિકાસના કામો કરવામાં આવ્યા છે. તે ઉપરાંત હજુ બીજા અન્ય કામો પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે. શ્રાવણ માસમાં દર સોમવાર, સાતમ આઠમ તથા અમાસના દિવસે 20 થી 25 હજાર શ્રદ્ધાળુઓ મંદિરના દર્શનાર્થે પધારે છે તેમજ અન્ય દિવસોમાં 5 થી 7 હજાર શ્રદ્ધાળુ દર્શને આવે છે.

જે તમામ શ્રદ્ધાળુઓને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. જસદણ પ્રાંત અધિકારી રાજેશ આલના જણાવ્યા અનુસાર અહીં આવતા ભાવિકોની સુવિધા માટે ટ્રસ્ટ દ્વારા વેબસાઈટ લોન્ચ કરવામાં આવનાર છે. આ વેબસાઈટમાં પૂજન કરાવવા, ધ્વજાજી ચડાવવા તેમજ આજુબાજુના ઉતરાની બુકીંગની વ્યવસ્થા કરી આપવામાં આવશે. એટલે હવે ભાવિકો ઘરે બેઠા પણ આ વેબસાઈટમાં માધ્યમથી પોતાના નામે પૂજન કરવા સહિતના લાભો મેળવી શકશે.

ઉલ્લેખનીય છે કે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર વર્ષે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ મહિને પણ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ઘેલા સોમનાથ મંદિર હસ્તક આવેલ કોમ્યુનીટી હોલમાં હોટેલ, રેસ્ટોરન્ટ વગેરે ફાસ્ટફૂડના ઉપયોગ માટે તા.10-8-થી તા.20-9-સુધી સ્ટોલ ભાડે આપવાનું નકકી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.