Abtak Media Google News

ક્લેકટરે વિઝન ફોર ઇન્ડિયા – 2047 સંદર્ભે છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા ઉપર ભાર મૂક્યો

સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં સુશાસન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને “સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર” અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્તરીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા સ્વાગત  પ્રવચન કરાયું હતું.

Advertisement

આ વર્કશોપમાં તંત્રની વિશેષ સિદ્ધિ તથા જાહેર હિત માટેની નવતર પહેલની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મદદનીશ નિયામક રોજગાર વિભાગ દ્વારા સૈન્ય ભરતીમાં સૌરાષ્ટ્રના ઉમેદવારોની ભાગીદારી તેમજ અનુબંધન પોર્ટલ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા ઈ-સરકાર પોર્ટલ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા ગુડ ગવર્નન્સ વિશે તમામ જાણકારી આપવામાં આવી હતી.

આ વર્કશોપમાં ક્લેકટર અરુણ મહેશ બાબુએ વહીવટી તંત્રની પ્રસંશનીય કામગીરીને વર્ણવી હતી. તેમજ વિઝન ફોર ઇન્ડિયા – 2047ની સફળતા માટે ગ્રામ્ય કક્ષાએ છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડી લોકભોગ્ય વહીવટ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. આ સાથે ’મીનીમમ ગવન્ર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ’ની થીયરીને અમલમાં મૂકી તમામ વિભાગો ગામડાંઓના વિકાસ તરફ વિશેષ ધ્યાન આપવા અને ગામડાંઓમાં આંગણવાડીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ડીજીટલ સેવાસેતુ, ગ્રામસભા-રાત્રિસભા સહિતની પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામજનોનું જીવનધોરણ ઊંચું લાવવાના પ્રયાસ હાથ ધરવા જણાવાયું હતું. તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે વિવિધ સરકારી વિભાગો કામગીરીમાં પારદર્શકતા લાવીને તેમજ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા વિચારો થકી નવા કાર્યોનું અમલીકરણ પ્રજા કલ્યાણ માટે કરે.

આ તકે રાજકોટ સિટી-1 પ્રાંત અધિકારી કે. જી. ચૌધરી, રાજકોટ ગ્રામ્ય અધિકારી વિવેક ટાંક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. એસ. ઠુમ્મર, મધ્યાહન ભોજન નાયબ કલેકટર સુરજ સુથાર, જિલ્લા શિક્ષણ અધિકારી બી. એસ. કૈલા, જિલ્લા પુરવઠા અધિકારી અવની હરણ, અનુસુચિત જાતિ કલ્યાણ નાયબ નિયામક ચંદ્રવદન મિશ્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ સમગ્ર વર્કશોપનું સંચાલન પ્રોટોકોલ મામલતદાર આઈ. જી. ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.