સરકારની દીર્ઘ દ્રષ્ટિ અને નીતિ ભારતને ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં અવ્વલ બનાવશે: નરેન્દ્ર મોદી

વડોદરા ખાતે પ્રથમ વખત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉત્પાદન યુનિટ સ્થપાયુ

ટાટા અને એરબસ મળીને મિલિટ્રી માટે 21935 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વડોદરા ખાતે સ્થાપિત કરશે. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા  શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.મેક ઇન ઇન્ડિયા ’અને સ્થાનિક ઉડ્ડયન ઉત્પાદન પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી રહેલા આ પ્લાન્ટમાં અત્યાધુનિક ઈ-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે.

સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય વાયુસેનામાં સૌથી વધુ ટ્રાન્સપોર્ટ વિમાન આ મોડલના જ છે. આ ઉપરાંત વાયુસેના ઈ-ગ્લોબમાસ્ટરનો પણ ઉપયોગ કરે છે. કેન્દ્ર સરકારે ગત મહિને જ એરબસ પાસેથી 56 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે.

આ કોન્ટ્રાક્ટ અંતર્ગત 16 એરક્રાફ્ટ તૈયાર હાલતમાં હશે અને બાકીના 40નું ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. ખાનગી કંપની દ્વારા મિલિટ્રી એરક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતો હોવાથી આ દેશનો પહેલો પ્રોજેક્ટ છે. 16 એરક્રાફ્ટ સપ્ટેમ્બર 2023 અને ઓગસ્ટ 2025ની વચ્ચે પ્રાપ્ત થશે. જ્યારે ગુજરાતમાં બનેલા એરક્રાફ્ટની ડિલિવરી સપ્ટેમ્બર 2026માં મળશે. ઉલ્લેખનીય છે કે, સી-295 ટ્રાન્સપોર્ટ પ્લેનમાં ક્વિક રિએક્શન માટે રેમ્પ ડોર, ટ્રૂપ્સ માટે પેરા ડ્રોપિંગ અને કાર્ગોની સુવિધા પણ હશે.

આ સાથે જ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે કે  સી-295 એરક્રાફ્ટ યુરોપની બહાર બનાવવામાં આવશે. એથી વિષેશ કે આ પ્રોજેક્ટ હેઠળ, ભારતમાં પહેલીવાર ખાનગી કંપની દ્વારા લશ્કરી વિમાનોનું ઉત્પાદન કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ પાછળ 21935 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

આ વિમાનનો ઉપયોગ નાગરિક હેતુઓ માટે પણ થઈ શકે છે. વડોદરામાં  યોજાનારા શિલાન્યાસના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ડિપેન્સ કોરિડોર ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં પણ ઉભા કરવામાં આવશે જેના માટે તખતો પણ તૈયાર કરવામાં આવ્યો છે. ભારતમાં છેલ્લા આઠ વર્ષમાં 160 થી વધુ દેશોએ ભારતમાં રોકાણ કર્યું છે એ પણ માત્ર એક જ ક્ષેત્રમાં નહીં સાઇટથી વધુ ક્ષેત્રમાં રોકાણ કરવામાં આવતા દેશની અર્થવ્યવસ્થા પણ ખૂબ સારી રીતે વિકસિત બની છે.