Abtak Media Google News

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં 16 ગામડાના સરપંચોને સન્માનપત્ર એનાયત કરાયા

જામનગર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત રૂ.2.84 કરોડના ખર્ચે 16 નવીન અધ્યતન ગ્રામ પંચાયત ભવન સહ તલાટી કમ મંત્રી નિવાસનું ઇ-લોકાર્પણ અને રૂ.4.76 કરોડના ખર્ચે 27 નવીન અધ્યતન ગ્રામ પંચાયત ભવન સહ તલાટી કમ મંત્રી  નિવાસના ઇ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ મોટી ખાવડી ગામે યોજવામાં આવ્યો હતો. રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી  રાઘવજીભાઈ પટેલ, જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી  તેમજ પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી  મુળુભાઈ બેરા તેમજ સાંસદ  પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી રાઘવજીભાઈ પટેલે મોટી ખાવડી ગ્રામ પંચાયત ભવન સહ તલાટી કમ મંત્રી  નિવાસનું લોકાર્પણ કર્યા બાદ આયોજિત પ્રોગ્રામમાં ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યા હતા.

Advertisement

આ કાર્યક્રમમાં મંત્રી  રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતનાં તમામ ગામડાઓનો સમતોલ વિકાસ થાય અને તમામ સુવિધાઓથી સભર ગામડું બને વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના આ સંકલ્પને સિદ્ધ કરવા માટે સરકાર અવિરત પ્રયાસો કરી રહી છે. સરકારના પ્રયાસોથી જામનગર જિલ્લામાં જે નવીન ગ્રામપંચાયતોનું નિર્માણ થયું છે તેના થકી ગામડાના લોકો સરકારની યોજનાઓનો લાભ લઈ શકશે સાથે ઘર આંગણે જ તેમના પ્રશ્નોનું નિરકરણ આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસકાર્યોના ફળ નાનામાં નાના ગામડા સુધી ચાખવા મળ્યા છે. દેશના વિકાસમાં ગુજરાત મોડેલ સ્ટેટ તરીકે ઊભરી આવ્યું છે. સમતોલ વિકાસને પ્રાધાન્ય આપવા માટે સરકારે અનેક યોજનાઓ થકી ગ્રાન્ટો ફાળવી છે. અને ગુજરાતનાં ગામડાઓ આદર્શ ગામડાઓ બને અને શહેરની સમકક્ષ બને તે દિશામાં તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. ગામડાઓના વિકાસ થાય તે માટે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડી રહે તે માટે સૌની યોજના થકી જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તળાવો પાણીથી ભરવામાં આવ્યા છે. ગામડે ગામડે નર્મદાના નીરનું પાણી પહોંચતા પાણીની અછત પણ દૂર થઈ છે. ખેડૂતો, પશુપાલકો, માછીમારોને આવકની તકો મળી રહે તે દિશામાં કામગીરી થઈ રહી છે. જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતો નિર્માણ પામી તે બદલ મંત્રી એ તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ જિલ્લા વહીવટી તંત્રની અને સરપંચોની કામગીરીને બિરદાવી હતી.

રૂ.2.84 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ જામનગર જિલ્લાના 16 ગ્રામ પંચાયત ભવન સહ તલાટી કમ મંત્રી  નિવાસ જેમાં ધ્રોલ તાલુકાના જાયવા, રાજપર, હમાપર, જોડિયા તાલુકાના નેશડા, માનપર, મેઘપર, લીંબુડા, બારાડી, જામનગર તાલુકાના મોટી ખાવડી, મિયાત્રા, ખારાબેરાજા, ઢીંચડા, વરણા, સુમરી ભલસાણ, સુવરડા અને કનસુમરાનો સમાવેશ થાય છે. રૂ.4.76 કરોડના ખર્ચે જે ગ્રામ પંચાયત ભવન સહ તલાટી કમ મંત્રી  નિવાસનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમાં ધ્રોલ તાલુકાના મોટા ઈંટાળા, લતીપુર, કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર, ખડધોરાજી, લલોઈ, નપાણિયા ખીજડીયા, નાના બાદનપર, ભાવાભી ખીજડીયા, જોડિયા તાલુકાના રસનાડ, પીઠડ, લક્ષ્મીપરા, જામજોધપુર તાલુકાના  ગિંગણી, ઘેલડા, સખપુર ધ્રાફા, જામનગર તાલુકાના જગા, મોટી ભલસાણ, ચેલા, ગાગવા, ખીમલિયા, મોડા, નાની માટલી, જૂના નાગના, ચંગા, હડમતીયા, શંભુનગર, વિજયપુર તથા મોટી બાણુગારનો સમાવેશ થાય છે. જે 16 ગ્રામ પંચાયત ભવન સહ તલાટી કમ મંત્રી નિવાસનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે ગામના સરપંચોને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં ઉપસ્થિત લોકોને ગ્રામ પંચાયતના લોકાર્પણની વિડીયો ફિલ્મ બતાવવામાં આવી હતી. મનરેગા અંતર્ગત નવીન ગ્રામ પંચાયત ભવન સહ તલાટી કમમંત્રી  નિવાસમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા ફર્સ્ટ ફ્લોર બાંધકામ સાથે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તલાટી કમમંત્રી , સરપંચ  અને કોમ્પ્યુટર ઓપરેટર કાર્યાલય અને મિટિંગ હોલ તેમજ ફર્સ્ટ ફ્લોર ઉપર તલાટીકમમંત્રી  નિવાસ બનાવવામાં આવ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.