Abtak Media Google News

શહેરના વિકાસને ધ્યાનમા લઈ રૂ.395.61 કરોડનું બજેટ પસાર: પ્રવાસન ઉદ્યોગને ધમધમતો કરવા ગિરનાર મહોત્સવ યોજવા વિશેષ જોગવાઈ

અબતક,દર્શન જોશી,જૂનાગઢ

જૂનાગઢ મહાનગર પાલિકાના બીજી ટર્મના નવનિયુક્ત કારોબારી ચેરમેન દ્વારા સ્ટેન્ડિંગ કમિટીએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુચવાયેલ વધારાના રૂ. 9 કરોડના કરવેરા ફગાવી દઈ, કોરોના કાળમાં આર્થિક સકળામણમાં આવી ગયેલ નગરજનો માટે હળવું ફૂલ સુધારા બજેટ મંજુર કરી, જનરલ બોર્ડમાં મંજૂરી માટે મેયરને સુપ્રત કર્યું હતું. જૂનાગઢ મનાપની ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, આ બેઠકમાં શહેરના વિકાસને નજર સમક્ષ રાખી રૂ. 395.61 નું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગર પાલિકાના વર્ષ 2022-23 ના આ બજેટમાં પહેલી વખત શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટને લક્ષ્યમાં રાખી રૂ. 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત પ્રવાસન ઉદ્યોગને ધમધમતો કરવા ગિરનાર મહોત્સવ યોજવા પણ બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

આ સૂચવાયેલા બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુચવાયેલ રૂ. 9 કરોડ જેટલો કરબોજ નામંજુર કરી પ્રજાજનોની વર્તમાન સ્થિતિ નજરે લઈ કોઈ વધારાનો કરબોજ નાખવામાં આવ્યો નથી. ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બજેટમાં નળ કનેક્શનનો ચાર્જ . 3200 થી ઘટાડી રૂ. 2000 કરવામાં આવ્યો છે.

જૂનાગઢ મનપાના વર્ષ 2022/23 ના કારોબારી કમીટી એ ગઈકાલે મનપાના મેયરને સુપ્રત કરેલ સુધારા બજેટ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઇ પરસાણાએ અબ તક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ બજેટમાં નવા સંકલ્પો માટે આયોજનો કરાયા છે. જેમાં જૂનાગઢમાં બહારથી આવતા પ્રવાસીઓ ગિરિવર ગિરનારની પ્રકૃતિમય વાતાવરણ વચ્ચે આધ્યાત્મિકતા અને સંસ્કૃતિને પિછાણી શકે તથા સોરઠની શાન ગણી શકાય એવા ગિરનારને લોકો માણી અને જાણી શકે તે માટે પાંચ કે ત્રણ દિવસનો ગિરનાર ઉત્સવ મહોત્સવ યોજવા રૂ. 10 લાખની જોગવાઈ કરવામાં
આવી છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરસાણાના વધુમાં જણાવ્યા અનુસાર આ બજેટમાં સ્વર્ગસ્થ ભાવનાબેન ચિખલીયા સત્સંગ ભવન યોજના, અટલબિહારી બાજપાઈ કલા પ્રદર્શન યોજના, શહેરના આધુનિકરણ માટે નવા રૂપરંગ સાથે ફુવારાઓ, સ્વર્ગસ્થ સૂર્યકાંત આચાર્ય પ્રવાસન માહિતી કેન્દ્ર, સરદાર ગેટ અને મજેવડી દરવાજા પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે, તે ઉપરાંત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના સ્પર્ધકો માટે રૂપિયા 3 લાખ સુધીના રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે, મનપાના સફાઈ કામદારો માટે કર્મ દીપ એવોર્ડ આપવા એક લાખની જોગવાઈ, જૂનાગઢ મનપાના નગરજનોની વિશિષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક મળે તો રૂપિયા 21 હજારનું રોકડ પુરસ્કાર અને રાજ્યપાલ તરફથી ચંદ્રક મળે તો 11 હજાર રોકડ ઈનામ અને પ્રમાણપત્ર આપવા માટે રૂપિયા 3 લાખની જોગવાઈ, ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે 10 લાખ, સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે 20 લાખ અને પ્રાથમિક શાળાના બાળકો માટે રમત ગમત પેટે રૂપિયા પ લાખની વિદ્યાર્થી પ્રોત્સાહિત યોજનાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે.

દરમિયાન મહાનગર પાલિકાના શાસકો દ્વારા બજેટમાં વેરા વસુલાત માટે રેગ્યુલર વેરો ચૂકવતા નાગરિકોને 10 ટકા રિબેટ યોજનાનો લાભ આપવાની સાથે ઓનલાઈન વેરો ભરે તે નાગરિકોને વધુ બે ટકા છૂટ આપવામાં આવશે તેવું જાહેર કરાયુ છે.કારોબારી કમિટી દ્વારા જનરલ બોર્ડની મંજૂરી માટે મનપાના મેયર ગીતાબેન પરમારને સુપરત કરવામાં આવેલ સુધારા બજેટ વખતે મેયર ગીતાબેન પરમાર, ડે. મેયર, ગીરીશભાઈ કોટેચા, શાસક પક્ષના નેતા કિરીટ ભિનભા તથા કારોબારી કમિટીના સદસ્યો અને મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.