Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલાઇઝેશન અને ડિજિટલ ઇકોનોમીને વેગ આપવા અપનાવેલા અભિગમમાં ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ  એક કદમ ભર્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાં ડોનેશન ઓનલાઇન સ્વીકારવા માટે શરૂ કરવામાં આવેલા પોર્ટલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યું હતું. રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા કાર્યરત કરવામાં આવેલા આ પોર્ટલ પર ઓનલાઇન લિંક ઉપર ક્લિક કરીને કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાનો દાન-ફાળો આપી શકશે. આ લિંક પર ક્લિક કરવાથી સંબંધિત વ્યક્તિના મોબાઈલ નંબર પર ઓટીપી જનરેટ થશે અને દાન આપનાર વ્યક્તિ પોતાના નામ, સરનામા, પાનકાર્ડ, ઈ-મેઇલ આઇડી જેવી પ્રાથમિક વિગતો ભરીને સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ પે-ડોનેશન  પર ક્લિક કરીને અલગ-અલગ પેમેન્ટ મોડ, તમામ યુ.પી.આઈ પ્લેટફોર્મ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ક્યુ.આર. કોડ જેવા માધ્યમથી સી.એમ. રીલીફ ફંડમાં ઓનલાઇન ડોનેશન આપી શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સી.એમ. રીલીફ ફંડમાં દાન સ્વીકારવાના ઓનલાઈન પોર્ટલનું લોન્ચિંગ કર્યું

આ પેમેન્ટ સક્સેસફુલ થયેથી દાન આપનાર વ્યક્તિને ઓટો જનરેટેડ ઇ-રીસીપ્ટ, 80-જી સર્ટિફિકેટ અને મુખ્યમંત્રી  દ્વારા અપાતો પ્રશંસાપત્ર ત્વરાએ મળી જશે.આ ઓનલાઇન ડોનેશન પોર્ટલ અને રીસીપ્ટનું ઓનલાઈન ડિજિટલાઇઝેશન પદ્ધતિ કાર્યરત થવાથી દાતાને તુરંત જ પેમેન્ટ રીસીપ્ટ અને સર્ટિફિકેટ મળી જશે અને જરૂર જણાયે ગમે ત્યારે મોબાઈલ નંબર લોગીનથી રીસીપ્ટ કે સર્ટિફિકેટ મેળવી પણ શકાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-દર્શનમાં આવી રાહત-સહાય આપવાના ધોરણો વધુ ઉદાર બનાવવાની સંવેદના સાથે સપ્ટેમ્બર-2021થી અત્યાર સુધીમાં ગંભીર રોગોથી સારવાર માટે 2085 લોકોને કુલ 30.81 કરોડ રૂપિયા તેમજ અકસ્માત મૃત્યુ અને ઈજાના કેસોમાં 450થી વધુ લોકોને 18.85 કરોડની સહાય સરકારે આપી છે. રાહત નિધિમાં મળતા દાનનો ઉપયોગ આવા જરૂરતમંદ વ્યક્તિઓના કિસ્સામાં સહાય માટે રાજ્ય સરકાર કરે છે.

કુદરતી આપત્તિમાં મદદ-સહાય ઉપરાંત કેન્સર, હાર્ટ સર્જરી, લંગ્સ રીપ્લેસમેન્ટ, મૂત્રપિંડના રોગો જેવા ગંભીર રોગોની સારવાર માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જરૂરતમંદ વ્યક્તિઓને સહાય આપવામાં આવે છે.

એટલું જ નહીં, ગંભીર માર્ગ અકસ્માતના કિસ્સામાં પણ જાન ગુમાવનારા અને ગંભાર ઈજાગ્રસ્ત લોકોને આ ફંડમાંથી સહાય અપાઈ છે.

હવે, ઓનલાઇન પોર્ટલના કાર્યરત થવાથી દેશ અને દુનિયામાંથી કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાના તરફથી દાન-ડોનેશન એટ વન ક્લિકથી આપી શકશે અને આવા જરૂરતમંદ લોકોની મદદ માટેના સરકારના કાર્યોમાં સહયોગી બની શકશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આ પોર્ટલ અને ડોનેશનની રીસિપ્ટના ઓનલાઇન ડિજિટલાઇઝેશનનો પ્રારંભ રાહત કમિશનર શ્રી આલોક પાંડે, મુખ્યમંત્રી કાર્યાલયના સચિવઓ તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના ચીફ જનરલ મેનેજર અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.