Abtak Media Google News

ઉત્તરપ્રદેશમાં મહાગઠ્ઠબંધનને ધારી સફળતાં ન મળી: ભાજપનો દબદબો યથાવત

હિન્દ બેલ્ટ રાજયોમાં ભાજપને નુકસાની જશે તે વાતનાં છેદ ઉડયા: ૨૨૫ માંથી ૧૯૦ બેઠકો પર વિજયની સંભાવના

Screenshot 1 21

Advertisement

દિલ્હીની ગાદીનો રસ્તો ઉતરપ્રદેશમાંથી પસાર થાય છે તે વર્ષો જુની કહેવત આજે ૧૭મી લોકસભાની ચુંટણીમાં સાર્થક થઈ છે. ઉતરપ્રદેશમાં ભાજપને હરાવવા માટે કટર દુશ્મન એવા માયાવતી અને અખિલેશે હાથ મિલાવી મહાગઠબંધનની રચના કરી હતી જેને ધારી સફળતા મળી નથી અને લોકોએ જાકારો આપ્યો છે. ભાજપનો દબદબો ઉતરપ્રદેશ સહિતનાં હિન્દી બેલ્ટનાં રાજયોમાં યથાવત જોવા મળી રહ્યો છે. આ લખાય રહ્યું છે ત્યારે ઉતરપ્રદેશમાં ભાજપ ૫૯ બેઠકો હાંસલ કરી રહ્યું છે તો હિન્દી બેલ્ટનાં રાજયોમાં આવેલી ૨૨૬ બેઠકો પૈકી ૧૯૦ બેઠકો પર ભાજપ વિજય બને તેવા આસાર હાલ મળી રહ્યા છે.

દેશનાં સૌથી મોટા રાજય ઉતરપ્રદેશમાં લોકસભાની ૮૦ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપ અને સાથી પક્ષો ૫૯ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે જયારે બહુજન સમાજ પાર્ટી ૧૧ બેઠકો પર, સમાજવાદી પાર્ટી ૬ બેઠક પર, કોંગ્રેસ ૧ બેઠક પર અને અપના દળ ૧ બેઠક પર હાલ આગળ ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભાજપને ઉતરપ્રદેશમાંથી ઐતિહાસિક ૭૩ બેઠકો પ્રાપ્ત થઈ હતી. આ વખતે ભાજપને ચોકકસ યુપીમાં ૧૪ બેઠકની નુકસાની જઈ રહી છે પરંતુ મહાગઠબંધનને ધારી સફળતા મળી નથી. રાજસ્થાનમાં ૨૫ બેઠકો પૈકી ૨૪ પર ભાજપ અને ૧ બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.

મધ્યપ્રદેશમાં ૨૯ બેઠકો પૈકી ૨૮ બેઠકો પર ભાજપ અને ૧ બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. ઉતરાખંડની તમામ પાંચેય બેઠકો પર ભાજપનાં ઉમેદવારોને લીડ મળી રહી છે. દિલ્હીની ૭ બેઠકો પર બીજેપી આગળ ચાલી રહ્યું છે જયારે હરિયાણાની ૧૦ બેઠકો પર ભાજપને લીડ છે. કર્ણાટકની ૨૮ બેઠકો પૈકી ૨૧ બેઠકો પર ભાજપ અને ૭ બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રની ૪૮ બેઠકો પૈકી ૩૭ બેઠકો પર ભાજપઅને શિવસેના જયારે ૧૦ બેઠકો પર કોંગ્રેસ અને એક બેઠક પર અન્ય પક્ષ આગળ ચાલી રહ્યા છે.

પશ્ર્ચિમ બંગાળમાં દીદી અને મોદી વચ્ચે જંગ હતો જેમાં રાજયની ૪૨ બેઠકો પૈકી ૧૯ બેઠકો પર હાલ ટીએમસી આગળ ચાલી રહી છે અને ૯ બેઠકો પર ભાજપનાં ઉમેદવારોને લીડ છે. લોકસભાની ચુંટણીનાં મતદાન પૂર્વે એવું માનવામાં આવતું હતું કે, હિન્દી બેલ્ટનાં રાજયોમાં ભાજપને આ વખતે નુકસાની સહન કરવી પડશે જોકે આ વાતનાં રીતસર છેદ ઉડી ગયા છે. હિન્દી બેલ્ટનાં રાજયોમાં આવતી ૨૨૫ બેઠકો પૈકી ૧૯૦ બેઠકો પર ભાજપ અથવા સાથી પક્ષો હાલ લીડ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.