Abtak Media Google News

ભાજપના બે જુથમાં ‘લોકચાહના’નો વિજય

ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના બે જુથ વચ્ચે અંતે ‘લોકચાહના’નો વિજય થયો છે. ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં પ્રમુખપદની ખુરશી પર દાના અરજણનો કબજો થયો છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે રણુભા જાડેજા ચૂંટાયા છે. દાના અરજણ ભાજપના પૂર્વ નગરપતિ હતા. જ્યારે સામાપક્ષે ભાજપના મયુરભાઈ સુવાએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે, દાના અરજણ વધુ લોકપ્રિય હોવાથી તેમને વિજય તાજ પહેરાવાયો હતો.

શહેરમાં છેલ્લા એક માસથી ચર્ચાના ચકડોળે નગરપાલિકાની આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આખરે ગઈકાલે યોજાય. ભાજપના મની, મસલ પાવરનો ફિયાસ્કો કરી પ્રમુખ પદની ખુરશી ઉપર ભાજપના પૂર્વ નગરપતિ દાના અરજણે કબજો જમાવી દીધો જ્યારે ઉપપ્રમુખ તરીકે રણુભા જાડેજા ચૂંટાઈ આવ્યા હતા.

ગઈકાલે નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ એ પહેલા ભારતીય જનતા પાર્ટીના જયંતીભાઈ ઢોલ સર્કિટ હાઉસ ખાતે આવી ભાજપના પ્રદેશ ભાજપમાંથી આવેલા મેન્ડેટનું કવર ખોલતા પ્રમુખ તરીકે મયુરભાઈ ગોવિંદભાઈ સુવા અને ઉપપ્રમુખ તરીકે મંજુલાબેન કાન્તીભાઈ માકડીયાનું નામ આવતા ઉપસ્થિત સભ્યોને જણાવ્યું હતું.

ત્યારબાદ બપોરે બે વાગે ચૂંટણી અધિકારી અને ધોરાજીના પ્રાંત ઓફિસર મીયાણીના અધ્યક્ષ સ્થાને ક્ધયા શાળાના હોલમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં કુલ ૩૬ રાજ્યોમાંથી ૩૫ સભ્યો હાજર રહેલા હતા. જેમાં ભાજપના ૨૭, કોંગ્રેસના ૭ તેમજ ૧ સીપીએમ હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રમુખ તરીકે ભાજપના મયુરભાઈ ગોવિંદભાઈ સુવાએ ઉમેદવારી નોંધાવતા તેની સામે ભાજપના જ પૂર્વ નગરપતિ દાનભાઈ અરજણભાઈ ચંદ્રવાડિયા ઉમેદવારી કરતા ચૂંટણી અધિકારી દ્વારા મતદાન હાથ ધરતા મયુરભાઈ સુવાને ૧૬ મત મળ્યા હતા. જ્યારે દાનભાઈ ચંદ્રવાડિયાને ૧૯ મત મળતા તેઓ વિજેતા જાહેર કરાયા હતા.

જ્યારે ઉપપ્રમુખની ચૂંટણી હાથ ધરતા ભાજપના મહિલા સભ્ય મંજુલાબેન કાન્તીલાલ માકડીયાએ ઉમેદવારી નોંધાવતા તેની સામે ભાજપમાં જ પૂર્વ નગરપતિ રણુભા નવલસંગ જાડેજાએ ઉમેદવારી કરતા ચૂંટણી અધિકારીએ મતદાન કરાવતા મંજુલાબેન માકડીયાને ૧૬ મત તેમજ રણુભા જાડેજાને ૧૯ મત મળતા તેમને વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે સીપીએમના એક સભ્ય બોર્ડમાં હાજર રહી મતદાનથી અલીપ્ત રહ્યાં હતા.

ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના બે બળીયાઓ વચ્ચે ભારે જંગ ખેલાયો હતો. આખરે ભાજપના મની, મસલ પાવર સામે દાના અરજણના કબજામાં પ્રમુખ પદની ખુરશી આવી ગઈ હતી.

બંને જુથના સભ્યોને અલગ અલગ રીતે બહાર કાઢવા પડ્યા

Photogrid 1598296028067

ગઈકાલે યોજાયેલી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોતા પોલીસે ભાજપના બન્ને જુથના સભ્યોને વારાફરતી બહાર કાઢી તમામ સભ્યોને પોત પોતાના વાહનોમાં રવાના કરી દીધા હતા. બાદ નવનિયુક્ત પીઆઈ કે.જે.રાણાની કુનેહ શક્તિ કામ કરી હતી.

એક સભ્યએ વીડિયો કોન્ફરન્સથી મતદાન કર્યું

હાલના નગરપાલિકાના ઉપપ્રમુખ ધવલભાઈ માકડીયાને થોડાક દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવતા તેઓને આરોગ્ય વિભાગ દ્વારા હાલ કવોરન્ટાઈન કરાયા હતા. આથી ધવલભાઈ માકડીયાએ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ મતદાન કરવાની અરજી કરતા ચૂંટણી અધિકારીના આદેશ મુજબ ધવલભાઈ માકડીયાના ઘરે નાયબ મામલતદાર બી.પી.બોરખતરીયા, આરોગ્ય અધિકારી ડો.હેપી પટેલ, જીઈબી એન્જીનીયર સાંગાણી સહિત ટીમ પહોંચી નગરપાલિકાની સામાન્ય સભામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા મતદાન કરાવતા ધવલભાઈ માકડીયાએ ભાજપના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરી નગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત વીડિયો કોન્ફરન્સ દ્વારા મતદાન કર્યું હતું.

રજાકભાઈ હિંગોરાની પેનલ નિર્ણાયક બની

ભાજપના બે બળીયાઓ પાસે ૧૪+૧૪ મત હોવાથી વોર્ડ નં.૯ માંથી કોંગ્રેસના અગ્રણી રજાકભાઈ ઓસમારભાઈ હિંગોરાની પેનલના ૪ મત તથા એક મત વોર્ડ નં.૧ના ભુપતભાઈ કનેરીયાનો સહિત ૫ કોંગ્રેસના મત દાનભાઈ ચંદ્રવાડીયાને મળતા તેનો વિજય થયો હતો.

ભાજપના બે બળીયાઓની લડાઈમાં કોંગ્રેસના બે ભાગ પડ્યા

ગઈકાલે યોજાયેલ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના બે બળીયા ઉમેદવાર વચ્ચે આરપારનો જંગ ખેલાયો હતો. તેમાં કોંગ્રેસમાં પણ બે ભાગ પડ્યા હતા. જેમાં ભાજપના મયુરભાઈ સુવાને ભાજપના ૧૪ તથા કોંગ્રેસના બે સભ્યોના મત મળ્યા હતા. જ્યારે દાનભાઈ ચંદ્રવાડિયાને ભાજપના ૧૪ તથા કોંગ્રેસના ૫ સભ્યોના મત મળ્યા હતા.

ભાજપની તાકાત દાનાભાઈ સામે ટુંકી પડી

નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના ઉમેદવારો ચૂંટાઈ આવે તે માટે શહેર ભાજપ, જિલ્લા ભાજપ, પ્રદેશ ભાજપના અમુક આગેવાનો તેમજ અન્ય રાજકીય આગેવાનોએ મની, મશલ પાવર સહિતનો ઉપયોગ કરી આ ચૂંટણીનો જંગ ભારે રસપ્રદ બન્યો હતો. આ ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર કોણ બનશે. તે માટે શહેરના ૧૦૦૦ કરતા વધુ લોકો જોવા ઉમટી પડ્યા હતા. પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આખરે ભાજપના મની, મશલ પાવર દાના અરજણ સામે ટૂંકા પડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.